પરિવારે પુત્રને ‘જીવિત’ ગણાવી ૧૭ મહિના સુધી સરભરા કરી પછી જે થયું એ સપનામાં પણ નહીં વિચાર્યું હોય
ઉત્તર પ્રદેશના કાનપુરમાં હૃદયને હચમચાવી દેનારી એક ઘટના સામે આવી છે. એક પરિવારે દોઢ વર્ષ સુધી ઈન્કમટેક્સ અધિકારીના શબને જીવિત સમજી ઘરમાં સેવા કરી હતી. આખો પરિવાર શબની સાથે રહેતો હતો. પરિવારનું માનવું હતું કે આઈટી અધિકારી જીવિત છે અને કોમામાં હોવાના કારણે તેમની આ સ્થિતિ થઈ ગઈ છે. જોકે, ઉત્તર પ્રદેશ સીએમઓ દ્વારા રચાયેલી મેડિકલ ટીમે પોલીસ સાથે શુક્રવારે મતૃકના ઘરે પહોંચી ત્યારે આ ખુલાસો થયો હતો. આ સાંભળીને પડોશીઓને પણ આઘાત લાગ્યો હતો.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કૃષ્ણાપુરીમાં રહેતા વિમલેશ કુમાર અમદાવાદના આઈટી વિભાગમાં એઓના પદ પર હતા. કોરોનાકાળમાં વિમલેશ કુમાર ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા. પરિવારજનોએ ૧૯મી એપ્રિલ ૨૦૨૧ના રોજ તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. સારવાર દરમિયાન ૨૨મી એપ્રિલ ૨૦૨૧ના રોજ વિમલેશ કુમારનું મોત થઈ ગયું. હોસ્પિટલે ડેથ સર્ટિફિકેટ આપી દીધું. છતાં પરિવારજનોને વિશ્વાસ ના થયો તો તેઓ મૃત્યુ પછી બીજી હોસ્પિટલ લઈ ગયા. ત્યાં પણ ડોક્ટરોએ વિમલેશ કુમારને મૃત જાહેર કરી દીધા.
આઈટી અધિકારી વિમલેશ કુમારનો મતૃદેહ લઈને પરિવારજનો ઘરે આવી ગયા. અંતિમ સંસ્કારની તૈયારી ચાલતી હતી ત્યારે જ પત્ની મિતાલી દીક્ષિતે કહ્યું કે વિમલેશની પલ્સ ચાલી રહી છે અને તે કોમામાં છે. ત્યાર પછી તેમનો અંતિમ સંસ્કાર કરાયો નહીં અને શબને ઘરમાં જ રાખી લેવાયું.
બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર પત્ની મિતાલી દીક્ષિત ત્યારથી લઈને અત્યાર સુધી આઈટી અધિકારીના શબની સેવા કરતી રહી. તેની સાથે આખો પરિવાર પણ વિમલેશ જીવીત છે તેમ માનતો રહ્યો. પત્ની મિતાલી રોજ ગંગાજળ છાંટીને શબને લૂછતી. કપડાં બદલતી. બાળકો શબને વળગીને ભગવાનને પ્રાર્થના કરતા કે તેમના પિતાનું સ્વાસ્થ્ય સારું થઈ જાય. માતા-પિતા અને બે ભાઈઓ શબને ઓક્સિજન આપતા હતા અને આખો પરિવાર રાહ જોતો હતો કે એક દિવસ વિમલેશ કુમાર બેઠા થઈ જશે. વિમલેશ કુમારના પરિવારમાં પિતા રામ અવતાર, માતા રામદુલારી, પત્ની મિતાલી દીક્ષિત, પુત્ર સંભવ (૪) અને પુત્રી દૃષ્ટિ (૧૮ મહિના), બે ભાઈઓ સુનિલ અને દિનેશ તથા તેમની પત્નીઓ છે.
જોકે, વિમલેશ કુમાર ૧૭ મહિના સુધી નોકરી પર ના જવાના કારણે આઈટી વિભાગે તપાસ શરૃ કરી. એક ટીમને ઘરે મોકલવામાં આવી તો પરિવારને બહારથી જ તેને પાછી કાઢી. અંતે ૩૦મી ઑગસ્ટે આઈટી વિભાગે કાનપુર સીએમઓને પત્ર લખી ઘટનાની તપાસ કરવા કહ્યું. સીએમઓએ પોલીસ સાથે મેડિકલ ટીમ મોકલી. લગભગ અડધો-પોણો કલાકની સમજાવટ પછી મેડિકલ ટીમ મૃતદેહને મેડિકલ કોલેજ લઈ ગઈ, જ્યાં તેમને મૃત જાહેર કરાયા.
પરિવારજનોએ તેમનો પોસ્ટમોર્ટમ કરાવ્યો નહીં. પોલીસે તેમના અંતિમ સંસ્કારની ભલામણ સાથે મૃતદેહ પરિવારને સોંપી દીધો. તો પરિવારજનો શબ લઈ ગુમ થઈ ગયા. અંતે પોલીસે ખોળીને ભૈરોઘાટ ઈલેક્ટ્રિક સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા. પડોશીઓને આ ઘટનાની ખબર પડી તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને આટલા સમયમાં ક્યારેય મૃતદેહની ગંધ આવી નહોતી.
મેડિકલ નિષ્ણાતો અને પોલીસ માટે પરિવારે આટલા લાંબા સમય સુધી મૃતદેહને કેવી રીતે સાચવી રાખ્યો તે સવાલ છે. મેડિકલ નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય સંજોગોમાં વ્યક્તિના મૃત્યુ પામ્યા પછી ચાર દિવસમાં શબ સડવા લાગે છે અને સાત દિવસ પછી તેમાં કીડા પડી જાય છે. જોકે, કેમિકલના ઉપયોગથી શબને સાચવી રાખ્યું હોવાની આશંકા છે. જોકે, પરિવારે કેમિકલનો ઉપયોગ કર્યાનો ઈનકાર કર્યો છે.