ગાંધીનગરમાં સાયકલ ઉપર જતાં ગૃહવિભાગના સેવકની ગોળી મારીને હત્યા કરાઈ

ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ નોંધપાત્રરીતે વધી રહ્યા છે ત્યારે આજે સવારના સમયે સેક્ટર-૧૦માં બીરસામુંડા ભવન પાસેથી સચિવાલય ગૃહવિભાગમાં નોકરી પર જઇ રહેલા ઇન્દ્રોડા ગામના યુવાનને પાછળના ભાગે બાઇક ઉપર આવેલા બે શખ્સોએ રીવોલ્વરની ગોળી મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા.આ ઘટનાને પગલે ગાંધીનગર પોલીસની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યારાની શોધખોળ શરૃ કરી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં અત્યારસુધી નાના મોટા ગુનાઓ બનતા રહેતા હતા પરંતુ છેલ્લા થોડા સમયથી હત્યા અને અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુનાઓએ માથું ઉચક્યું છે ત્યારે શહેરના સેક્ટર-૧૦માં બીરસામુંડા ભવન પાસે સચિવાલયમાં ગૃહ વિભાગમાં સેવક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રોડા ગામના યુવાનની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ઇન્દ્રોડા ગામમાં વચલોવાસ ખાતે રહેતા ૩૯ વર્ષિય કિરણજી વિરાજી મકવાણાના પરિવારમાં પત્નિ અને બે પુત્રનો સમાવેશ થાય છે.

છેલ્લા ઘણા વર્ષોથી કિરણજી રોજમદાર તરીકે ગૃહવિભાગમાં ફરજ બજાવે છે. નિત્યક્રમ મુજબ આજે તેઓ સાયકલ ઉપર સચિવાલય જવા નિકળ્યા હતા તે સમયે ભારતીય સર્વેક્ષણ કચેરીની ગલીમાં બાઇક ઉપર આવેલા બે શખ્સો પૈકી એકે હાથમાં રહેલી રીવોલ્વર વડે કિરણભાઇના પીઠના ભાગે ગોળી મારી દીધી હતી જેના કારણે તેઓ નીચે પટકાયા હતા અને શખ્સો પળવારમાં ત્યાંથી નાસી છુટયા હતા. સવાર ઓફિસ ટાઇમ વખતે બનેલી આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ એકઠા થઇ ગયા હતા. આ સંદર્ભે સેક્ટર-૭ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૃ કરી હતી.

કિરણજીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. નાઇન એમએમ પિસ્તોલનો ઉપયોગ થયો હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં લાગ્યું હતું. જો કે કિરણજીની હત્યા શુ કામ કરવામાં આવી તે સંદર્ભે પોલીસને હજી સુધી કોઇ સચોટ કડી મળી આવી નથી. હાલ તો તેમના ભાઇ વિજયકુમાર મકવાણાની ફરિયાદને આધારે સે-૭ પોલીસે અજાણ્યા બાઇક સવાર સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૃ કરી છે.

ભુતકાળમાં કોઇની સાથે સંઘર્ષમાં નહીં ઉતરેલા કિરણજીની હત્યા એક કોયડો

ગૃહવિભાગમાં ફરજ બજાવતા અને ઇન્દ્રોડા ગામના રહેવાસી એવા ૩૯ વર્ષિય કિરણજી મકવાણાની હત્યા મામલે પોલીસ પણ આશ્ચર્યમાં પડી છે કેમ કે, આ કિરણજી સામે ભુતકાળમાં કોઇ નાની મોટી તકરાર કે અન્ય કોઇ ઘર્ષણની ફરિયાદ પણ જોવા મળી નથી. પારિવાર કે જમીનની તકરાર પણ નથી તો તેમની હત્યા શુ કામ કરવામાં આવી તે જાણવા માટે પોલીસે અલગ અલગ થિયરી પર તપાસ આદરી છે. હાલ તો આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફુટેજની ચકાસણી કરીને આરોપીની શોધખોળ કરાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *