દંપતી વચ્ચે ઘરકામને લઈને થયો ઝઘડો અને આવ્યો કરૂણ અંજામ
ધોરાજી, : જામકંડોરણા તાલુકાનાં રામપર ગામે વાડી વિસ્તારમાં મધ્યપ્રદેશથી ખેતમજૂરી માટે આવેલા દંપતી વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ગળા પર કૂહાડીનો ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાસી છૂટતા ચકચાર મચી જવા પામી છે.
વિગત પ્રમાણે, મધ્યપ્રદેશનાં જાંબુવા ખાતે રહેતા દિનેશ વાલીયા બિલવાલ અને તેની પત્ની રમીલા દિનેશ બિલવાલ (ઉ.. 33), હજુ ગઇકાલે ગુરૂવારે સવારે 10 વાગ્યે જામકંડોરણાનાં રામપર ગામે મેઘાવડ જવાનાં રસ્તે આવેલી વિપુલભાઇ ચોવટીયાની વાડીમાં ખેતમજૂરી કરવા માટે આવ્યા હતા. અહીં રમીલાબેનનાં માસિયાઇ ભાઇ માંજુભાઇ બાલુભાઇ ડામોર સહિતનાં જાંબુવાનાં વતની સંબંધીઓ પણ અઠવાડિયા પહેલા જ ખેતમજૂરી માટે આવી ગયા હતા.
આ દરમિયાન ગઇકાલે રાત્રે બધા ખેતમજૂરોએ દિવસભર કામ કર્યા બાદ સાંજે જમીને ખેતરમાં કોઇ ઓરડીમાં તો કોઇ બહાર ફળીયામાં સુઇ ગયા હતા. આ સમયે જમ્યા બાદ ખેતમજૂર દિનેશ બિલવાલ અને તેની પત્ની રમીલા વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી અને ઝઘડો થતાં અન્ય સંબંધીઓએ સમજાવીને મામલો શાંત પાડયો હતો.
અચાનક રાત્રે દોઢ વાગ્યે રાડાસડી થતાં બધા જાગી ગયા હતા અને તેઓએ જોતા દિનેશ બિલવાલે કૂહાડીનો ઘા ઝીંકીને પત્ની રમીલાબેનની હત્યા કરી નાંખી હતી. જે બધાને જોઇને સીમ વિસ્તારમાં નાસી ગયો હતો.
જેથી ખેતમજૂરોએ વાડી માલિકને જાણ કરી હતી અને મૃતક રમીલાની લાશને ટ્રેક્ટરમાં નાસીને જામકંડોરણા સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા. જ્યાં પોલીસ પહોંચી હતી અને મૃતકનાં માસિયાઇ ભાઇ માંજુભાઇ ડામોરની ફરિયાદનાં આધારે પતિ દિનેશ બિલવાલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ ડોડિયાએ હાથ ધરી છે.