GUJARAT

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેનને આવ્યો હાર્ટ એટેક, ચાહકો તથા સેલેબ્સ ચિંતામાં મુકાઈ ગયા

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતાને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહ્યું હતું. સુસ્મિતા સેનની પોસ્ટ બાદ ચાહકો તથા સેલેબ્સ ચિંતામાં મુકાઈ ગયા હતા. સુસ્મિતાએ કહ્યું હતું કે હવે તેની તબિયત સારી છે.

સો.મીડિયામાં સુસ્મિતાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, તમારા હાર્ટને હંમેશાં ખુશ ને સ્ટ્રોંગ રાખો, કારણ કે જ્યારે તમને આની સૌથી વધુ જરૂર હશે ત્યારે તે તમારી સાથે ઊભું રહેશે. મને થોડા દિવસ પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. એન્જિયોપ્લાસ્ટી થઈ અને સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યું.

મારા ડૉક્ટરે કહ્યું હતું કે મારું હાર્ટ ઘણું જ સ્ટ્રોંગ છે અને તેણે સમય પર મદદ કરી અને આ સાથે જ યોગ્ય સમયે જરૂર પગલાં લીધાં. તે માટે હૃદયપૂર્વક આભાર. આ પોસ્ટ મારા ચાહકો માટે છે. હું તેમને ખુશખબર આપવા માગું છું કે હવે હું એકદમ ઠીક છું. ફરીથી નવું જીવન જીવવા માટે તૈયાર છું.

47 વર્ષીય સુસ્મિતા સેન પોતાની ફિટેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે. તે સો.મીડિયામાં અવાર-નવાર ફિટનેસ વીડિયો ને તસવીરો શૅર કરતી હોય છે. ઉલ્લેખનીય છે કે સુસ્મિતાએ બે દીકરીઓ રીની તથા અલીશા દત્તક લીધી છે.

થોડા સમય પહેલાં એક્ટ્રેસે ટ્વિંકલ ખન્નાના શોમાં કહ્યું હતું કે તેના માટે હંમેશાં બાળકો પ્રાથમિકતા રહ્યાં છે. તે નહોતી ઈચ્છતી હતી કે લગ્ન બાદ કોઈ અન્ય વ્યક્તિને કારણે તે બાળકોથી દૂર થઈ જાય. આ જ કારણે તેણે લગ્ન કર્યાં નથી.

સુસ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની હતી. તેણે 1996માં ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેણે ‘બીવી નંબર 1’, ‘ડૂ નોટ ડિસ્ટર્બ’, ‘મૈં હૂં ના’, ‘મૈંને પ્યાર ક્યોં કિયા’ તથા ‘તુમકો ના ભૂલ પાએંગે’ તથા ‘નો પ્રોબ્લમ’ જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સુસ્મિતા છેલ્લે વેબસિરીઝ ‘આર્યા 2’માં જોવા મળી હતી. હવે તે ‘આર્યા 3’માં જોવા મળશે.

સુસ્મિતા સેનના સંબંધો લલિત મોદી સાથે હોવાની ચર્ચા હતી. લલિત મોદી પહેલાં સુસ્મિતાનું નામ રોહમન શૉલ, વિક્રમ ભટ્ટ, સંજય નારંગ, સબીર ભાટિયા, રણદીપ હુડ્ડા, ઈમ્તિયાઝ ખત્રી, માનવ મેનન, બંટી સચદેવ, મુદસ્સર અઝીઝ, વસીમ અકરમ સાથે પણ હોવાની ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *