ગુજરાતમાં હજુ ચાર દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર રૂપ

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી યથાવત છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ કરશે. સ્થાનિક તંત્ર અને સરકાર પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવકાર્ય કરી રહ્યું છે.

રાજ્યના કુલ 18 જળાશયોને હાઈ એલર્ટ કરાયા છે. 5 જળાશયો છલકાયા છે તેમજ 15 ડેમો 100% ભરાયા છે. રાજ્યના 30% શહેરોમાં પાણી પાણી. જિલ્લાઓની મોટા ભાગની નદીઓમાં પૂર અને જળાશયો છલકાયા. સૌરાષ્ટ્ર કચ્છમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભૂજમાં 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક ગામ સંપર્કવિહોણાં થયાં છે. નદી-નાળાં છલકાઈ ગયાં છે. ત્યારે રાજ્ય માટે આગામી બે દિવસ ભારે છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજ્યના 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં 14 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ ખાબકશે. અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે.

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે ખૂબ જ નુકશાન થયુ છે. તેથી આજે CM ભૂપેન્દ્ર પેટલ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે અને જિલ્લા વહિવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. તેઓ બપોરે 1:30 વાગ્યે બોડેલી, રાજપીપળા, નવસારી, વલસાડના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.

ગુજરાતમાં વરસાદથી થયેલા નુકસાનાનો સર્વે તંત્ર આજે સાંજથી શરૂ કરશે. રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 69 લોકોના મોત થયા છે. રાજ્યમાં સાવચેતીના ભાગરૂપે NDRF અને SDRFની 18-18 પ્લાટુન તૈનાત કરવામાં આવી છે. NDRF અને SDRFના જવાનોએ અત્યાર સુધીમાં 511 લોકોના જીવ બચાવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદથી 27,896 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ST બસ સેવાના 14,610માંથી ફક્ત 73 રૂટ જ હાલમાં બંધ કરાયા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 124 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *