આ ગુજરાતી વિધવા મહિલા આજે શાકભાજી વેચી પરિવારનું ચલાવે છે ગુજરાન
દરેક વ્યકિતના જીવનમાં સુખ-દુઃખ આવતું હોય છે પણ મારા જીવનમાં સુખની શરૂઆત થાય તે પહેલાં મારા પતિનું બે વર્ષ પહેલાં અવસાન થતા દુઃખનો ડુંગર તૂટી પડયો હતો. પરિવારમાં બે બાળકો અને વડીલ સાસુ-સસરાની જવાબદારી મારા માથે આવી. મારા પાસે કોઇ કામ હતું નહીં જેને લીધે ઘણાં સમયથી હું બીજાના ઘરે સફાઇ કામ કરીને મારું ઘર ચલાવું છું પણ હું સામાજિક સેવા સાથે જોડાયેલા મિતલબહેન પટેલને મળ્યા પછી મને શાકભાજીના વ્યવસાય માટે લારી સહિતની મદદ કરી છે જેને લીધે પરિવારમાં એક નવો પ્રકાશ પડયો છે આ શબ્દો છે મેઘાણીનગરના શાંતિનગર છાપરા વિસ્તારમાં રહેતા 27 વર્ષના ભાનુબહેન પટણીના.
આટલી નાની ઉંમરે પતિને ગુમાવ્યાનું દર્દ અને પરિવારની જવાબદારી હિમ્મતભેર ઉઠાવનાર ભાનુબહેન પ્રેરણામૂર્તિ છે તેઓ કહે કે, મારા પતિને છેલ્લાં સ્ટેજનું કેન્સર થયું હતું. પતિના અવસાનથી દુઃખનો પહાડ તૂટી પડયો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે પતિ કડિયાકામ કરતા હતા અને જ્યારે રજા હોય ત્યારે શાકભાજીનો વ્યવસાય કરતા હતા અને હું પણ ક્યારેક તેમની સાથે જોડાતી હતી.
પરિવારની સ્થિતિને લીધે મને પણ આત્મહત્યા કરવાનો ઘણીવાર પ્રશ્ર આવ્યો હતો પણ બાળકો અને સાસુ-સસરાને લીધે વિચાર બદલી નાખ્યો હતો. સમાજમાં મહિલાઓ માત્ર ઘરકામ કરે છે તે માન્યતાને હૃદયમાં સહન કરીને મારા બાળકોને અભ્યાસ કરાવવા માટે નીડરતાથી કામકાજ કરવાનું નક્કી કર્યું હતું.
હાલના સમયમાં હું બીજાના ઘરકામ કરવા માટે જાઉં છું અને તેમાંથી થતી આવકથી મારા પરિવારનું ભરણપોષણ કરું છું. મને એક વ્યકિતએ સામાજિક સેવા સાથે જોડાયેલા મિત્તલ બહેન પટેલને મળવાથી તમને મદદરૂપ બનશે તેમ કહ્યું હતું અને તે રીતે સવાર થતા જ હું મિત્તલ બહેનને મળવા માટે ગઇ હતી. મિત્તલબહેને મને શાકભાજીના વ્યવસાય માટે પ્રેરણા આપી સાથે લારી પણ આપી છે અને હું શાકભાજીના વ્યવસાય કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
મારા જીવનમાં દુઃખ આવ્યું છે તેનાથી હું ડરી ગઇ હતી પણ બાળકોને અભ્યાસ કરાવીને તેમને સુશિક્ષિત કરવાના છે. મારા પિયરમાં પણ કોઇ નથી જેથી મને મદદ મળતી નથી. નાની બહેન વડોદરામાં ચાની કિટલી ચલાવે છે અને તે ક્યારેક મારા ઘરે આવે ત્યારે તે પોતાની યથાશક્તિ પ્રમાણે મને મદદ કરે છે. જીવનમાં આવેલા પડકારોને એક મનથી સામનો કરીને જીવનને એક નવી દિશા આપવા માટે જીવન જીવી રહું છું.