અમદાવાદમાં ફેફસાના અંગદાનથી આફ્રિકન મહિલાને મળ્યું નવું જીનવ
ગુજરાતના તબીબી ક્ષેત્રમાં વધુ એક સિમાચિહ્નરૃપ સિદ્ધિ ઉમેરાઇ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શનિવારે થયેલા ફેફસાના અંગદાને ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલાને નવજીવન મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અસારવા સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના ૨૫ વર્ષીય રાકેશ વાઘેલા સારવાર દરમિયાન બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. જેમાં બે કિડની, લીવર અને જૂજ કિસ્સામાં સફળતા મળે છે તેવા ફેફસાનું દાન મળ્યું હતું.
રવિવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે બ્રેઈનડેડ દર્દીના ફેફસાને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીમાં પ્રત્યારોપણ માટે લઈ જવામાં આવ્યા હતા. છ થી આઠ કલાક ચાલેલી પ્રત્યારોપણ સર્જરીના અંતે મહિલાને સાચા અર્થમાં નવજીવન મળ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બરાબર બે વર્ષ અગાઉ અંગદાનના સેવાયજ્ઞાનો પ્રારંભ થયો હતો.
આ અંગે વધુ માહિતી આપતાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘સિવિલ હોસ્પિટલના તબીબોની અથાગ મહેનત અને અંગદાતા પરિવારના સેવાભાવ-સહકાર થકી અત્યારસુધી થયેલા કુલ ૯૬ અંગદાનમાં મળેલા ૩૦૩ અંગોનું ૨૮૦ દર્દીમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞામાં સિમાચિહ્નરૃપ કહી શકાય તેવો કિસ્સો શનિવારે રાત્રે જોવા મળ્યો છે.’