GUJARAT

ઓછું ભણેલા પિતાએ અને અભણ માતાએ લાડલી દીકરીને આ રીતે બનાવી મેજિસ્ટ્રેટ

જામ ખંભાળીયા તાલુકાના કેશોદ ગામમાં રહેતા દેવરામભાઈ મોકરીયા અને ડાહીબેન મોકરિયાની દીકરી પાર્વતી ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. માત્ર બે ચોપડી ભણેલા પિતા દેવરામભાઈની અંતરની ઈચ્છા હતી કે દીકરી પાર્વતી ભણી-ગણીને ખૂબ આગળ વધે. દીકરીને સારું શિક્ષણ મળે એ માટે ગામડે ખેતી કરતા દેવરામભાઇ જામનગર રહેવા માટે આવી ગયા.

માત્ર 2 ચોપડી ભણેલા દેવરામભાઈ પરિવારનું ગુજરાન ચલાવવા અને દીકરીના અભ્યાસના ખર્ચ માટે બ્રાસપાટના કારખાનામાં મજૂરી કરવા માટે જતા હતા. થોડી બચત થઈ એટલે શાકભાજીની લારી ચાલુ કરી. ઘણા લોકોએ દેવરામભાઈને કહ્યું, “દીકરીને બહુ ભણાવવાની ન હોય.” દેવરામભાઈ કોઈની વાત સાંભળ્યા વગર દીકરીની સોનેરી કારકિર્દી માટે સતત કામ કરતા રહેતા. જામનગરના સ્લમ વિસ્તારમાં સાવ સામાન્ય મકાનમાં રહે પણ સંતાનોના ભણતરમાં સહેજ પણ ઉણપ આવવા ન દે.

પાર્વતી પણ માતા-પિતાના તેના પરના વિશ્વાસને સવાયો સાબિત કરવા માટે ખૂબ મહેનત કરે. ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ સમજુ દીકરી એના નાના ભાઈ બહેન પણ ભણી શકે એ માટે કોલેજના અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ નોકરી કરે. એલ.એલ.બી.ના અભ્યાસની સાથે સાથે જામનગરના જાણીતા એડવોકેટ શ્રી અનિલ મહેતાની ઓફિસમાં જુનિયરશિપ શરૂ કરી. કામ પ્રત્યેની પાર્વતીની અભિરુચિ અને ડેડીકેશન જોઈને અનિલભાઈએ પાર્વતીને મેજિસ્ટ્રેટ બનવાની પરીક્ષાની તૈયારી કરવા માટે કહ્યું.

પાર્વતીએ પણ મનમાં ગાંઠ વાળી કે મારે મેજિસ્ટ્રેટ બનવું છે. શાકભાજી વેંચનારાની દીકરી મેજિસ્ટ્રેટ બને એ કલ્પના જેવું લાગે પરંતુ કલ્પનાને વાસ્તવિકતામાં બદલવા માટે પાર્વતીએ સખત મહેનત શરૂ કરી. ઘરે વાંચવા માટે અલગ રૂમની પણ વ્યવસ્થા નહોતી છતાં આ દીકરી એડજસ્ટ કરીને સતત વાંચ્યા કરે. મમ્મી ડાહીબેન સાવ અભણ પણ દીકરીની જજ બનવાની યાત્રામાં એ પણ સામેલ થઈ ગયા. પાર્વતી વાંચવા વહેલી સવારે જાગી જાય તો મમ્મી પણ એના પહેલા જાગીને એને જરૂરી વ્યવસ્થા કરી આપે. પાર્વતી વાંચવામાં એવી એકાકાર થઈ જતી કે એ ખાવાનું પણ ભૂલી જતી.

મેજિસ્ટ્રેટ માટેની પ્રિલીમીનરી પરીક્ષા આવી ત્યારે જ પાર્વતી બીમાર પડી. હિંમત હાર્યા વગર શારીરિક અસ્વસ્થતા વચ્ચે પણ એમણે પરીક્ષા આપી અને પાસ કરી. જ્યારે મુખ્ય પરીક્ષા આવી ત્યારે એક જ દિવસમાં બે પેપર લખવાના હતા. પેપર ખૂબ લાંબા હોય એટલે જ્યારે પહેલું પેપર પૂરું થયું ત્યારે પેન પકડવાને આંગળી પર ફોલ્લો થઈ ગયો. હવે બીજું પેપર કેમ આપવું ? પરંતુ આ હિંમતવાન દીકરીએ ફોલ્લા સાથે બીજુ પેપર લખવાની શરૂઆત કરી. ખૂબ પીડા થતી હતી અને પેન પકડવાનું ફાવતું નહોતું એટલે જાતે જ ફોલ્લો ફોડી નાખ્યો અને પેપર લખવાનું ચાલુ રાખ્યું.

થોડીવારમાં આંગળીના એ ભાગથી લોહી નીકળવાનું શરૂ થયું. સુપરવાઈઝરનું ધ્યાન ગયું એટલે એમને આંગળી પર પાટો બાંધવા કહ્યું અને તે માટે મદદ પણ કરી પરંતુ જો પાટો બાંધેલી આંગળી સાથે પેન પકડીને પેપર લખે તો લખવામાં ઝડપ ન આવે એટલે એમ જ પાટા વગર પેપર લખવાનું શરૂ કર્યું. ખૂબ પીડા થતી હતી પરંતુ નજર સામે મેજિસ્ટ્રેટની ખુરશી દેખાતી હતી એટલે બધું સહન કરીને પેપર પૂરું કર્યું. પાર્વતી ખૂબ સારા માર્કસ સાથે મુખ્ય પરીક્ષા પણ પાસ થઈ ગઈ અને ઇન્ટરવ્યૂમાં પણ એનું પરફોર્મન્સ સારું રહ્યું.

સખત પરિશ્રમના પરિણામ રૂપે પાર્વતીએ ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલી ફર્સ્ટ ક્લાસ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી અને મેજિસ્ટ્રેટ તરીકે પસંદગી પામી. થોડા સમય પહેલા જ આવેલા પરિણામે એક ઓછું ભણેલા પિતાએ અને અભણ માતાએ એની દીકરી પર મૂકેલા વિશ્વાસને પાર્વતીએ પૂર્ણ કરી બતાવ્યો. પાર્વતી પોતાની સફળતાનું રહસ્ય સમજાવતા કહે છે કે ‘કોઇપણ કાર્ય સિદ્ધ કરવા માટે પહેલા ધ્યેય નક્કી કરવું પડે. ધ્યેયને પાર પાડવા માટે ધગશ સાથે મહેનત કરવી પડે અને યોગ્ય પરિણામ માટે ધીરજ રાખવી પડે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *