કોલવડા ઘનશ્યામ પટેલના હત્યાકાંડમાં નવો વળાંક, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડામાં રહેતા ઘનશ્યામ પટેલની હત્યામાં પેથાપુર પોલીસે નવો ઘટસ્પોટ કર્યો હતો અને પત્નીએ જ પ્રેમી તથા તેની પત્ની સાથે મળીને ત્રણ વિઘા જમીન મેળવવા માટે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું ગઇકાલે પોલીસે પત્નીના પ્રેમીની ધરપકડ કરી લીધા બાદ તેની પત્નીને પણ પકડી લીધી હતી.અમદાવાદથી આવતા જતા બન્નેના સીસીટીવી ફુટેજ પણ પોલીસને હાથ લાગ્યા છે.
કોલવડાની પટેલ ભાગોળમાં રહેતા ઘનશ્યામ પટેલની હત્યા તેની પત્ની રીશીતા અને સગીરવયની પુત્રીએ કરી હતી ઘનશ્યામે પુત્રી ઉપર નજર બગાડતી રીશીતાએ હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું પરંતુ આ થિયરી પોલીસના ગળે ઉતરતી ન હતી જેના પગલે રીશીતાના ફોનની ડિટેઇલ પણ કઢાવી હતી અને પેથાપુર પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.રાણાએ આ હત્યાકાંડના મુળ સુધી પહોંચવા માટે મથામણ શરૃ કરી હતી.
આ દરમિયાનમાં પોલીસને વિગતો મળી હતી કે, ઘરકંકાસથી કંટાળી રીસીતા અમદાવાદ ગઇ હતી તે વખતે તેની બહેનપણી સોનલ અને તેના પતિ સંજય પટેલે મદદ કરી હતી આ જ સમયે રીશીતા અને સંજય વચ્ચે આંખો મળી ગઇ હતી. ઘનશ્યામના ભાગમાં ત્રણ વિઘા જમીન પણ આવવાની હતી તેના પગલે રીશીતા અને સંજયે ઘનશ્યામની હત્યાનો પ્લાન ઘડયો હતો.
જે મુજબ દોઢ મહિના અગાઉ પુત્રીને કોલવડા રહેવા માટે મોકલી હતી અને ત્યાર બાદ રીશીતા પણ કોલવડા પહોંચી હતી જ્યાં નક્કી થયેલા પ્લાન મુજબ રીશીતાએ ફોન કરીને સંજય અને તેની પત્નીને બોલાવી દીધા હતા ઘનશ્યામને જમવામાં ઉંઘની ગોળીઓ આપવામાં આવી હતી તેથી તે ઉંઘમાં હતો તે દરમિયાન જ સંજયે માથામાં દસ્તો માર્યો હતો અને ઘનશ્યામના મોઢામાંથી બુમ નિકળતા રીશીતાએ મોઢું દબાવી દીધું હતું.
પ્રેમીની પત્ની સોનલ અને પુત્રીએ ઘનશ્યામના પગ પકડી રાખ્યા હતા આ હત્યાને અંજામ આપ્યા બાદ સંજય અને તેની પત્ની મોપેડ ઉપર અમદાવાદ જવા માટે નિકળી ગયા હતા અને રીશીતાએ દિકરીની છેડતી કરતા હત્યા કર્યાની કબુલાત કરી હતી. પેથાપુર પોલીસે ગઇકાલે મોટેરાના મુખીવાસમાં રહેતા સંજય દસરથભાઇ પટેલની ધરપકડ કરીને રીમાન્ડ મેળવવાની તજવીજ શરૃ કરી છે તો આજે તેની પત્ની સોનલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.