ધો.10 પાસ દિવ્યાંગ ગુજ્જુની કમાલ, કચરામાંથી ગેસ બનાવી મહિને 10 લાખની કમાણી
ગુજરાતીમાં કહેવત છે કે, નુકસાનીમાંથી પણ નફો શોધી લે તે વેપારી. આ વાતને ચરીતાર્થ કરતા સુરતમાં કચરામાંથી કંચન (સોનુ)બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત એપીએમસી માર્કેટમાં નકામા અને વધારાના શાકભાજીમાંથી બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. મહિને દસ લાખ જેટલી કિંમતનો ગેસ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને વેચાણ કરવામાં આવે છે.
સુરત એપીએમસી માર્કેટમાં અક્ષર બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગ્રીન એનર્જી ફોર ધ ગ્રીન એનર્જીના સૂત્ર સાથે બાયોગેસ પ્લાન્ટ ચલાવવામાં આવે છે. અક્ષર બાયોટેકના ડિરેક્ટર ભરત સાવલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પહેલો પ્લાન્ટ છે અને ભારતમાં પણ શાકભાજીમાંથી સીએનજી ગેસ બનતો હોય તે પ્રકારનો આ પહેલો પ્લાન્ટ અમે સ્થાપ્યો છે. સુરતનો આ પ્લાન 2017થી કાર્યરત છે. આ પ્લાન્ટની સફળતા બાદ અમદાવાદ એપીએમસી,અંકલેશ્વરમાં પ્રાઇવેટ પ્લાન,હરિયાણાના બહાદુરગઢ ખાતે પણ પ્લાન્ટની સ્થાપના કરી અને સફળ રીતે ચલાવવામાં આવે છે.
ભરતભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, તેઓ ધોરણ 10 સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. ત્યારબાદ સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પરંતુ કંઈક નવું કરવાના ઈરાદાથી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એક દક્ષિણ ભારતીય વ્યક્તિ સાથે તેમને મુલાકાત થઈ હતી.
તેઓ ઇલેક્ટ્રીક બનાવવાનું કામ કરતા હતા. પરંતુ ભરતભાઈને ઇલેક્ટ્રીક બનાવવાની જગ્યાએ ગેસ બનાવવાનો વિચાર આવ્યો અને 2011થી નાના પાયા પર બાયોગેસના પ્લાન્ટ શરૂ કર્યા. કામરેજ આસપાસના વિસ્તારમાં નાના પાયા પર તેમના પ્લાન્ટ સફળ રહ્યા બાદ આ મોટો પ્લાન્ટ સ્થાપ્યો હતો.
વર્ષ 2015માં એપીએમસી માર્કેટ દ્વારા કચરાના નિકાલ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડરમાં કચરો ઉઠાવવા માટે મની વાત કરવામાં આવી હતી. જો કે ભરતભાઈ અને તેમની કંપનીએ એપીએમસી માર્કેટ પાસેથી ભાડાથી જગ્યા રાખી અને કચરો ઉઠાવવાના પણ એપીએમસીને રૂપિયા આપવાની વાત કરી અને પ્લાન્ટનું પણ ભાડું આપવાની વાત કરતા એપીએમસીએ તે વાત ગ્રાહ્ય રાખી. જેથી દોઢ વર્ષમાં પ્લાન્ટને શરૂઆત થઈ જતા આજે એપીએમસી માર્કેટમાંથી જ ગેસ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે.
અક્ષર બાયોટેક કંપનીએ અંદાજે 12 કરોડના રોકાણ સાથે એક એકર જગ્યામાં પ્લાન્ટની સ્થાપના કરી છે. એપીએમસી માટે કચરો ઊંચકવાની જવાબદારી પણ ઉઠાવી છે. 2012થી સંશોધન શરૂ કર્યું હતું અને જર્મનીની કંપની સાથે મળીને 2016માં ગેસ પ્યુરિફિકેશન સિસ્ટમ સંપૂર્ણ રીતે શીખવામાં આવી હતી.
જર્મન ટેકનોલોજીમાં મેક ઇન ઇન્ડિયાનો ઉપયોગ કરીને સસ્તી બનાવવામાં આવી છે. જેથી કંપની દ્વારા હવે જાતે જ મશીનરી બનાવીને વેચાણ પણ કરવામાં આવે છે. પ્લાન્ટ સ્થાપવામાં પણ આવે છે. સાથે જ પ્લાન્ટનું સંચાલન પણ કરી આપવામાં આવે છે. નોર્મલ બાયોગેસની જેમ જ આ પ્લાન્ટ કામ કરે છે. બાયોગેસમાં એજિટેસન થાય એને ડાયજેસ્ટરને એનરોબીક ડાયજેસ્ટીંગ કહેવાય. એમાંથી સીએનજી અને સીબીજી એટલે કે કમ્પ્રેસ્ડ બાયોગેસ બને છે.
પ્લાન્ટમાં પ્યુરિફિકેશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.જેથી 92થી 95 ટકા પ્યોરીટી આવે. મિથેન લોસ જીરો કરવામાં આવે છે. હવામાં જે જાય તેને ઝીરો કરી નાખવામાં આવ્યું છે. એટલે કે, ઝીરો મિથેન લોસ અને ડબલ રિકવરી કરી. જેથી વાહનમાં પ્રોબ્લેમ ન આવે.સામાન્ય ગેસથી જે રીતે વાહન ચાલે અને તેના એન્જિન સહિતના પાર્ટ્સને પ્રોબ્લેમ ન આવે તે રીતે આ ગેસથી પણ વાહનને સંપૂર્ણ રક્ષા મળે છે.
સુરત એપીએમસીમાં ચાલતા પ્લાન્ટમાં 50 ટન ફૂડ એન્ડ વેસ્ટ તથા હોટલ વેસ્ટમાંથી 5000 ક્યુબીક મીટર રો બાયોગેસ બને છે. તેમાંથી પ્યુરીફિકેશન થતા 2000 કિલોગ્રામ સીબીજી બને છે. જેનો ઉપયોગ વાહનમાં અને ઇન્ડસ્ટ્રીમાં તથા ઘરેલુ વપરાશમાં પણ કરી શકાય છે. એક કિલો સીબીડીના વેચાણ 62 રૂપિયાના ભાવે ઇન્ડિયન ઓઇલને આપવામાં આવે છે. જેથી કંપનીને મહિને દસ લાખની આવક થાય છે. સાથે જ 25 લોકોને પ્લાન્ટથી રોજગારી મળે છે.
પ્લાન્ટમાંથી ગેસના ઉત્સર્જન બાદ જે ઘન કચરો બચે છે.તેમાંથી ખાતર બનાવવામાં આવે છે.આ કચરો સોલિડ અને લિક્વિડ એમ બે પ્રકારે વેચાણ માટે મૂકવામાં આવે છે.જે એક કિલો અથવા લીટરે 10ના ભાવે વેચાણ કરાય છે. ખાતરની છથી સાત પ્રોડક્ટ બનાવવામાં આવી છે.જે જમીનની ફળદ્રુપતા વધારે છે. સાથે જ આ ખાતરને પંપ દ્વારા ડીપી ઈરીગેશન અને સીધું પણ નાખી શકાય છે.
આ પ્લાન્ટ સ્થાપવા માટે એમએનઆરઈ મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રીન્યુબલ એનર્જી તરફથી 25 થી 30 ટકા સબસીડી ગેસના પ્રોડક્શન પર મળવા પાત્ર થાય છે. પી ઈ એસ ઓ પેટ્રોલિયમ એક્સપ્લોઝ ઓર્ગેનાઇઝેશનની મંજૂરી લેવી પડે છે, તથા જીપીસીબીની પણ મંજૂરી પ્લાન્ટ સ્થાપતા અગાઉ લેવી પડે છે. આ પ્લાન્ટ એકદમ હોવાથી દુર્ઘટનાના કોઈ ચાન્સ રહેતા ન હોવાનું ભરતભાઈએ વધુમાં જણાવ્યું હતું.
અક્ષર બાયોટેકના ભરતભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, 95 ટકા આ પ્રકારના પ્રોજેક્ટ નિષ્ફળ નીકળે છે. જેના મુખ્ય કારણોમાં ટેકનિકલ નોલેજનો અભાવ,વહીવટ,સેલિંગ તથા ખાતર અને ગેસ યોગ્ય રીતે ન બની શકે તેના કારણે મોટાભાગે કચરા ઉપર ચાલતા આ પ્રકારના બાયોગેસના પ્લાન્ટ સફળ ન નિવડીને બંધ થઈ જતા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ પ્રકારના પ્લાન્ટ પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી છે. કારણ કે, કચરામાંથી જ ગેસ બનતો હોવાથી ભૂમિગત ઇંધણનો બચાવ થાય છે જે પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સમાન છે.