સ્કૂલોના નામે કરોડોની હેરાફેરીના આરોપી બિશપની એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ
મુંબઇ : ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની કરોડો રૂપિયાની જમીનની હેરાફેરીમાં સંડોવાયેલા જબલપુરના બિશપ પી.સી. સિંહની મધ્ય પ્રદેશના જબલપુર પોલીસની આર્થિક ગુના શાખાએ નાગપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.
જર્મનીથી બિશપ જેવા ભારત પહોંચ્યા કે તરત જ એજન્સીઓ તેમને ટ્રેક કરી રહી હતી. દિલ્હી અને બેન્ગલુરુ થઇ પીસીસિંહ જેવા નાગપુર એરપોર્ટ પર ઉતર્યા કે તરત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સે તેમને તાબામાં લીધા હતા. ત્યારબાદ જબલપુરની આર્થિક ગુના શાખાએ તેમની ધરપકડ કરી હતી.
નાગપુરમાંથી તેમને તરત જ જબલપુર લઇ જવામાં આવ્યા હતા. મિશનરી સ્કૂલ ફીના ૨.૭૭ કરોડ રૃપિયાના ગોટાળાની તપાસ દરમિયાન તેઓ આર્થિક ગુના શાખાની નજરે ચડી ગયા હતા. ત્યારબાદ બિશપે ઘણી નાણાકીય ગેરરીતિ અને આર્થિક ગોટાળા આચર્યા હોવાનું બહાર આવ્યું હતું. સોમવારે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
દરમિયાન બિશપના ઘરેથી અને અન્ય સંસ્થાઓમાંથી મોટા પ્રમાણમાં સંપત્તિ મળી આવી છે. આ સંપત્તિનો ઉપયોગ ધર્માતરણ કરવામાં થતો હોવાનો પણ આરોપ કરવામાં આવે છે.
તપાસમાં એવું પણ સ્પષ્ટ થયું છે કે બિશપે ૧૫૦થી પણ વધુ બેંક ખાતાઓ ખોલી રાખ્યા છે જેમાંથી ૪૪ બેંક ખાતામાં સ્કૂલની ફી જમા થાય છે. જ્યારે બાકીના ખાતામ ધાર્મિક સંસ્થાઓ, પરિવારના સદસ્યો અને અન્ય લોકોના નામે ખોલી રાખવામાં આવ્યા છે. જો કે આ તમામ ખાતાનું સંચાલન સિંહ પોતે જ કરે છે.