PM મોદીએ દુનિયાના સૌથી લાંબાં રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ’ને તરતું મૂક્યું
નવી દિલ્હી : દુનિયાનું સૌથી લાંબું પેસેન્જર ક્રૂઝ ગંગા વિલાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરતું મૂક્યું હતું. આ ક્રૂઝની બૂકિંગ માર્ચ-૨૦૨૪ સુધી થઈ ચૂક્યું છે. એપ્રિલ-૨૦૨૪થી પ્રવાસીઓ એનું બૂકિંગ કરાવી શકશે. એક પેસેન્જરનું ભાડું ૫૦થી ૫૫ લાખ રૂપિયા જેવું થશે. આ ક્રૂઝ પાંચ રાજ્યોમાં ૫૧ દિવસ દરમિયાન ૩૨૦૦ કિલોમીટરનું અંતર કાપશે. ૬૨ મીટર લાંબાં, ૧૨ મીટર પહોળાં આ પેસેન્જર ક્રૂઝનું નિર્માણ ભારતમાં જ થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી વિશાળ ક્રૂઝને તરતું મૂકતા કહ્યું હતું: વિકસિત ભારતના નિર્માણ માટે બહેતર કનેક્ટિવિટી જરૂરી છે. ભારત હવે ઝડપભેર બદલાઈ રહ્યું છે. ભારત દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે અને ભારત બધા જ ધર્મોને સમાન આદર આપતું હોવાથી વિદેશી પ્રવાસીઓને પ્રિય થઈ પડયું છે. સ્વિટ્ઝર્લેન્ડના ૩૨ પ્રવાસીઓએ ક્રૂઝની પ્રથમ મુસાફરી બુકિંગ કરી હતી.
સંબોધન કરતી વખતે મોદીએ કહ્યું હતું કે આજે ભારત પાસે બધું જ છે, તમારી કલ્પના કરતાં વધારે અનુભવોનું ભાથું બાંધી શકશો. વડાપ્રધાને કહ્યું હતું કે ભારતમાં પાણી માર્ગે પ્રવાસ ઓછો થઈ રહ્યો છે. વિશાળ દરિયાકાંઠો અને મોટી નદીઓ હોવા છતાં જળ માર્ગે પ્રવાસ ઓછો થતો હોવાથી એ દિશાના વિકાસકાર્યો શરૂ થયા છે. ૨૦૧૪ પહેલાં દેશમાં માત્ર પાંચ જળમાર્ગો હતો, જે હવે વધીને ૧૧૧ થઈ ગયા છે અને એમાંથી બે ડઝન તો કાર્યરત પણ થઈ ચૂક્યા છે. પશ્વિમ બંગાળ, આસામ, યુપી અને બિહાર માટે મોદીએ ૧૦૦૦ વોટરવે પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
કાશીથી દિબુ્રગઢની યાત્રા ક્રુઝ કરશે અને તેનાથી ઉત્તર ભારતમાં પર્યટનનો વિકાસ થશે. ગંગા નદી સેંકડો વર્ષોથી ભારતીયોનું કલ્યાણ કરે છે. ભારતીયોના જીવનમાં ગંગા મૈયાનું ધાર્મિક મહત્ત્વ તો છે જ, પરંતુ જીવનશૈલીમાં પણ એનું મૂલ્ય છે. વધુ એક વખત ગંગા મૈયા આપણા સૌ માટે જીવાદોરી સાબિત થશે.
૫૧ દિવસના ક્રૂઝના પ્રવાસ દરમિયાન વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ, નેશનલ પાર્ક્સ, નદીના ઘાટ અને મહત્ત્વના શહેરોને આવરી લેવાશે. લગભગ ૫૦ સ્થળોનો પ્રવાસ આ દરમિયાન થશે. ક્રૂઝમાં ૩૬ પ્રવાસીઓની ક્ષમતા છે. પ્રવાસીઓને દેશની વિવિધ વાનગીઓ પીરસવામાં આવશે અને સાંસ્કૃતિક તેમ જ ઐતિહાસિક બાબતોનો પરિચય કરાવાશે.
તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું ઉદ્ધાટન પણ કર્યું હતું. ગંગા કિનારે બનેલા આ ટેન્ટ સિટીથી વારાણસીમાં વધારે પ્રવાસીઓ આવતા થશે.