GUJARAT

આ MBAએ થયેલી ગુજરાતી ગર્લ છે ખતરોની ખેલાડી, આકાશમાંથી હજારો ફૂટ ઊંચાઈએથી કૂદકો મારે છે

હજારો ફૂટની ઊંચાઈ પરથી નજર બહાર કરતા પણ ભલભલાને ચક્કર આવી જાય…ભલભલા ભડવિર પુરુષો પણ થોડીક ઊંચાઈથી નીચે નજર કરતા થથરી જાય…પરંતુ ગુજરાતના વડોદરાની યુવતીએ હજારો ફૂટનીં ઊંચાઈએ આકાશમાંથી કુદીને પુરુષોને પણ પાછળ પાડી દીધા છે.

ગુજરાતના લોકો રમત-ગમત ક્ષેત્રે સાહસ નથી ખેડતા અને જોખમી રમતોથી ખૂબજ દૂર રહે છે આ મહેણું તોડી નાંખ્યું છે વડોદરાની દીકરી શ્વેતા પરમારે. વડોદરાની 28 વર્ષીય સ્કાયડાઇવર શ્વેતા પરમારે આકાશમાં ઉડી, આકાશમાંથી હજારો ફૂટ ઊંચાઈએથી કૂદકો મારી આ સાહસ કરનાર પ્રથમ ગુજરાતી યુવતી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. શ્વેતાએ સરકાર તરફથી મંજૂરી મળે તો કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી કૂદવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

વડોદરાના મકરપુરામાં માતા અને ત્રણ ભાઇ-બહેન સાથે રહેતી સ્કાયડાઇવર શ્વેતા પરમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સ્પેનમાં 29, દુબઇમાં 3 અને રશિયામાં 15 હજાર ફૂટ ઉંચાઇએથી 15 જમ્પ માર્યા છે. જ્યાં સુધી હું આકાશમાંથી 200 જમ્પ મારવાનું કાર્ય પૂરું નહિં કરું ત્યાં સુધી મારું સ્વપ્ન પૂરું નહીં થાય. મારું સ્વપ્ન સંધ્યાકાળે આકાશમાંથી જમ્પ મારવાનું અને મધરાત્રે દુબઇ સીટીમાંથી જમ્પ મારવાનું છે. અત્યાર સુધી મેં 15 હજાર ફૂટ ઉંચાઇએ જમ્પ માર્યો છે. મારી ઇચ્છા 17 હજાર ફૂટ ઉંચાઇએથી જમ્પ મારવાની છે.

5 ફૂટ બે ઇંચની ઊંચાઈ અને 42 કિલો વજન ધરાવતી આ 28 વર્ષીય સ્કાયડાઇવર શ્વેતા પરમારે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ કરી, BBA અને ત્યાર પછી MBA સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ સુરતમાં એક ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી હતી.,

નોકરી કરવાને બદલે નાના ભાઇ ક્રિશ્ના સાથે મળીને પોતાનો ડિઝીટલ માર્કેટીંગનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ ધંધામાં છ માસમાં જ સફળતા મળતા અને આર્થિક સ્થિતી સારી થતાં મેં આકાશમાંથી કૂદકો મારવાનું સ્વપ્ન પૂરું કર્યું છે. આકાશમાંથી કૂદકો મારવાના સાહસની શરૂઆત વર્ષ-2016માં કરી હતી. આજ દિન સુધીમાં 15 હજાર ફૂટ ઊચાઈ આકાશમાંથી જમ્પ મારી ચૂકી છું અને આવનાર બે-ત્રણ વર્ષ સુધીમાં 200 જમ્પ મારવાનું મારું લક્ષ્ય છે.

સ્કાયડાઇવર શ્વેતા પરમારે જણાવ્યું હતું કે, આ તબક્કે પહોંચવા માટે અનેક સ્થિતીનો સામનો કરવો પડ્યો છે. 18 વર્ષની ઉંમરે પિતા ઠાકોરભાઇની છત્રછાયા ગુમાવી દીધી હતી. પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ ઘરની તમામ જવાબદારી મારી મોટી બહેન પ્રિયંકા અને સંધ્યાબહેન ઉપાડી લીધી હતી.

બંને બહેનોએ પોતાના અભ્યાસને અટકાવી મને અને મારા ભાઇને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. મારા પિતા જીવતા હતા. ત્યારે મેં તેમણે કહ્યું હતું કે, હું તમારું નામ રોશન કરીશ. આજે હું કહું છું કે મેં મારા પિતાને આપેલું વચન પૂરું કર્યું છે. મારી પ્રગતિમાં મારી બહેનોની સાથે મારી માતા ધર્મિષ્ઠાબહેનનો પણ વિશષ હાથ રહ્યો છે.

વધુમાં ઉમેર્યું કે, વર્ષ 2016માં મહેસાણામાં આયોજિત સ્કાયડાઈવિંગના કેમ્પમાં ભાગ લેવા માટેની ફેસબુક પર એક એડવર્ટાઇઝ આવી હતી. મહેસાણામાં આયોજિત કેમ્પમાં રૂપિયા 35 હજારમાં 10 હજાર ફૂટની ઊંચાઈએથી પહેલો જમ્પ માર્યો અને પછી નક્કી કર્યું કે હવે આ ફિલ્ડમાં આગળ વધવું છે.

ઇન્ટરનેટ પર વધુ અભ્યાસ કર્યો કે સૌથી વધુ સલામત સ્કાયડાઇવિંગની તાલીમ ક્યાં આપવામાં આવે છે. સ્પેનમાં સલામત અને યોગ્ય તાલીમ મળતી હોવાના રીવ્યુ મળ્યા બાદ ડિસેમ્બર 2018માં સ્પેનમાં ગઇ હતી. અને ત્યાં શરૂ થઈ હવામાં ઉડવાની અને જમ્પ મારવાની જટિલ તાલીમ મેળવવાની શરૂઆત.

શ્વેતા પરમારે જણાવ્યું કે, પ્રથમ જમ્પમાં હાથ-પગમાં ઇજા પણ થઇ હતી. પરંતુ, ઇજાને સામાન્ય રીતે લઇને મેં ઉડાન ચાલુ રાખી હતી અને 29 જેટલા જમ્પ મારીને સ્કાય ડાઇવરનું લાયસન્સ મેળવ્યું છે. ભારતમાં સ્કાયડાઇવિંગ માટે કમિટી બનવાની છે. પરંતુ, હજુ સુધી બની નથી. સ્કાયડાઇવિંગની યુ.એસ.એ. અને યુરોપમાં ઉજળી તકો છે. હાલમાં મારી પ્રબળ ઇચ્છા કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરથી જમ્પ મારવાની છે.

શ્વેતા પરમાર ગુજરાતની પ્રથમ પ્રથમ સિવિલિયન મહિલા સ્કાયડાઈવર છે. આ સાથે સ્પેનમાં 29 જેટલા જમ્પ મારીને સ્કાય ડાઇવરનું લાયસન્સ મેળવ્યું છે. ભારતમાં લાયન્સ મેળવનાર શ્વેતા ત્રીજી મહિલા બની છે. પહેલા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર રચેલ થોમસ અને બીજા શીતલ મહાજન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *