સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા જેવી ઘટના બની, યુવકનો ચપ્પુ વડે હુમલો
એક તરફી પ્રેમમાં કામરેજના ચકચારી ગ્રીષ્મા વેકરીયાની હત્યા જેવી વધુ એક ઘટના બનવા પામી છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારની તરૂણીના એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તારે કોઇ સાથે પ્રેમસંબંધ છે એવું પુછી ચપ્પુ વડે ગળું કાપવાનો પ્રયાસ કરતા ગાલ પર ઇજા પહોંચાડતા તરૂણીને 15 થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા.
પાંડેસરા વિસ્તારમાં રહેતી યુપીવાસી શીતલ (ઉ.વ. 30 નામ બદલ્યું છે) ગત રોજ સવારે રાબેતા મુજબ 9.45 કલાકે નોકરી પર જવા નીકળી હતી ત્યારે તેની ત્રણ પુત્રી સુતેલી હતી. દરમિયાનમાં મોટી પુત્રી પ્રિયા (ઉ.વ. 14 નામ બદલ્યું છે) 12 વાગ્યે ઉઠીને બાથરૂમમાં ગઇ હતી. જયાંથી પરત આવી રહી હતી ત્યારે કિરણ ઉર્ફે કાલુ (ઉ.વ. 24 રહે. ઉમીયાનગર, પાંડેસરા) ચપ્પુ લઇને ઘસી આવ્યો હતો.
કાલુએ પ્રિયાને પુછ્યું હતું કે તારે કોઇ સાથે પ્રેમસંબંધ છે ? પ્રિયાએ ઇન્કાર કરતા તેની ઉપર કાલુએ ચપ્પુ વડે હુમલો કરી ડાબા ગાલ પર એક ઘા મારી ભાગી ગયો હતો. જેથી પ્રિયા દોડતી દોડતી પોતાના ઘર તરફ ગઇ હતી અને બે નાની બહેન અને નજીકમાં રહેતા દાદા-દાદીને જાણ કરી હતી. ઉપરાંત પડોશીઓ પણ એકઠા થઇ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જયાં પ્રિયાના ગાલ પર 15 ટાંકા લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કાલુ પ્રિયાના પડોશીને ત્યાં આવ-જા કરતો હતો અને એક તરફી પ્રેમમાં પ્રિયાની છેલ્લા ત્રણેક મહિનાથી પીછો કરી કનડગત કરતો હતો. પ્રિયાએ આ અંગેની જાણ તેની દાદીને કરતા દાદીએ કાલુને ઠપકો પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે તે શીતલનો પતિ વતનમાં રહે છે અને કામધંધો કરતો નહીં હોવાથી શીતલ ત્રણ પુત્રી સાથે એકલી રહે છે અને સાડીના કારખાનામાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.