પતિ પત્નિને કહેતો હતો કે , મારે બીજી સ્ત્રી સાથે સબંધ છે…….
વેરાવળમાં બે સંતાનોની માતા એવી પરણીતાને તેનો પતિ “મારે બીજી સ્ત્રી સાથે સંબંધ છે તારે રહેવું હોય તો રહે તેમ કહી વારંવાર મારકુટ કરી માનસીક ત્રાસ આપી હેરાન કરતો હતો. આથી કાયમીના ત્રાસથી કંટાળી જઈ પરણીતાએ ઉંદર મારવાની ઝેરી દવા પી આપઘાત કરી લઈ પચ્ચીસ વર્ષ જુના દાંપત્ય જીવનનો અંત લાવી દેતા ચકચાર પ્રસરી છે. આ ઘટના અંગે મૃતક પરણીતાના જુનાગઢ રહેતા ભાઈએ તેના બનેવી એવા પતિ સામે ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચારી ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં ગાંઠીયાના લારી ચલાવતા જીતેન્દ્ર લક્ષ્મીદાસ ગઢીયાના લગ્ન પચ્ચીસેક વર્ષ પહેલા જૂનાગઢ રહેતી પૂજા ઉર્ફે પારૂલબેન સાથે થયા હતા. તેમને દાંપત્ય જીવનમાં એક 15 વર્ષની દિકરી અને 22 વર્ષનો દિકરો છે. દરમિયાન તા.5 ઓગષ્ટના રોજ બપોરે પૂજાબેનએ પતિના ત્રાસના કારણે કંટાળી જઈ ઘરમાં રહેલ ઉંદર મારવાની દવા પી લેતા સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડેલ હતા. આ ઘટનાની જાણ થતા પૂજાબેનના ભાઈ-બહેન સહિતના પરીવારજનો જુનાગઢથી વેરાવળ દોડી આવ્યા હતા.
આ ઘટના અંગે પરણીતાના ભાઈએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલ કે, મારી બહેન પૂજાના પતિ જીતેન્દ્રને બીજી સ્ત્રી સાથે સંબંધ હોય જેને લઈ ઘણા સમયથી ખોટી રીતે હેરાન કરી મારકુટ કરી જીવન જીવવાનું હરામ કરી દીધુ હતુ. જેથી મારી બહેન અગાઉ રીસામણે આવી જતી ત્યારે અમો કાલે સારૂ થઈ જશે તેમ કહી સમજાવી તેના ઘરે વેરાવળ મુકી જતા હતા. દરમિયાન એકાદ મહિના પહેલા પૂજા એકલી રીસામણે આવેલ ત્યારે અમોને કહેલ કે, જીતેન્દ્ર રોજ મારકુટ કરીને કહેતો કે, મારે બીજી સ્ત્રી સાથે સંબંધ છે તારે તારે રહેવું હોય તો રહે તેમ કહીને હેરાન કરતો હતો.
ત્યારપછી દસેક દિવસ બાદ પૂજાને તેડવા બનેવી જીતેન્દ્ર આવેલ ત્યારે કહેલ કે પૂજાને ફોન નહીં રાખવાનો, બહાર અને હવેલીએ નહીં જવાનું અને પાડોશમાં કોઈ સાથે વાત નહીં કરવાની. હું બહારના સંબંધ રાખીશ તારે પોસાય તો આવ તેવું કહેલ હતુ. જેથી ત્યારે તેને પૂજાને હેરાન ન કરવા સમજાવી સાથે મોકલી હતી.
ત્યારબાદ તા.5 ઓગષ્ટના રોજ પૂજાએ દવા પીધી હોવાનું બનેવીએ ટેલીફોનીક જાણ કરી હતી. જેથી અમો પરીવારજનો અત્રે આવી બિરલા હોસ્પિટલમાં રહેલ પૂજાને મળેલ ત્યારે તેણીએ કહેલ કે, મને તેડી ગયેલ ત્યારથી ખોટી રીતે હેરાન કરી મારૂ જીવન જીવવું હરામ કરી દીધેલ હતુ. જેથી કંટાળી જઈ ઘરમાં રહેલ ઉંદર મારવાની દવા પી લીધી હતી. રાત્રીના સારવાર દરમ્યાન પૂજાનું મૃત્યુ થયેલ હતુ.
આમ મારી બહેન પૂજાએ તેના પતિ એવા મારા બનેવી જીતેન્દ્ર દ્વારા ખોટી રીતે કરાયેલ હેરાનગતી અને દુઃખ ત્રાસથી કંટાળી જઈ મરવા માટે મજબુર કરતા આપઘાત કરી લીધેલ છે. જેથી ઉપરોક્ત વિગતોના આધારે મૃતક પરણીતા પૂજાબેનના ભાઈ નરેન્દ્રભાઈ ગદાની ફરીયાદના આધારે પોલીસે પતિ જીતેન્દ્ર લક્ષ્મીદાસ ગઢીયા સામે આઈપીસી કલમ 306, 498 (A) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ મામલાની આગળની તપાસ પીઆઈ એસ.એમ. ઈસરાણી કરી રહ્યાં છે.