રાજકોટમાં રેડ એલર્ટ પૂર્વે ભારે વરસાદ વરસી ગયો! રાતથી સવાર સુધીના 9 કલાકમાં 10 ઈંચ વર્ષા
રાજકોટની ધરતી પર આજે એક દિવસમાં મેઘરાજાએ ૨૦ લાખની વસ્તી ધરાવતા આ મહાનગરના લોકોને હાલના ધોરણે ૧૩૫ દિવસ એટલે કે બરાબર સાડા ચાર માસ વિતરણ કરી શકાય એટલું ૪૮૯૦ કરોડ લિટર પાણી વરસી ગયું છે. પરંતુ, અફસોસ એ છે કે આ પાણી સંગ્રહિત થયું નથી અને વહી ગયું છે.
ઉંધી રકાબી જેવી ભૌગોલિક સ્થિતિ અને હાર્ડરોક ધરાવતું હોવાના કારણે બિલ્ડીંગો માટે ભાર વહન ક્ષમતા વિશેષ ધરાવતા આ શહેરમાં જળસંચય માટે વર્ષોથી વાતો,આયોજનો થયા છે પરંતુ, અમલ બાકી છે. શહેરનો વિસ્તાર ૧૬૩.૩૦ ચોરસ કિલોમીટરનો છે જ્યાં સરેરાશ ૧૨ ઈંચ પાણી વરસતા જો આ પાણી સંગ્રહિત કરાય તો દૈનિક ૩૬ કરોડ લિટરની જળમાંગ સામે તે ૧૩૫ દિવસ ચાલે તેમ છે.
અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ ૨૧ ઈંચ વરસાદ વરસ્યો છે, જે પાણી સંગ્રહિત થયું હોય તો ૨૨૦ દિવસ અને શહેરનો સરેરાશ વરસાદ ૩૫ ઈંચ છે, એટલા વરસાદનું પાણી આખુ વર્ષ શહેરને ચાલે તેમ છે.
ઉલ્લેખનીય છે કે આજી ડેમ અને ન્યારી ડેમમાં જે પાણી આવે છે તે શહેર બહારના સ્ત્રાવક્ષેત્રનું સંગ્રહિત થાય છે, રાજકોટની ધરતી પર વરસતું પાણી વોકળામાં થઈને જેમાં ગટર વહે છે તે આજી નદીમાં અને ગટરનું ટ્રીટેડ વોટર જમા કરાય છે તે આજી-૨ ડેમમાં ભરાય છે જે પીવા માટે વપરાતું નથી. આ ઉપરાંત લાલપરી તળાવમાં પાણી જાય છે તે પણ પીવા માટે નથી. તો વેસ્ટઝોન વિસ્તારનું પાણી ન્યારી-૨ ડેમમાં સંગ્રહિત થાય તો તે પાણી પણ મનપા પીવા માટે ઉપાડતી નથી.
રાજકોટના વહીવટી તંત્રે આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ દિવસના જાહેર કર્યું પરંતુ, મેઘરાજા કોઈના આદેશની રાહ થોડા જુએ? રેડ એલર્ટ જેવો વરસાદ લોકો નિદ્રાધીન હતા ત્યારે આખી રાત વરસતો રહ્યો અને રાત્રિના ૧૦થી સવારે ૭ વાગ્યા સુધીના ૯ કલાકમાં ઈસ્ટઝોનમાં ૧૦.૫૦ ઈંચ અને વેસ્ટઝોનમાં ૧૦ ઈંચ વરસાદ વરસી ગયો હતો.
સવારે ૭ પછી પણ વરસાદનું જોર જારી રહ્યું હતું, થોડી વાર અટકીને ફરી ધોધમાર વરસતો રહ્યો હતો અને ૭થી બપોરે ૨ સુધીમાં ઈસ્ટઝોનમાં ૩.૨૫ ઈંચ, વેસ્ટઝોનમાં અઢી ઈંચ અને ઈસ્ટઝોનમાં ૩ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આમ, એકંદરે ૧૧ ઈંચ વરસાદ થયો છે પરંતુ, ઈસ્ટઝોનમાં સર્વાધિક ,ગઈકાલ બપોરથી આજ બપોર સુધીના ૨૪-૨૬ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ વરસી ગયો છે.
એરપોર્ટ પાસે આવેલ હવામાન વિભાગમાં આજે સવારે ૮-૩૦ સુધીમાં ૮ ઈંચ (જેમાં ૭ ઈંચ રાત્રિનો વરસાદ છે) અને આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. એકંદરે રાજકોટમાં ગત રાત્રિથી આજે બપોર સુધીમાં ૧૬ કલાકમાં ૧૧થી ૧૨ ઈંચ વરસાદ નોંધાયો છે.