અમદાવાદમાં પતિથી કંટાળીને પરિણીતાએ કર્યો આપઘાત

અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતી પરણિતા સાસરીયાના ત્રાસના કારણે 8 જાન્યુઆરીએ પિયર ગઇ હતી. જ્યાં તેણે ભાઇને જણાવ્યું હતું કે, સાસરીયાના ત્રાસથી કંટાળી ગઇ છું. બનેવીને બીજી સ્ત્રી સાથે સબંધ છે જેથી તે ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. આટલું કહ્યા બાદ યુવતી સાસરે ગઇ હતી અને રાત્રે તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હેતલે તેના જ સમાજના આશિષ હમીરભાઇ પરમાર સાથે અઢી વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા જ દિવસોમાં હેતલનો પતિ આશિષ માનસિક ત્રાસ આપતો હતો.

હેતલ કોમ્પ્યુટર ક્લાકમાં લો ગાર્ડન ખાતે નોકરી કરતી હતી. જ્યારે પતિ સાડીની દૂકાનમાં નોકરી કરતો હતો. આશિષને નશો કરવાની ટેવ હોવાથી તે અવારનવાર નશો કરી ઘરે જતો હતો. પરંતુ હેતલે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તે પતિ સહિત સાસરીયાનું સહન કરતી હતી અને તેની માતાને જાણ કરતી ન હતી.

8 જાન્યુઆરી 2023ના રોજ બપોરે હેતલ તેની માતાના ઘરે ગઇ હતી અને તેણે તેના ભાઇ મેહુલને જણાવ્યું હતું કે, પતિ આશિષ તથા સાસુ સસરા છેલ્લા એક વર્ષથી હેરાન પરેશાન કરી રહ્યાં છે. જેથી હું બહુજ કંટાળી ગઇ છું. આશિષને બીજી કોઇ સ્ત્રી સાથે સબંધ છે જેથી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. આટલું ભાઇને કહ્યા બાદ હેતલ પોતાના સાસરે પરત ગઇ હતી. ત્યારબાદ રાત્રે તેણે સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે હેતના માતાને જાણ થતા તેઓ એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે આ મામલે કાગડાપીઠ પોલીસ મથકમાં જમાઇ આશિષ, સાસુ લલીતબહેન અને સસરા હમીર પરમાર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *