પત્નિની હત્યા કર્યાં બાદ પતિની પોલીસ સામે ચોંકાવનારી કબૂલાત
મુંબઇ : વસઈ રોડ રેલવે સ્ટેશને દોડતી ટ્રેન સામે પત્નીને ધક્કો મારનાર ક્રૂર પતિ થાણે પોલીસના હાથમાં ઝડપાયો છે. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે મારી પત્ની મારા મિત્ર સાથે બે દિવસ ફરવા ગઈ હતી. આથી ઉશ્કેરાઈને પોતે આ કૃત્ય આચર્યું હતું.
વસઈ રોડ સ્ટેશને સોમવારે પરોઢે ચાર વાગ્યાની આસપાસ આરોપી પતિ ઊઘંતી પત્નીને ઉઠાડીને પ્લેટફોર્મ સુધી ઢસડી ગયા બાદ દોડતી આવતી અવધ એક્સપ્રેસ સામે પત્નીને ફેંકી દીધી તી. પત્નીનું મોત ઘટના સ્થળે જ નીપજ્યું હતું.
બીજી બાજુ અપરાધી પતિ ઠંડે કલેજે તેના બે બાળકોને લઈને ત્યાંથી નીકળી ગયો. ત્યાર બાદ આ આરોપી સીસીટીવીમાં દાદરની ટ્રેનમાં ચઢતો દેખાયો હતો. દાદરથી તે કલ્યાણ ગયો. પોલીસે વસઈથી દાદર અને કલ્યાણ થઈ ભિવંડી સુધીના સીસીટીવી ફૂટેજ ફેંદી માર્યાં હતાં. આખરે આ હત્યારો પતિ ભિવંડીમાં ઝડપાયો તો.
વ્યવસાયે પેઈન્ટર એવા હત્યારા પતિએ જણાવ્યું હતું કે મારા એક મિત્ર સાથે પત્ની બે દિવસ ફરવા ગઈ હતી. આથી તેેને પત્નીના ચારિત્ર્ય પર વહેમ આવ્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો અને આખરે તેણે પત્નીની હત્યા કરવાનો ફેંસલો લીધો હતો.