GUJARAT

પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા 42 લાખની નોટો સડી ગઈ, જાણો કેવી રીતે?

કાનપુર : બેંકમાં લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે જમા કરતા હોય છે. જોકે બેંકોમાં રાખેલા આ પૈસાની કાળજી રાખવામાં કેટલી બેદરકારી દાખવવામાં આવે છે તે ઉત્તર પ્રદેશમાં સામે આવ્યું હતું. અહીંના કાનપુરમાં પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં રાખવામાં આવેલી કરંસી ચેસ્ટમાં ૪૨ લાખ રૂપિયાની નોટો સડી ગઇ હતી. ત્રણ મહિના પહેલા જ બેંકે એક બોક્સમાં આ નોટોને રાખી હતી, જોકે તેમાં પાણી જતુ રહ્યું હતું, જેની જાણ ન રહેતા આ નોટો સડી ગઇ હતી.

જ્યારે બેંકના કર્મચારીઓએ અગાઉ આ બોક્સને ચેક કર્યું હતું ત્યારે માત્ર ઉપર રાખવામાં આવેલી નોટો જ ચેક કરી હતી પણ નીચે રાખવામાં આવેલી નોટોને ચેક કરવામાં નહોતી આવી. કર્મચારીઓને એવુ લાગ્યું કે બોક્સમાં પાણી સુકાઇ ગયું હશે.

બેંકની તિજોરીમાં પૈસા રાખવા માટે જગ્યા નહોતી બચી, તેથી બાદમાં એક બોક્સમાં ભરીને તેને એક દિવાલની નજીક મુકી દેવામાં આવ્યું હતું. દિવાલમાં ભેજ આવવાથી બોક્સમાં પાણી જતુ રહ્યું હતું. હાલ જ્યારે આ બોક્સ ખોલવામાં આવ્યું તો તેમાં રાખેલી ૪૨ લાખ રૂપિયાની નોટો સડી ગઇ હતી.

આ નોટોની હાલત એટલી ખરાબ થઇ ગઇ તે ઉપયોગ કરવાને લાયક જ ના રહી. મામલો બહાર આવતા આરબીઆઇની ટીમ પણ બેંકની બ્રાંચમાં તપાસ માટે આવી હતી. બાદમાં વધુ તપાસ માટે મામલો ઉપલા અધિકારીઓને મોકલી દેવામાં આવ્યો હતો.

પીએનબીની વિજિલેંસ ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી બન્ને ટીમોની તપાસના રિપોર્ટના આધારે બાદમાં આ બેંકની બ્રાંચના ૪ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે ૧૦ રૂપિયાના ૭૯ હજાર અને ૨૦ રૂપિયાની ૪૯ હજાર નોટો પણ ભેજ લાગી જવાથી સડી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *