GUJARAT

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની લવ સ્ટોરી કેવી રીતે થઈ શરૂ?

બોલિવૂડ સ્ટાર કિઆરા તથા સિદ્ધાર્થને દુલ્હન-વરરાજા તરીકે જોવા ફેન્સ આતુર છે. બંને રાજસ્થાનના જેસલમેરમાં ખૂબસૂરત ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યાં છે. કિઆરા-સિદ્ધાર્થ છેલ્લાં 3 વર્ષથી તેમના સંબંધોને ખાનગી રાખવા માટે દરેક સંભવિત પ્રયાસ કર્યાં હતાં, પરંતુ પાપારાઝી અને કો-સ્ટાર્સે તેમના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો. નવા વર્ષનું વેકેશન એકસાથે ઊજવવાથી લઈને એકબીજાનાં માતા-પિતાને મળવા સુધીનો તેમનો સંબંધ અત્યંત રોમેન્ટિક રહ્યો છે.

કેવી છે બંનેની લવસ્ટોરી?
કિઆરા તથા સિદ્ધાર્થ પહેલી વાર 2018માં ‘લસ્ટ સ્ટોરી’ની પાર્ટીમાં મળ્યાં હતાં. ત્યાર બાદ બંનેએ ફિલ્મ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રી જોરદાર જોવા મળી હતી. કરન જોહરના ચેટ શો ‘કૉફી વિથ કરન’માં બંનેએ મિત્રો કરતાં વિશેષ હોવાનો સ્વીકાર કર્યો હતો. શોમાં કિઆરા અડવાણી એક્ટર શાહિદ કપૂર સાથે આવી હતી જ્યારે સિદ્ધાર્થ એક્ટર વિકી કૌશલ સાથે આવ્યો હતો.

સિદ્ધાર્થ શોમાં આવ્યો ત્યારે કરન જોહરે શોમાં એક ક્લિપ ચલાવી હતી. આ ક્લિપમાં કિઆરા તથા શહિદ હતાં. કિઆરાએ એ વાત સ્વીકારી હતી કે સિદ્ધાર્થ ક્લોઝ મિત્ર કરતાં વિશેષ છે. લગ્નના પ્લાનિંગ વિશે કિઆરાએ એવું કહ્યું હતું, ‘હું તેને મારા જીવનમાં જોઉં છું, પરંતુ આ શોમાં હું લગ્ન અંગે કોઈ વાત કરીશ નહીં.’ આટલું સાંભળતા જ શાહિદ કપૂરે કિઆરાની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે 15 મિનિટ પહેલાં કિઆરા રિલેશનશિપનો સ્વીકાર કરવા તૈયાર નહોતી અને હવે તેણે સંબંધોનો સ્વીકાર પણ કરી લીધો! આ ક્લિપ જોતાં જ સિદ્ધાર્થે કરનને એવું કહ્યું હતું કે તેં કિઆરાને આટલી હેરાન કેમ કરી?

અક્ષયકુમારે નેશનલ ટેલિવિઝન પર બંનેના સંબંધનો ઘટસ્ફોટ કર્યો હતો
અક્ષય કુમાર અને કિઆરા અડવાણી ફિલ્મ ‘લક્ષ્મી’ના પ્રમોશન માટે જ્યારે ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યાં હતાં. એ દરમિયાન કપિલે કિઆરાને પૂછ્યું કે શું તેણે પ્રેમ માટે સમય કાઢ્યો છે કે તે સિંગલ છે. આ અંગે કિઆરાએ કહ્યું હતું કે જ્યારે લગ્નની તારીખ આવશે ત્યારે જ તે તેનો ઘટસ્ફોટ કરશે, પરંતુ આ સવાલના જવાબમાં સાથે બેઠેલા અક્ષય કુમારે કહ્યું હતું કે તે મહાન સિદ્ધાંતો ધરાવતી છોકરી છે. અક્ષયે સિદ્ધાર્થ જેવા જ શબ્દોનો ઉપયોગ કરીને સંબંધ પર મહોર મારી દીધી હતી.

કોણ છે સિદ્ધાર્થ મલ્હોત્રા?
સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હીમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મ્યો છે. સિદ્ધાર્થના પિતા સુનીલ મર્ચન્ટ નેવીમાં ફોર્મર કેપ્ટન હતા અને માતા રિમ્મા હોમમેકર છે. સિદ્ધાર્થનો ભાઈ હર્ષદ મલ્હોત્રા બેંકર છે. 18 વર્ષની ઉંમરથી સિદ્ધાર્થે મોડલિંગની શરૂઆત કરી હતી. ચાર વર્ષ બાદ તેને મોડલિંગથી સંતોષ ના થતાં તેણે કરિયર છોડી દીધી હતી. ત્યારબાદ 2009માં ટીવી સિરિયલ ‘ધરતી કા વીર યૌદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’માં જયચંદનો રોલ પ્લે કર્યો હતો.

ત્યારબાદ તેણે અનુભવ સિંહાની એક ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ આ ફિલ્મ અભરાઈ પર ચઢાવી દેવામાં આવી હતી. 2010માં તેણે ‘માય નેમ ઇઝ ખાન’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ કરન જોહરે ડિરેક્ટ કરી હતી. 2012માં સિદ્ધાર્થે કરન જોહરના બેનર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઑફ ધ યર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન હતાં. સિદ્ધાર્થના સંબંધો આલિયા સાથે થોડો સમય રહ્યા હતા, પરંતુ પછી બંને અલગ થઈ ગયાં હતાં.

કોણ છે કિઆરા અડવાણી?
કિઆરા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. તેના પિતા જગદીપ અડવાણી સિંધી છે અને બિઝનેસમેન છે. તેની માતા જીનીવીવ જાફરી છે. જીનીવીવ મુસ્લિમ માતા તથા ક્રિશ્ચિયન પિતાનું સંતાન છે. જીનીવીવ તથા સ્વ. અશોક કુમાર તથા સ્વ. સઈદ જાફરી સંબંધીઓ થતા હતા. કિઆરાએ 2014માં પહેલી ફિલ્મ ‘ફુગલી’ રિલીઝ થાય તે પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. ફિલ્મ ‘અંજાના અંજાની’ (2010)માં પ્રિયંકા ચોપરાના પાત્રનું નામ કિઆરા હતું. સલમાન ખાને કિઆરાને નામ બદલવાની સલાહ આપી હતી, કારણ કે બોલિવૂડમાં આલિયા ભટ્ટ એક જાણીતી એક્ટ્રેસ હતી. સલમાનની સલાહ માનીને નામ ચેન્જ કર્યું હતું. કિઆરા તથા મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી એક જ સ્કૂલમાં સાથે ભણતાં હતાં અને બંને વચ્ચે ગાઢ મિત્રતા છે.

સિદ્ધાર્થ-કિઆરાનું વર્કફ્રન્ટ
સિદ્ધાર્થ તથા કિઆરાએ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું અને અહીઁથી બંને વચ્ચેના પ્રેમની શરૂઆત થઈ હતી. હવે સિદ્ધાર્થ વેબસિરીઝ ‘ઇન્ડિયન પોલીસ’માં જોવા મળશે. આ સિરીઝને રોહિત શેટ્ટી ડિરેક્ટ કરે છે. કિઆરા ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *