GUJARAT

12 કરોડની શિવજીની પ્રતિમાનાનો અદભુત નજારો, જુઓ અભિભૂત કરતી તસ્વીરો

વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે. મહાશિવરાત્રિ પર્વ પહેલાં જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું હતું.

મહાશિવરાત્રિએ પ્રતિમાનું લોકાર્પણ થશે
દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પાવન દિવસે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે. એની સાથે શહેરના મધ્યબિંદુ સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમા હવે સુવર્ણજડિત થઈ જતાં મહાશિવરાત્રિ પર્વે એનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પહેલાં આજે પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડ્યા હતા.

17.5 કિલોગ્રામ સોનું અને 111 ફૂટ ઊંચાઈ
શિવજીની પ્રતિમા હવે તૈયાર થઈ ચૂકી છે અને નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે મહાશિવરાત્રિના પાવન દિવસે ઐતિહાસિક અવસર આવ્યો છે. શહેરના મધ્યબિંદુ સુરસાગરના મધ્યમાં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી વડોદરાની ઓળખસમી ભવ્ય પ્રતિમાને 17.5 કિલોગ્રામ સોનાથી તૈયાર કરવામાં આવી છે. વિશ્વમાં પ્રથમ વડોદરામાં ખુલ્લા આકાશ નીચે તૈયાર કરવામાં આવેલી આ સુવર્ણજડિત શિવજીની પ્રતિમા 18 ફેબ્રુઆરી-2023ના રોજ દેવાધિદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પાવન દિવસે લોકાર્પિત થશે. આ સુવર્ણજડિત શિવજીની પ્રતિમા વડોદરા ટૂરિઝમની નવી આકાર લેતી સર્કિટનું મહત્ત્વનું કેન્દ્ર બની જશે.

2013થી શિવજી કી સવારી નીકળે છે
સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ કાઢવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. વર્ષ-2013થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે.

શિવજીની મૂર્તિને આ રીતે મઢી સોનાથી
નરેશ વર્માએ મૂર્તિ બનાવવામાં લાગેલા સમય, વજન, કોપર, ઝિંકના ઉપયોગ તથા કારીગરો અંગે વાત કરતાં કહ્યું હતું કે સુરસાગર સ્થિત શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું કામ હાથ ઉપર લીધું ત્યારે હું બહુ ઉત્સાહી હતો. આ પ્રતિમા ઉપર પ્રથમ ઝિંક અને કોપરના બે-બે ઢોળ ચઢાવવામાં આવ્યા છે. બાદમાં એના પર કોપરનું પતરું લગાવવામાં આવ્યું છે અને એનાં પતરાં ઉપર સોનાથી મઢવામાં આવી છે. મૂર્તિમાં 700 કિલો ઝિંક અને 1500 કિલો કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે મૂર્તિનું કુલ વજન 2500 મેટ્રિક ટન છે. આ કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરી માટે 30 કારીગરોએ રાત-દિવસ મહેનત કરી છે. સમયાંતરે હું વડોદરા આવીને પ્રતિમાનું નિરીક્ષણ કરતો હતો અને જરૂર જણાય ત્યાં કારીગરોને માર્ગદર્શન આપતો હતો.

વીજળી સીધી જમીનમાં ઊતરી જશે, મૂર્તિને ઊની આંચ પણ નહીં આવે
આ પ્રતિમા બનાવવા અંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે દેશમાં જ નહીં, પણ દુનિયામાં સોનાથી મઢેલી પ્રતિમાઓ મંદિરો સહિત અન્ય ધાર્મિક સ્થાનોમાં છે, પરંતુ ખુલ્લા આકાશ નીચે 111 ફૂટ ઊંચી સુવર્ણજડિત પ્રતિમા એકમાત્ર વડોદરામાં હશે. શ્રી સર્વેશ્વર મહાદેવની મહાશિવરાત્રિ પર્વે લોકાર્પિત થનારી સુવર્ણજડિત પ્રતિમાની જાળવણી માટે સત્યમ-શિવમ-સુંદરમ ટ્રસ્ટ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. શિવજીની પ્રતિમાને વીજળીથી રક્ષણ માટે લાઈટિંગ એરેસ્ટર મૂકશે, જેને કારણે વીજળી સીધી જમીનમાં ઊતરી જશે. શ્રી સર્વેશ્વર મહાદેવજીની 111 ફૂટની પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું કાર્ય પૂર્ણ થઈ ચુક્યું છે. આ પ્રતિમા પર પક્ષીઓ બેસી બગાડે નહીં એ માટે અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવશે. જે થોડી થોડી વારે વાગશે, જેથી પક્ષીઓ ઊડી જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રતિમા પાસે બે એલપીજી ગન મુકાશે. જે થોડા થોડા સમયમાં ધડાકા કરશે, જેથી પક્ષીઓ ઊડી જશે, સાથે સાથે પ્રતિમાની શોભા વધારવા ચેન્નઈથી વિશેષ લાઈટ મગાવાઈ છે. શિવજીના મુખથી લઈ ચરણો સુધી આ લાઈટિંગ થશે.

તળાવમાંથી બાંધકામ નીકળ્યું ને મૂર્તિની પ્રેરણા થઈ
એક સમયે જેનું નામ ચંદન તલાવડી હતું એવા સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનો ઇતિહાસ ખૂબ રોચક છે. 1996માં ઉનાળા સમયે સુરસાગરની સફાઇ હાથ ધરવામાં આવી હતી અને પાણી ઉલેચવામાં આવ્યું હતું. આ સમયે સુરસાગરના મધ્યમાં એક જૂના બાંધકામનું માળખું નજરે પડ્યું હતું. આ માળખાને પુરાતત્ત્વવિદ ડો.આર.એન.મહેતાએ સંશોધન કરીને તારણ આપ્યું હતું કે અહીં વર્ષો અગાઉ શિવાલય રચવાનું કાર્ય આરંભાયું હતું. જે-તે સમયે કોઈ કારણસર એ કામ અધૂરું રહ્યું હશે. ત્યારે શિવજી પ્રત્યે અપાર આસ્થા ધરાવતા ધારાસભ્ય યોગેશ પટેલને સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આવી. સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ વડોદરાના દેવાધિદેવ શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવરાત્રિએ શિવજીની સવારી નીકળે એવી ઇચ્છા દર્શાવી હતી.

દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું
શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે અમેરિકામાં સ્થાયી ડૉ. કિરણ પટેલ અને દેશ- વિદેશના અનેક દાતાઓએ 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલોગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા 12 કરોડના અંદાજિત ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપ્યું છે. હવે આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણજડિત થઈ ગઈ છે, જેનું લોકાર્પણ આગામી 18 ફેબ્રુઆરી મહાશિવરાત્રિની સંધ્યાએ થશે.

કોણ છે દાતાઓ?
શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણના કાર્યનો 1996માં શરૂ થયેલા અધ્યાયની સુવર્ણજડિત આવરણના અનાવરણ સાથે પૂર્ણ થશે. આ કાર્યમાં સહભાગી બનેલા ડૉ. કિરણ પટેલ, શ્નિલેશ શુક્લ, ક્રેડાઇના અધ્યક્ષ અને જાણીતા બિલ્ડર મયંક પટેલ, બિલ્ડર શ્રેયસ શાહ અને પીયૂષ શાહે યોગદાન આપ્યું છે.

કોણે પ્રતિમાને સુવર્ણજડિત કરી?
સુરસાગર તળાવના મધ્યે બિરાજમાન શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા, પ્લેટફોર્મ અને સ્તંભોની રચનાને ‘અષ્ટસિદ્ધિ યંત્ર’ વિદ્યા પર રચવામાં આવી છે. પ્રતિમા અને એના પ્લિન્થથી માંડીને સંપૂર્ણ સ્ટ્રક્ચરને બનાવવામાં અંકશાસ્ત્ર, જ્યોતિષવિજ્ઞાન, ગ્રહવિજ્ઞાન, રંગવિજ્ઞાન, સ્પંદનશાસ્ત્ર અને રાશિ-કુંડલીનો સહારો લેવામાં આવ્યો છે. મૂળ ઓડિશાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમ દ્વારા પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું આ કામ કરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર નાયક અને તેમની ટીમે અંબાજી, શેરડી સાંઈબાબા મંદિર સહિત દેશનાં 50 જેટલાં ધાર્મિક સ્થળોમાં સોનાનું આવરણ ચઢાવવાનું કામ કર્યું છે.

0 thoughts on “12 કરોડની શિવજીની પ્રતિમાનાનો અદભુત નજારો, જુઓ અભિભૂત કરતી તસ્વીરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *