GUJARAT

વીજળીના એક કડાકામાં કેટલી કલ્પનાતીત શક્તિ હોય છે? વાંચીને નહીં થાય વિશ્વાસ

૨૦૨૨ની ૭, સપ્ટેમ્બર, બુધવારે સાંજે લગભગ પાંચ વાગે બોરીવલી (પશ્ચિમ)ના સિમ્પોલી વિસ્તારના નેમીનાથ એપાર્ટમેન્ટ પર વીજળીનો પ્રચંડ પ્રહાર થયો હતો. તે દિવસે બોરીવલી સહિત આખા મુંબઇમાં પ્રચંડ મેઘગર્જના, વીજળીના કડાકાભડાકા, તોફાની પવન સાથે મેઘરાજા ગાંડાતૂર થયા હતા. વીજળી પડવાથી નેમીનાથ એપાર્ટમેન્ટનો વીજળી પુરવઠો ખોરવાઇ ગયો હતો. તમામ ટીવી સેટ્સ, સીસીટીવી કેમેરા અને પીવાનું પાણી અગાસી ઉપર ચડાવવા માટેની ઇલેક્ટ્રીક મોટર વગેરે કામ કરતાં બંધ થઇ ગયાં હતાં.

હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે મુંબઇમાં વીજળી પડવાની ઘટના ભાગ્યે જ બને છે. જોકે ભૂતકાળમાં મુંબઇના જુદા જુદા વિસ્તારમાં વીજળી પડવાની અને તેને કારણે મૃત્યુ થવાની ઘટનાઓ બની છે ખરી.

* ૧૯૬૦ ના સમયગાળામાં મુંબઇના પ્રસિદ્ધ બાબુલનાથ મંદિર પર વીજળી પડી હોવાનો ઉલ્લેખ મળે છે. વીજળીના પ્રચંડ પ્રહારને કારણે મંદિરના શિખરને ભારે નુકસાન થયું હોવાની જાણકારી મળે છે.

*૨૦૦૬ની ૨૧, જૂને કેટલાંક કોલેજીયનો વરસાદી માહોલનો આનંદ માણવા ગીરગાંવ ચોપાટીના દરિયા કિનારા પર ગયાં હતાં. અચાનક જ વીજળીનો પ્રચંડ કડાકો થયો અને એક વિદ્યાર્થિની પર વીજળી પડી. ક્ષણભરમાં જ તે વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બીજાં ગંભીર રીતે દાઝી ગયાં હોવાનો ઉલ્લેખ મળે છે.

* આકાશની છાતી ચીરીને પૃથ્વી પર ત્રાટકતી વીજળીની પ્રચંડ તાકાતનું બિહામણું સ્વરૂપ જાણવા જેવું છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટ્રોપીકલ મિટિયોરોલોજી (આઇ.આઇ.એમ.-પુણે)ના સિનિયર વિજ્ઞાાની અને વીજળી પડવાની ઘટનાઓ વિશે ગહન સંશોધન કરતા સુનીલ પવાર કહે છે, સૂર્યની ધગધગતી ગરમીથી જે તે વિસ્તારની હવા ગરમ અને પાતળી થઇને વાતાવરણના ઉપરના પટ્ટામાં જાય. ત્યારબાદ ગરમ હવાનો તે વિપુલ જથ્થો ત્યાં ઠંડો પડે. ટાઢી થઇ ગયેલી હવામાં ભેજનું પ્રમાણ વધી જાય અને પરિણામે તેમાંથી પાણીનાં અસંખ્ય બિંદુઓ સાથે અને બરફનાં કણો પણ બને.

જોકે આ કુદરતી પ્રક્રિયા ધરતીથી વાતાવરણના ફકત ૧૫ કિલોમીટરના ટ્રોપોસ્ફિયરના પટ્ટામાં તરતાં વિશાળ કદનાં ક્યુમ્યુલોનિમ્બ્સ પ્રકારનાં વાદળોમાં જ થાય. ત્યારબાદ જળનાં પેલાં બિંદુઓ જ અને બરફનાં કણો ભેગાં થઇને ગોળ ગોળ ફરવા માંડે અને વાતાવરણના નીચેના પટ્ટામાં ઉતરી આવે.

આ પ્રક્રિયા દરમિયાન પાણીનાં પેલાં બિંદુઓમાં અને બરફનાં કણોમાં કુદરતી રીતે જ વિદ્યુત ચુંબકીય ઘર્ષણ ઉત્પન્ન થાય. સરળ રીતે સમજીએ તો વાદળોમાં સર્જાતા ઋણ વિદ્યુતભાર (-) અને ઘન વિદ્યુત ભાર(+)ને કારણે વાદળોમાં વિદ્યુત ઉત્પન્ન થાય. આવી અજીબોગરીબ પ્રાકૃતિક પ્રક્રિયા દરમિયાન વાતાવરણના નીચેના પટ્ટામાં તરતાં વાદળોમાં જબરદસ્ત સ્પાર્ક( અતિ તીવ્ર ઘર્ષણથી થતો પ્રચંડ તીખારો) પણ થાય. આ સ્પાર્ક એટલે જ આકાશમાં ખળભળાટ કરતી વીજળી.

* વીજળીના એક કડાકામાં ૧૦ કરોડ વોલ્ટ્સ જેટલી અથવા તેના કરતાં પણ વધુ વોલ્ટ્સ જેટલી કલ્પનાતીત શક્તિ હોય છે. આટલી અતિ અતિ પ્રચંડ તાકાત ધરાવતી વીજળી જે કોઇ વિસ્તારમાં ત્રાટકે ત્યાં જમીનમાં ઉંડો ખાડો પડી જાય. માનવી,પશુ,પંખી ક્ષણભરમાં મૃત્યુ પામે. સાથોસાથ ઘરમાંનાં તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો( ટીવી, રેફ્રીજરેટર, ઇલેક્ટ્રીક ઓવન) કામ કરતાં બંધ થઇ જાય. વીજળી પુરવઠો પણ ખોરવાઇ જાય.

* વિશ્વના નિષ્ણાત હવામાનશાસ્ત્રીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે વીજળીના વિવિધ પ્રકાર નક્કી કર્યા છે. આ પ્રકારમાં ક્લાઉડ ટુ ક્લાઉડ(એકથી બીજા વાદળ સુધી થતી વીજળી), પોઝીટીવ લાઇટનિંગ, રીબન લાઇટનિંગ, ફોર્કડ લાઇટનિંગ, બોલ લાઇટનિંગ, બ્લુ લાઇટનિંગ, અપર એટમોસફિયરિક લાઇટનિંગ વગેરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *