GUJARAT

રિયા ચક્રવર્તી સુશાંત માટે ગાંજો ખરીદતી હતી – NCBનો આરોપ

મુંબઈ : અભિનેત્રી રિયા ચક્રવર્તી ખુદ તેના ભાઈ તથા અન્ય પાસેથી ગાંજો ખરીદીને અભિનેતા સુશાંત સિંહને આપતી હતી તેવો આરોપ એનસીબી દ્વારા મુકવામાં આવ્યો છે. બોલીવૂડ ડ્રગ કેસમાં એનસીબીએ રજૂ કરેલાં આરોપનામાંની વિગતો બહાર આવી છે. તેમાં રિયા સહિત અન્ય આરોપીઓએ બોલીવૂડની હસ્તીઓને ડ્રગ પહોંચાડવા તથા ડ્રગ ફાઈનાન્સિંગ માટે કાવતરું ઘડયાનો પણ આરોપ મુકાયો છે.

રિયા સહિત ૩૫ આરોપીઓ સામે ચાર્જશીટ મુકવામાં આવી છે. તેમાં રિયાનો ઉલ્લેખ આરોપી નંબર ૧૦ તરીકે કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં કરાયેલા આરોપો અનુસાર રિયા ખુદ તેના ભાઈ શોવિક ચેટરજી ઉપરાતં અન્ય આરોપીઓ સેમ્યુઅલ મિરાંડા તથા દિપેશ સાવંત પાસેથી ગાંજો ખરીદતી હતી. તે જ ગાંજા માટે પેમેન્ટ કરતી હતી અને આ જથ્થો તે સુશાંતને પહોંચાડતી હતી.

એનસીબીના આરોપ અનુસાર આ તમામ આરોપીઓએ બોલીવૂડની હસ્તીઓને માદક દ્રવ્યો પહોંચાડવા તથા ડ્રગ પેડલિંગ માટે નાણાં પુરાં પાડવાનું કાવતરું ઘડયું હતું. તેમના પર ડ્રગ ખરીદવા, વેચાણ કરવા, વિતરણ કરવા કે મેળવવા સહિતના આરોપો એનડીપીએસ એક્સની વિવિધ કલમો હેઠળ મુકવામાં આવ્યા છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજિયનમાં ચરસ, ગાંજા અને કોકેન સહિતનાં માદક દ્વવ્યો મેળવવા તથા ખરીદવા અને વેચવાનો આરોપ તેમના પર છે. રિયા આ કેસમાં હાલ જામીન પર મુક્ત થયેલી છે. એનસીબી દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યા બાદ હવે કોર્ટમાં ચાર્જીસ ફ્રેમ કરવામાં આવશે. તે પછી ખટલો શરુ થશે.

જોકે, સુશાંતના મોતના સંજોગો અંગેની સીબીઆઈ તપાસ હજુ પૂર્ણ થઈ નથી. સુશાંતે આત્મહત્યા જ કરી હતી તેવી થિયરી સાથે સીબીઆઈ ગમે ત્યારે ક્લોઝર રિપોર્ટ રજૂ કરશે એમ માનવામાં આવે છે. સુશાંતના મોત બાદ તેના બેન્ક વ્યવહારોની તપાસ કરવા જતાં આ ડ્રગ કેસનો પર્દાફાશ થયો હતો. તેને પગલે સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદૂકોણ સહિતના અનેક બોલીવૂડ સિતારાઓની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

બીજી તરફ આ સમગ્ર કેસની તપાસ કરનાર એનસીબીના મુંબઈ ઝોનના તત્કાલીન ડાયરેકર સમીર વાનખેડેની આર્યન ખાન ડ્રગ કેસમાં અનેક ગફલતો કરવા બદલ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને પુરાવાના અભાવે આખો કેસ ખોટી રીતે ઊભો કરી એનસીબી માટે ક્ષોભજનક સ્થિતિ સર્જવા બદલ તેમની સામે પગલાં પણ તોળાઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *