GUJARAT

કિન્નરે પરિણીત યુવક સાથે આપઘાત પહેલા પોસ્ટ કરી હતી દર્દભરી રીલ્સ

પ્રેમમાં પાગલ થઈને પ્રેમી અને પ્રેમિકા સજોડે આપઘાત કરે તેવા બનાવો હવે સામાન્ય બની ગયા છે. એટલું જ નહીં સમલૈગિંક પ્રેમસંબંધમાં બે યુવતીઓ કે બે યુવકો પણ જીવન ટૂંકાવી લેતા હોવાના અમુક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ બધાની વચ્ચે અમદાવાદ પાસે એક અલગ જ આત્મહત્યાનો બનાવ નોંધાયો હતો. બાવળામાં એક પરિણીત યુવક અને કિન્નર પ્રેમસંબંધમાં એકસાથે ઝાડ પર લટકી ગયા હતા. બંને પ્રેમમાં એટલા બધા ઓતપ્રોત હતા કે બંનેએ એકબીજાના નામના ટેટ્ટુ પણ હાથ પર ત્રોફાવ્યું હતું.

આપઘાત કરતાં પહેલાં કિન્નર ખૂબ ઉદાસ અને ગૂમસૂમ રહેતા હોવાનો ખુલાસો થયો છે. જીવન ટૂંકાવતા પહેલા કિન્નરે ‘હું તારા જીવનમાંથી લવ છું રે વિદાઈ, માફ કરજે મને આજે મોત લેવા આઈ છે”, ‘જો જો કોઈને કહેતા નહીં મારા પ્રેમની વાતો, ઉઠી જશે દુનિયાને પ્રેમ પરનો ભરોસો’, ‘પ્રેમની પરિભાષા હું નથી જાણતી’ જેવા અનેક દર્દભર્યા ગુજરાતી ગીત પર ઈન્સ્ટાગ્રામ રીલ બનાવીને પોસ્ટ કરી હતી. કિન્નર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ હતા અને અંદાજે 30 હજાર જેટલા ફોલોઅર્સ હતા.

શું હતો બનાવ?
ગઈ તારીખ 3 જુલાઈની રાત્રે બાવળા તાલુકાનાં દહેગામડામાં રહેતો 22 વર્ષીય યુવક કલ્પેશ મકવાણા બહાર જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. યુવક રાત્રે ઘરે નહોતો આવ્યો અને તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો. બીજા દિવસે સવારે કલ્પેશ મકવાણાએ ગામથી 4 કિલોમીટર દૂર આવેલા ખેતરમાં લીમડાના ઝાડ પર લટકીને જીવન ટૂંકાવી લીધું હતું. લીમડાના ઝાડ પર કલ્પેશ સાથે એક બીજી પણ લાશ લટકતી હતી. તપાસ કરતા તેની ઓળખ ક્રિષ્ણાદે ડેબાદે નામના કિન્નરની હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે વાત કરતાં કેરાળા GIDC પોલીસ સ્ટેશનના ASI ભાગીરથસિંહે જણાવ્યું હતું, ‘કલ્પેશ નવઘણભાઈ મકવાણા નામનો કોળી પટેલ યુવાન દહેગામડા ખાતે રહેતો હતો. તેને કિન્નર ક્રિષ્ણાદે ડેબાદે સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે તેમણે ગામની સીમમાં પ્રહલાદભાઈ કોળી પટેલના ખેતરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કલ્પેશ ગુમ થયો, એની કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી નહોતી. ઘટનાની જાણ થતાં અમે ખેતરે પહોંચ્યા. જ્યાં વેરીફાઇ કરતાં ગામના એક માણસે લાશને ઓળખી બતાવી કે આ આમરા ગામમાં જ રહેતો હતો. એટલે એના પિતા નવઘણભાઈ મકવાણાને બોલાવ્યા અને પૂછપરછ કરતાં તેમણે પોતાના દીકરા કલ્પેશને ઓળખી બતાવ્યો. પછી કિન્નરની તપાસ કરતા તેનું નામ ક્રિષ્ના ઉર્ફે કિરણ હોવાનું સામે આવ્યું હતું. તે મૂળ દેવ ધોલેરા ગામનો હતો. કિન્નરના માતા-પિતાને પણ બોલાવ્યા. એમણે પણ દીકરાને ઓળખી બતાવ્યો અને કહ્યું કે તેણે દીક્ષા લઈ લીધી હતી અને તેના ગુરુ વટવા રહેતા હતા. બાદમાં બંનેના પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિવારને સોંપી દીધા હતા.

ASI ભાગીરથ સિંહે આગળ કહ્યું, ‘બંને બે વર્ષથી સંપર્કમાં હતા. બંનેએ હાથના પંજામાં એકબીજાના નામના છૂંદણા (ટેટ્ટુ) બનાવ્યા હતા. કલ્પેશે ક્રિષ્ના નામ લખવ્યું હતું, જ્યારે ક્રિષ્નાએ કલ્પેશ નામ લખાવ્યું હતું. દોઢેક વર્ષ પહેલા કલ્પેશના પરિવારને તેના ક્રિષ્ના સાથેના પ્રેમ સંબંધની જાણ થતાં તેને સમજાવવા પણ ગયા હતા કે મારા પુત્રને છોડી દે, પરંતુ એ વખતે કલ્પેશ પરિવારને એમ કહીને ઘરેથી નીકળી ગયો હતો કે હું તમને ઓળખતો નથી. એ પછી પરિવારે તેને સમજાવ્યો પણ હતો. કલ્પેશના લગ્ન થઈ ગયા હતા. એને સાત મહિનાની એક દીકરી પણ છે. જોકે બંને કલ્પેશના લગ્ન પહેલા પરિચયમાં આવ્યા કે પછી એ અંગે પોલીસને હજુ કોઈ જાણકારી મળી નથી. કલ્પેશના ઘરે હાલમાં વિધિઓ ચાલુ હોવાને કારણે અમુક નિવેદનો લેવાના બાકી છે. બંનેની લાશ પાસેથી પોલીસને સુસાઇડ નોટ કે કંઈ મળી આવ્યું નથી.’

આ અંગે મૃતક કલ્પેશના પિતા નવઘણભાઈ મકવાણાએ જણાવ્યું હતું, ‘એ દિવસે કલ્પેશ તેની બહેનને એના મામાના ઘરે મૂકીને આવ્યો. પછી અમે સાથે ખેતરે ગયા. સાથે ઘરે આવ્યા અને સાથે વાળું કર્યું. મારો ભત્રીજો ગામમાં જ હતો. એટલે વાળું કર્યા બાદ કલ્પેશ એને મળવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો. થોડા સમય પછી એ ના આવ્યો એટલે મે ફોન કર્યો. એ પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો. એ પછી એની કોઈ ખબર જ નથી આવી. સવારે પણ એ ઘરે આ આવ્યો એટલે હું મારા ભત્રીજાના ઘરે ગયો તો ભત્રીજાએ કહ્યું કે કલ્પેશ અહીં આવ્યો જ નહોતો. એ વખતે મારે કામ હોવાથી હું બહારગામ જતો રહ્યો. પછી મિત્રોએ મને ફોન કરીને કહ્યું કે તારો છોકરો ક્યાં છે? તો મે કહ્યું એ સાંજનો ગયો છે. હજુ આવ્યો નથી. ઘરે જાઉં પછી ખબર પડે. તો એમણે મને ઘટનાની જાણકારી આપી હતી. ત્યાં જઈને જોયું મારો છોકરો અને કિન્નર બંને મૃત હાલતમાં હતા. ત્યાં પોલીસ સહિત બધા આવી ગયા હતા. એ પંચનામું કરીને લાશ લઈ ગયા હતા.’

નવઘણભાઈ મકવાણાએ આગળ કહ્યું, ‘અમે દરરોજ સાથે જ મજૂરીએ જતા હતા. તેના લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યા છે. તેને સાત મહિનાની દીકરી છે. એ કિન્નરને ક્યારથી ઓળખતો થયો એ મને ખબર નથી. એક-બે મહિના પહેલાં મને શંકા ગઈ ત્યારે મારા ઘરે કિન્નરોને બોલાવીને કિન્નર ક્રિષ્નાને સમજાવી દેવાનું કહ્યું હતું અને એમની સામે મારા દીકરા કલ્પેશને પણ ખખડાવ્યો હતો. બાદમાં એ કિન્નરને અમદાવાદ કાઢી મૂકવામાં આવ્યા હતા. એ દિવસ પછી મેં એમને જોયા જ નથી.’

બીજી તરફ ASI ભાગીરથ સિંહે જણાવ્યું હતું કે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી ચાલુ છે. કેટલાક લોકોના નિવેદનો લીધા છે. મુદ્દામાલ તરીકે કપડાં લઈને FSLમાં મોકલી આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *