જમીનના પેટાળમાંથી ભેદી અવાજ આવતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો
મુંબઈ : વર્ષો પહેલાં વિનાશક ભૂકંપનો ભોગ બની ચૂકેલા લાતુર જિલ્લાના કિલ્લારી પાસેના હસોટી ગામે છેલ્લાં લગભગ એક અઠવાડિયાથી જમીનના પેટાળમાંથી ભેદી અવાજ સંભળાવા માંડતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. ફરી ધરતીકંપ તારાજી વેરશે કે શું એવી આશંકાને લીધે લોકો ફફડી રહ્યા છે.
લાતુરના કલેક્ટર પૃથ્વીરાજ બીપીએ ગઈ કાલે જ આ ગામની મુલાકાત લીધી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. લોકોને જરા પણ ન ગભરાવાની હૈયાધારણ આપતા કલેક્ટરે કહ્યું હતું કે સ્વામી રામાનંદ તીર્થ મરાઠવાડા વિશ્વવિદ્યાલયના નિષ્ણાતોની એક ટીમ હસોરી ગામે આવશે અને કયા કારણસર ભૂગર્ભમાં ગડગડાટીના અવાજ સંભળાય છે તે શોધી કાઢવાનો પ્રયાસ કરશે.
લાતુર જિલ્લાના કિલારી ગામે ૧૯૯૩માં પ્રચંડ ધરતીકંપ થયો હતો જેમાં ૯૭૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એટલે જ કિલારીથી ૨૮ કિલોમીટરના અંતરે આવેલા હસોરી ગામે ભૂગર્ભમાંથી અવાજ આવવા માંડતા લોકો અગાઉની તારાજી યાદ કરીને ફફડી રહ્યા છે. જોકે જિલ્લા અધિકારીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં ભૂકંપની ગતિવિધિનો કોઈ સંકેત નથી મળ્યા.
આ અગાઉ ફેબુ્રઆરી ૨૦૨૦માં મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના બોધી ગામે જમીન નીચેથી ગડગડાટી સંભળાવા માંડી હતી. આ અવાજ સાંભળી લોકો બહાર દોડી ગયા હતા. જોકે ધરતીકંપ ન થવાથી સૌએ રાહત અનુભવી હતી.
ભૂગર્ભમાંથી આવતા ભેદી અવાજ સંદર્ભમાં વૈજ્ઞાાનિક અરુણ બાપટે કહ્યું હતું કે આ ઘાટ વિસ્તાર છે. વરસાદનું પાણી જમીનમાં ઉતરીને અંડાકાર ખડકોની વચ્ચે એકત્ર થાય છે. ધરતીની નીચે જે ચટ્ટાનો છે એ છીધ્રોવાળી છે. આ રીતે જમીનમાં પાણી ભેગું થાય છે. ધરતીનું ઉષ્ણતામાન અચાનક વધી જાય ત્યારે આ પાણીનું બાષ્પીભવન થઈને વરાળ થાય છે અને પછી જમીનની નીચે પેટાળમાં બંધાતા વાદળોને લીધે ગડગડાટી થવા માંડે છે.
હવે સિસ્મોલોજી ખાતાના નિષ્ણાતો ગામની મુલાકાત લઈને વધુ અભ્યાસ હાથ ધરશે.