GUJARAT

આ 17 વર્ષની સ્ટુડન્ટના લોકો કરી રહ્યાં છે ભરપૂર વખાણ, કારણ જાણી તમે પણ વાહ વાહ કરશો

બહાદુરને કોઈ ઉંમરનું બંધન નથી. વિકટ સંજોગો વચ્ચે હિંમત કેવી રીતે દર્શાવી શકાય તેનું શાનદાર ઉદાહરણ રાજકોટની 17 વર્ષીય વિદ્યાર્થિની ભાર્ગવી વ્યાસે પૂરું પાડ્યું છે. ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા તે સ્ટિયરિંગ પર ઢળી પડ્યો હતો. બાદમાં બસે બે વાહનને અડફેટે પણ લીધાં હતાં. પરંતુ તે સમયે બસમાં બેઠેલી ભાર્ગવીએ હિંમત દાખવી સ્ટિયરિંગ સંભાળી લીધું હતું. આ સમયે સામેથી ટ્રાફિક સિગ્નલ ખૂલતા તેને વિચાર આવ્યો કે અનેક લોકો બસ હેઠળ કચડાય જશે. પરંતુ તેણે તાકાત લગાવી સ્ટિયરિંગ રસ્તાની બાજુની દીવાલ તરફ ફેરવી નજીકના સબ સ્ટેશન સાથે બસ અથડાવી દીધી હતી. રાહદારીઓ તરફ જતી બસને રોકી વિદ્યાર્થિનીએ મોટી દુર્ઘટના રોકી હતી. આ ઘટના બાદ પરિવારના લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

રાજકોટ નજીક ત્રંબામાં ભરાડ ડે સ્કૂલ હોવાથી બસના ડ્રાઈવર હારુનભાઈ ખીમાણી દરરોજ તો સવારે ૬.૩૦ વાગ્યે બસ લઈ વિદ્યાર્થીઓને તેડવા નીકળે છે. જોકે, શનિવારે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હોવાથી ડ્રાઈવર બપોરે 1 વાગ્યે વિદ્યાર્થીઓને લેવા નીકળ્યા હતા. રૂટ પર સૌપ્રથમ એસ્ટ્રોન ચોક પાસે વિદ્યાર્થિની ભાર્ગવી વ્યાસનું ઘર આવતું હોવાથી વિદ્યાર્થિનીને બસમાં બેસાડી હતી. બાદમાં અન્ય વિદ્યાર્થીઓને તેડવા માટે જવાનું હતું. જોકે, બસ ગોંડલ રોડ પર ટ્રાફિકથી ધમધમતા મક્કમ ચોક નજીક પહોંચી ત્યાં તો ડ્રાઈવરને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો.

આથી બસમાં બેઠેલી ભાર્ગવી ડ્રાઈવર પાસે આવી ગઈ અને શું થઈ ગયું તેમ પૂછ્યું ત્યાં તો ડ્રાઈવરે બસના સ્ટિયરિંગ પર માથું ઢાળી દીધું હતું. બાદમાં ભાર્ગવી થોડી ડરી ગઈ હતી અને વિચારવા લાગી કે, બસ કેમ ચલાવવી. તેમ છતાં તેણે હિંમત દાખવી તુરંત જ સ્ટિયરિંગ સંભાળી લીધું અને બહાદુરી દાખવી રાહદારીઓ તરફ જતી બસને રોકી સબ સ્ટેશન સાથે અથડાવી દીધી હતી. બાદમાં આસપાસમાંથી એકઠા થઈ ગયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. જે બાદ ડ્રાઈવરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.

ભાર્ગવી વ્યાસે જણાવ્યું હતું કે, ગઈકાલે અમારી સ્કૂલમાં કાર્યક્રમ હતો તો અમારે ત્યાં જવાનું હતું. સ્કૂલ બસનો રૂટ હતો તે પ્રમાણે સવા એક વાગ્યે આવી જવાનું હતું. પરંતુ હારુનભાઈ બસ લઇને 1.25 વાગ્યે આવ્યા હતા. મેં પૂછ્યું કે, કેમ હારુનભાઈ મોડું થયું તો તેઓએ કહ્યું કે, સોરી બેટા 5-10 મિનિટ મોડું થઈ ગયું છે. ત્યારબાદ તે બોલવામાં ખચકાતા હતા. આથી મેં પૂછ્યું કે હારુનભાઈ શું થયું તો તેણે મને કોઈ જવાબ ન આપ્યો. આથી મેં તેનો હાથ પકડ્યો તો તેઓ ઢળી પડ્યા હતા.

ભાર્ગવીએ વધુમાં જણાવ્યું હતું કે, બાદમાં બસનું સ્ટિયરિંગ મારા હાથમાં જ લઈ લીધું હતું અને મારામાં તાકાત હતી તેટલું સ્ટિયરિંગ વાળવાની કોશિશ કરી હતી. સ્ટિયરિંગ વળી પણ ગયું હતું. પરંતુ સામેની સાઇડ ખૂલી જતાં મને ડર લાગ્યો કે, મને અને હારુનભાઈને કંઈ થાય તો વાંધો નહીં પણ રસ્તા પર બાળકોથી લઈ ઘણા લોકો પસાર થતા હતા. આ જોઈ મેં સ્ટિયરિંગ દીવાલ સાઇડ વાળી બસ વીજપોલ સાથે અથડાવી દીધી હતી.

ભાર્ગવીએ વધુમાં જણાવ્યું હતું કે, મને કોઈ ડર તો લાગ્યો નહોતો. કારણ કે, હું પહેલેથી જ સાહસવાળી જિંદગી જીવી રહી છું. બધાં એમ કહે કે નહીં થાય પણ હું તે કરીને બતાવું છું. સ્ટિયરિંગ હાથમાં લીધું ત્યારે થોડીવાર તો લાગ્યું કે બસ ચલાવી શકીશ કે નહીં. પણ બીજા લોકોના જીવ બચાવવા મેં આ સાહસ કર્યું. ભાર્ગવીનાં માતા સાધનાબેન વ્યાસે જણાવ્યું હતું કે, મારા પુત્રએ આવીને કહ્યું કે, મમ્મી ચાલ, બહેનને એક્સિડેન્ટ થયો છે. આથી થોડીવાર તો હું ગભરાય જ ગઈ હતી. અચાનક મને ધ્રુજારી થવા લાગી અને વિચાર આવ્યો કે શું થઈ ગયું હશે મારી દીકરીને. પરંતુ મારામાં આત્મવિશ્વસ હતો કે મારી દીકરીને કંઈ પણ થયું હશે તો તેની સામે લડી શકવાની તેમનામાં તાકાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *