GUJARAT

મેક્સિકો બોર્ડર ઉપરની દિવાલ ઉપરથી પડતાં કલોલના યુવકનું મોત

ગાંધીનગર :  રાતોરાત રૃપિયા કમાઇ લેવા માટે યુવાનો ગમે તેટલા રૃપિયા ખર્ચીને અમેરિકા જવા મથી રહ્યા છે ત્યારે કલોલના ડિંગુચાની ઘટના ફરીવાર તાજી થઇ છે અને પત્ની અને પુત્ર સાથે ગેરકાયદેસરરીતે અમેરિકા ઘૂસવા જતા યુવાનનું મેક્સિકો બોર્ડર ઉપરની દિવાલ ઉપરથી પડતા મોત નિપજ્યું છે જે મામલે હવે ગાંધીનગરના તંત્ર અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે. યુવાને પત્ની અને પુત્ર સાથે અમેરિકા જવાની એજન્ટને ૧.૨૫ કરોડ રૃપિયા ચૂકવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. તો આ પ્રકારે કલોલથી અન્ય કેટલા લોકો ગયા હતા તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.

ભારત કરતા વિદેશમાં કમાણીની વધુ તકો છે અને ત્યાના લોકો સુખેથી જીવતા હોવાનું માનીને ઉત્તર ગુજરાતના યુવાનો લાખ્ખો રૃપિયા ખર્ચીને વિદેશમાં સ્થાયી થવાના સપના જોતાય હોય છે. જો કે, આ ઘેલછા ઉભી કરવા પાછળ એજન્ટોનું પણ મસમોટુ નેટવર્ક કામ કરતું હોય છે એક વર્ષ અગાઉ કલોલના ડિંગુચા ગામના યુવાનને તેની પત્ની તથા બે બાળકો કેનેડાથી અમેરિકા પહોંચવા જતા બરફમાં થીજીને મૃત્યું પામ્યા હતા જે ઘટનાને લઇને રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો હતો ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટના કલોલમાંથી જ બહાર આવી છે. કલોલના છત્રાલ જીઆઇડીસીમાં આવેલી ટેલીફોન કોલોનીમાં રહેતો બ્રીજકુમાર યાદવ નામનો યુવાન પણ પત્ની અને પુત્ર સાથે અમેરિકા જવા મથી રહ્યો હતો.

કલોલના જ એજન્ટ સાથે ૧.૨૫ કરોડમાં સોદો નક્કી કરીને ગત ૧૮ નવેમ્બરે પત્ની પુજા અને પુત્ર તનમય સાથે નિકળી ગયો હતો પરિવારજનો સાથે તેની પત્ની ફોન ઉપર વાતચિત કરતી હતી જો કે, આ પરિવાર ક્યાં ગયો છે તેની જાણ કરવામાં આવી ન હતી. દરમ્યાનમાં અમેરિકામાં ઘૂસતા સમયે મેક્સિકો બોર્ડર ઉપર ૩૦ ફૂટ ઉંચી દિવાલ ઉપરથી ત્રણેય જણા પટકાતા યુવાન બ્રીજેશનું મોત થયું હતું જ્યારે તેની પત્ની તથા પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે બ્રીજેશના પરિવારજનોને જાણ થતા તેમના માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. બ્રીજેશ છત્રાલ જીઆઇડીસીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો જ્યારે તેના પિતા થોડા સમય પહેલા જ ટેલીફોન વિભાગમાંથી નિવૃત્ત થયા છે. તો આ ઘટના અંગે ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે.

 બ્રીજેશ અને પરિવારને મોકલનાર એજન્ટની પોલીસે શોધખોળ આદરી

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગામોમાં યુવાનો લાખ્ખો રૃપિયા ખર્ચીને વિદેશ ગેરકાયદેસરરીતે જઇ રહ્યા છે ત્યારે તેની પાછળ એજન્ટોની મસમોટુ નેટવર્ક કામ કરી રહ્યું છે ત્યારે છત્રાલમાં રહેતા બ્રીજેશ યાદવને પણ અમેરિકા મોકલવા માટે કલોલના જ કેયુર પટેલ નામના એજન્ટે ૧.૨૫ કરોડ લઇને સોદો કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. જેના પગલે ગાંધીનગર પોલીસ દ્વારા આ એજન્ટની શોધખોળ કરીને પુછપરછની મથામણ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે, સ્થાનિક એજન્ટોની સાથે આ કાંડમાં દિલ્હી અને વિદેશમાં રહેતા એજન્ટોની પણ મુખ્ય ભુમિકા રહેતી હોય છે. તેથી આ નેટવર્કને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.

સમગ્ર ઘટનાની તપાસ કલોલ મામલતદારને સોંપવામાં આવી-નિવાસી અધિક કલેક્ટર

ગત ૧૮મી નવેમ્બરે ઘરેથી ફરવા જવાનું કહીને પત્ની અને પુત્ર સાથે નિકળેલા છત્રાલના યુવાન બ્રીજેશ યાદવનું મેક્સિકો બોર્ડર ઉપર મોત થયું છે. ત્યારે આ મામલે ગાંધીનગર જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર ભરત જોષીએ જણાવ્યું હતું કે, આ મામલે ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્રને જાણ થતાની સાથે જ કલોલ મામલતદારને યુવાનના ઘરે મોકલવામાં આવ્યા હતા આ મામલે કલોલના મામલતદારને તપાસ સોંપવામાં આવી છે અને યુવાનને ગેરકાયદેસરરીતે અમેરિકા મોકલવા એજન્ટોની ભુમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે.જેમના ઉપર જિલ્લા કલેક્ટર દ્વારા પણ આકરા પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *