કરોડો રૂપિયાના ખર્ચે મા અંબાના મંદિરનો ચાચરચોક 75 મીટર પહોળો કરાશે
ભારતવર્ષના એકાવન શક્તિપીઠો પૈકીના એક અંબાજી ખાતે પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુઓ મા અંબાનાં દર્શન કરવા પધારે છે અને વર્ષો વર્ષ આ સંખ્યામાં નોંધપાત્ર વધી રહ્યો છે. ત્યારે દેશ-વિદેશથી મા અંબાનાં દર્શન કરવા આવતા એક એક માઇભક્ત શાંતિથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવા સરકારે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે વર્તમાન મંદિરના કેન્દ્રબિંદુથી 75 મીટરની ત્રિજ્યામાં ચાચરચોકનું વિસ્તૃતીકરણ કરવામાં આવનાર છે. આ નિર્માણકાર્ય કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ કરવામાં આવનાર છે. જેમાં રૂ.500 કરોડ જેટલા ખર્ચનો અંદાજ મૂકાઇ રહ્યો છે.
6209.02 ચોરસ મીટર જમીનનું સંપાદન કરવામાં આવ
સૂત્રો મુજબ, મંદિર અને શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને કેન્દ્રમાં રાખી સૂચિત કરાયેલ આ પ્લાનમાં 19 ધર્મશાળાઓ, 4 ગેસ્ટ હાઉસ, 88 દુકાનો, 4 રહેઠાણ, 9 ખુલ્લા પ્લોટ, એક જાહેર ટોયલેટ, એક ખાનગી સ્કૂલ અને 4 મંદિરો સહિત કુલ 6209.02 ચોરસ મીટર જમીનનું સંપાદન કરવામાં આવશે. આ માટેનો માસ્ટર પ્લાન અયોધ્યા અને સંસદનું નિર્માણ કરનારી H.C.P. કંપનીના આર્કિટેક્ચર બિમલ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂચિત આ પ્લાનમાં હજુ પણ સુધારા-વધારા થવાની સંભાવના બતાવાઈ રહી છે.
લાઈટ એન્ડ સાઉન્ડ શો બાદ હવે આ કાર્યો થશે
– શક્તિપીઠ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરાયો, જે વિશ્વભરના યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
– તારંગાથી અંબાજી, આબુરોડ રેલવે. જે દાંતા તાલુકાના વિકાસ સહિત વિશ્વભરમાંથી આવતાં યાત્રિકોને સુવિધા ઉપરાંત માર્બલ ઉદ્યોગને પરિવહન માટે ખૂબ જ લાભદાયી બની રહેશે.
મંદિર ચોકનું 75 મીટરની ત્રિજ્યામાં વિસ્તૃતિકરણનું આયોજન.
– અંબિકા ભોજનાલયના નવીનીકરણમાં આધુનિક સામગ્રી સાથે ડાઇનિંગ હોલ, જેમાં 500 યાત્રિકોને જમવાની સુવિધા સાથે ગબ્બર પગથિયાંનું નવીનીકરણ કરવામાં આવશે.
તીર્થ કોટેશ્વર મંદિર સહિત વાલ્મિકી આશ્રમનું રીનોવેશન કરાશે.
એકાવન શક્તિપીઠ પરિક્રમા સંકુલ દર્શનીય અને રમણીય
યાત્રાધામ અંબાજીની વિકાસ યાત્રા અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલે જણાવ્યું કે, અંબાજી એ માત્ર પવિત્ર ધાર્મિક યાત્રાધામ નથી પણ અહીં અનેક રમણીય સ્થળો જોવાલાયક છે. મા અંબાના ભવ્ય સુવર્ણમંડિત મંદિર ઉપરાંત પવિત્ર ગબ્બર પહાડ અને એકાવન શક્તિપીઠ પરિક્રમા સંકુલ દર્શનીય અને રમણીય છે.
પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળો તીર્થધામની શોભા
માન સરોવર કુંડ, પવિત્ર સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન કોટેશ્વર મહાદેવ, કુંભારીયાના જૈન દેરાસર, પૌરાણિક કુંભેશ્વર મહાદેવ, દક્ષિણ ભારતની પરંપરા પ્રસ્તુત કરતું કામાક્ષી મંદિર, અજયબાણ આપનાર અજયમાતાનું મંદિર, રીંછડિયા તળાવ અને રીંછડિયા મહાદેવ, કૈલાસ ટેકરી વગેરે અનેક પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળો તીર્થધામની શોભા છે.
ભવિષ્યમાં વિકાસની ક્ષિતિજ વિસ્તરતી રહેશે
અંબાજીની વિકાસ યાત્રા અવિરત આગળ વધતી રહી છે અને ભવિષ્યમાં વિકાસની ક્ષિતિજ વિસ્તરતી રહેશે. ડુંગરમાં વસેલું પ્રાચીન આદિજાતી ગામડું આજે આધુનિક નગરનું નવલું રૂપ ધારણ કરી રહ્યું છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી એ જ સરકારનો મંત્ર છે. યાત્રિકોની સુખ સુવિધા અને સુરક્ષા સચવાય તે માટે શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે.