4 પાનાંની સુસાઇડ નોટ લખી સૌરાષ્ટ્રના યુવકે કર્યો આપઘાત
‘સરકારી નોકરી માટે પ્રયત્નો કરીને હવે થાકી ગયો છું. ધીરજ ખૂંટી ગઇ છે…’ જેવા હૃદયદ્વાવક શબ્દો સાથેની ચાર પાનાની સ્યુસાઇડ નોટ લખીને ગોંડલ તાલુકાનાં કમર કોટડા ગામનાં આશાસ્પદ યુવાને આપઘાત કરી લેતાં અરેરાટી સાતે શોકનું મોજું ફરી વળ્યું છે.
ગોંડલનાં કમર કોટડા ગામે રહેતા જયેશ જીવરાજભાઇ સરવૈયા નામનાં રદ્ વર્ષનાં યુવાને પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇને જિંદગીનો અંત આણી લીધો હતો. જે અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને મૃતક યુવાને લખેલી ચાર પાનાની સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણે ઉચ્ચ સરકારી નોકરી મેળવીને પિતાને મજૂરી કામમાંથી નિવૃત્તિ અપાવવાનું સ્વપ્ન હતું, પણ અધુરૂં રહી ગયું છે. એવું લખીને પરિવારને ‘આઇ એમ સોરી’ લખી આપઘાત કરી લીધો હતો. પરિણામે મધ્યમવર્ગીય પરિવાર પર વજ્રઘાત થયો છે.
હતભાગી જયેશ સરવૈયાએ અંતિમ પગલું ભરતા પહેલા માતા – પિતાને લખેલા પત્રમાં કહ્યું છે કે, વર્ષ – ૨૦૧૯થી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું ચાલુ કર્યું, પણ અઢી વર્ષનાં સંઘર્ષ પછી પણ નિષ્ફળતા જ મળી છે.
બિનસચિવાલયમાં નોકરીનું સપનું અધુરૂં રહ્યું છે. ફોરેસ્ટ, તલાટી, જૂનિયર કલાર્ક માટે પણ ખૂબ તૈયારી કરી, કલાસીસ કર્યા પણ હવે ધીરજ ખૂટી ગઇ છે. હવે નિષ્ફળતાથી ડર લાગે છે. કલાસ – ૩ની નોકરી મેળવી શકું એવી કાબેલીયત છે પણ પરીક્ષાનાં ઠેકાણા નથી. એક પરીક્ષા આપી છે પણ તેના પરિણામનાં ઠેકાણા નથી. સરકારી નોકરી સિવાયનાં રસ્તા છે, પરંતુ ખાનગી નોકરીમાં શોષણ જ છે.
વધુમાં તેણે લખ્યું છે કે, ‘મારે આવતા ઓગસ્ટ મહિનામાં ૨૩ વર્ષ થઇ જશે. તમે મને ૨૩ વર્ષનો કર્યો, ઘણા ખર્ચા કર્યા પણ હવે ઋણ ચૂકવ્યા વગર જ જઇ રહ્યો છું. આઇ એમ સોરી… મારા બેંક ખાતામાં રૂપિયા છે એ બહેનનાં લગ્નમાં વાપરજો.’
અંતમાં લખ્યું છે કે, ‘મારી બે અંતિમ ઇચ્છા છે, જે શક્ય હોય તો પૂરી કરજો. (૧) મારા અંગોનું દાન કરજો, જેથી કોઇને નવું જીવન મળી શકે. (૨) મારા મૃત્યુ પાછળ કોઇ ક્રિયા કે ખર્ચ કરતાં નહીં, ૨૫ – ૫૦ વૃક્ષો વાવી દેજો.’
ગોંડલ પંથકમાં ૨૦ દિવસમાં આત્મહત્યાનાં નવ બનાવ બન્યા છે. જેમાં આજે કમર કોટડાનાં હતભાગી યુવાન ઉપરાંત મુળ શિવરાજગઢ અને હાલ સડક પીપળીયા ગામે રહેતા ચંપાબેન સવાભાઇ પારધી (ઉ. ૪૨)એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા કરૂણ બનાવમાં મોવિયા ગામે રહેતા હસમુખભાઇ ત્રિકમભાઇ જાદવ (ઉ. ૫૦)એ ઘરમાં પાણીની ટાંકીમાં પડીને આપઘાત કરી લીધો હતો. તેમની ઉપર ૧૦ વર્ષ પહેલાં પાડોશીએ હુમલો કરતા પેરેલીસીસથી અડધું શરીર ખોટું પડી ગયું હતું. વર્ષો પહેલા પિતા ઘર છોડીને ચાલ્યા ગયા હતા. જેથી તેમની વયોવૃધ્ધ માતા ખાનગી હોસ્પિટલમાં કામ કરીને બન્નેનં ગુજરાન ચલાવતા હતા.