ઈરાનમાં હિજાબ ન પહેરનાર યુવતીની ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં જ થયું મોત
તેહરાન : ઈરાનમાં એક ૨૨ વર્ષની યુવતી મહસા અમિનીએ હિજાબ ન પહેર્યો હોવાથી પોલીસે ધરપકડ કરી હતી. એ પછી શંકાસ્પદ રીતે તેનું પોલીસ કસ્ટડી દરમિયાન જ મોત થયું હતું. પરિવારે તેને શારીરિક-માનસિક ત્રાસ અપાયો હોવાનો આરોપ પોલીસ પર લગાવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ઈરાનમાં ઠેર-ઠેર દેખાવો થયા હતા.
ઈરાનમાં ૨૨ વર્ષની યુવતીનું પોલીસ કસ્ટડીમાં મોત થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હિજાબ ન પહેરવા મુદ્દે પોલીસે યુવતીની ધરપકડ કરી હતી. એ પછી ત્રીજા દિવસે શંકાસ્પદ હાલતમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. માનવ અધિકારી સંગઠનોએ દાવો કર્યો હતો કે તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ યુવતી તેના પરિવાર સાથે તહેરાનમાં હતી.
ત્યારે હિજાબ ન પહેરવાના મુદ્દે પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની સાથે અન્ય યુવતીઓની પણ ધરપકડ થઈ હતી. ધરપકડ થયાના કલાકો બાદ એ યુવતી કોમામાં જતી રહી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ત્રણ દિવસ સુધી પોલીસ કસ્ટડી દરમિયાન હોસ્પિટલમાં દાખલ રહેલી યુવતીનું મોત થયું હતું. એ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય એવી એક તસવીર પણ ઈરાનમાં ભારે વાયરલ થઈ હતી.
આ ઘટનાથી લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો. ઠેર-ઠેર પોલીસના વિરોધમાં લોકોએ દેખાવો કર્યા હતા. પરિવારે આ ઘટનાની તપાસ કરવા માંગણી કરી છે. પરિવારે કહ્યું હતું કે અમિની સાથે પોલીસે બર્બર વર્તન કરીને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાથી તેનું કસ્ટડીમાં જ મોત થયું હતું.
હોસ્પિટલની બહાર ભીડ એકઠી થઈ જતાં પોલીસે બળપ્રયોગ કરીને લોકોને ભગાડવાની કોશિશ કરી હતી. લોકોએ સરકારની વિરૂદ્ધમાં સૂત્રોચ્ચારો કર્યા હતા. ઈરાનના પોલીસ વિભાગે પરિવારના આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે બીજી છોકરીની જેમ અમિનીની પણ ધરપકડ કરવામાં આવી હતી. એ પોલીસ સ્ટેશને પહોંચી તે પછી કોઈ અગમ્ય કારણોથી બેભાન થઈ ગઈ હતી. જોકે, પરિવારે દાવો કર્યો હતો કે અમિની એકદમ તંદુરસ્ત હતી, તેને કોઈ જ બીમારી ન હતી.