નકલી ગન બતાવીને યુવતીએ બેંકમાંથી લાખો રૂપિયાની ચલાવી લૂંટ
બેરત : લેબેનોનમાં એક યુવતીએ નકલી ગન દેખાડીને બેંકમાંથી ૧૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. જોકે, બેંક લૂંટવાનું એ યુવતીનું કારણ જાણીને સ્થાનિક લોકો તેના સમર્થનમાં આવ્યા હતા. લોકોએ તેની સામે કાર્યવાહી કરવાને બદલે તેની મદદ કરવાની વિનંતી બેંકને કરી હતી.
લેબેનોનના પાટનગર બેરતમાં સેલી હાફિઝ નામની યુવતીએ નકલી ગન દેખાડીને બેંકમાં લૂંટ ચલાવી હતી. યુવતી ગન લઈને બેંકમાં દાખલ થઈ હતી અને તમામને બાજુમાં હટી જવાની ધમકી આપી હતી. એ પછી તેણે બેંકના કર્મચારીને ૧૦ લાખ ૩૩ હજાર રૂપિયા ગણી આપવાની સૂચના આપી હતી. ગન દેખાડીને તેણે એ રૂપિયા લૂંટી લીધા હતા અને આટલા રૂપિયા લઈને એ ભાગી ગઈ હતી.
આ ઘટનાનો વીડિયો પણ એ યુવતીએ ખુદ બનાવ્યો હતો. સેલી એ લૂંટ દરમિયાન કહેતી સંભળાતી હતી કે તેની નાની બહેન કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે અને તેની સારવાર માટે ૪૦ લાખ રૂપિયાની જરૂર હતી. એ યુવતી સેલી હાફિઝના પોતાના બેંક એકાઉન્ટમાં ૧૬ લાખ રૂપિયા પડયા હતા.
પરંતુ લેબેનોન સરકારે આર્થિક કટોકટીના કારણે બેંકમાંથી રોકડ રકમ ઉપાડવાની મર્યાદા મહિનાની માત્ર ૧૫ હજાર કરી દીધી હોવાથી પોતાના જ રૂપિયા એ યુવતી ઉપાડી શકતી ન હતી. વારંવાર બેંકના ધક્કા ખાધા પછી કંટાળીને તેણે બેંક લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. એ માટે નકલી ગન ખરીદી હતી અને નકલી ગન બતાવીને ખરેખર બેંકમાંથી ૧૦ લાખ ૩૩ હજાર રૂપિયા લૂંટી લીધા હતા.
આ ઘટના પછી સ્થાનિક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે પોતાના જ પૈસા કટોકટીના સમયમાં ન મળે તો કેવી રીતે ચાલે? બેંકે તેની સામે કાર્યવાહી કરવાને બદલે સેલીને બહેનની સારવાર માટે જ્યારે રોકડની જરૂર પડે ત્યારે આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. સેલી હાફિઝનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.