‘નમાઝ પઢવાની ઘટના ફરી બનશે તો કેમ્પસમાં હનુમાન ચાલીસાનો પાઠ કરીશું’
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં શનિવારે સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની બરાબર સામે એક મહિલા અને પુરુષનો નમાઝ પઢતો વિડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટી કેમ્પસના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદે આ મુદ્દે આકરા તેવર બતાવ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદનુ કહેવુ છે કે, યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ આ મુદ્દે એબીવીપીને સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે અને તપાસની માંગ કરવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના શહેર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ કહ્યુ હતુ કે, જો યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રકારની ઘટનાઓ અટકાવવામાં સત્તાધીશો નિષ્ફળ જશે તો પછી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને એબીવીપીના કાર્યકરો પણ દરેક ફેકલ્ટીના ગેટની બહાર ઉભા રહીને હનુમાનચાલીસાનુ પઠન કરશે.
તેમણે વધુમાં કહ્યુ હતુ કે, નમાઝ પઢવા માટે જાણી જોઈને પૂર્વઆયોજિત રીતે સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામેની જગ્યા પસંદ કરવામાં આવી હતી તેવુ અમને લાગે છે.યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રકારની ઘટના બને તે ખરેખર ચોંકાવનારી બાબત છે.સત્તાધીશોએ તેને ગંભીરતાથી લેવાની જરુર છે.
દરમિયાન જે વિડિયો વાયરલ થયો છે તેમાં પહેલી નજરે નમાઝ પઢનારા સ્ત્રી અને પુરુષ યુનિવર્સિટી બહારના હોય તેવુ લાગે છે.એવુ કહેવાઈ રહ્યુ છે કે, યુનિવર્સિટીની સિક્યુરિટી તો ઉંઘતી રહી હતી પણ નજીકના બિલ્ડિંગમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ આ વિડિયો ઉતારી લીધો હતો અને બાદમાં આ વિડિયો વાયરલ થયો હતો.
યુનિ.કેમ્પસની સુરક્ષા સામે ફરી સવાલો
વર્ષે દોઢ કરોડ જેટલો ખર્ચ છતાં કેમ્પસ સુરક્ષાના નામે મીંડુ
યુનિવર્સિટી કેમ્પસની કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પર એક મહિલા અધ્યાપકના લેક્ચર દરમિયાન એટેન્ડન્સ રજિસ્ટરમાં વિદ્યાર્થીઓના એક જૂથે બિભત્સ ચિત્ર બનાવીને આ રજિસ્ટર અધ્યાપકને પાછુ આપ્યુ હતુ.આ વિદ્યાર્થીઓના જૂથમાં બે યુવાન તો વિદ્યાર્થી નહીં હોવા છતા ક્લાસમાં આવીને બેસી ગયા હોવાનુ ચર્ચાયુ હતુ.એ પછી તરત જ એક યુગલ દ્વારા નમાઝ પઢવાનો વિડિયો વાયરલ થયો છે.જેણે યુનિવર્સિટીની સિક્યુરિટી અને વિજિલન્સ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી અને વિજિલન્સ પાછળ દોઢેક કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને આમ છતા છાશવારે કેમ્પસમાં સુરક્ષા સામે સવાલો ઉભા થયા કરે છે.વડોદરાની આસપાસ આવેલી બીજી ખાનગી કોલેજો પણ મોટા કેમ્પસ હોવા છતા અસરકારક સુરક્ષા રાખી શકતી હોય તો યુનિવર્સિટી કેમ્પસમાં કેમ સિક્યુરિટી ના જાળવી શકાય તે સવાલનો જવાબ શોધવાની તસ્દી યુનિવર્સિટી સત્તાધીશોએ ક્યારેય લીધી નથી.
જે જગ્યાએ નમાઝ પઢવાની ઘટના બની તેની આસપાસ પણ સિક્યુરિટી અને વિજિલન્સ સામાન્ય દિવસોમાં તૈનાત રહેતી હોય છે.તેમના ધ્યાનમાંથી પણ આ દ્રશ્ય બહાર ગયુ કે પછી તેમણે આંખ આડા કાન કર્યા તેની તપાસ કરવાની જરુર છે તેવુ ચર્ચાઈ રહ્યુ છે.