પ્રમુખ સ્વામી મહારાજના પરિવારમાં હાલ કોણ કોણ છે? પહેલીવાર જુઓ પરિવારનો આંબો
વડોદરા નજીક આવેલા નાનકડા એવા ચાણસદ ગામમાં 7 ડિસેમ્બર 1921ના રોજ એક બાળકનો જન્મ થયો, ત્યારે કોઈને ખબર નહોતી કે, આ બાળક મોટો થઈને વિશ્વ વિભૂતી બનશે. પિતા મોતીભાઈ અને માતા દિવાળીબેને આ બાળકનું નામ રાખ્યું શાંતિલાલ. શાંતિલાલ નાના હતા ત્યારે તેમને ક્રિકેટનો ભારે શોખ હતો. જોકે તેમની પાસે ક્રિકેટ રમવાની કિટ નહોતી, જેથી બધા મિત્રોએ 500 રૂપિયાનું ફંડ ભેગું કરીને ક્રિકેટનાં સાધનોની કિટ લાવવાનું નક્કી કર્યું હતું અને તમામ મિત્રો ક્રિકેટનાં સાધનો ખરીદવા માટે વડોદરા જવા નીકળ્યા હતા અને ત્યારે રસ્તામાં જ ગુરુ શાસ્ત્રીજી મહારાજનો કાગળ પ્રમુખ સ્વામીજી મહારાજને મળ્યો અને પત્રમાં ગુરુ શાસ્ત્રીજી મહારાજે શિષ્ય શાંતિલાલ સાધુ થવાનો સમય થઈ ગયો હોવાની વાત કરી હતી.
એ સમયે શાંતિલાલે કંઈપણ વિચાર્યા વિના ક્રિકેટના સાધનોની કિટ ખરીદવાના રૂપિયા મિત્રોને આપીને ત્યાંથી રવાના થઈ ગયા હતા અને શાંતિલાલ 7 નવેમ્બર 1939ના દિવસે પોતાનું ગામ ચાણસદ છોડીને શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં જવા નીકળી પડ્યા હતા અને તેમની દીક્ષા બાદ તેમને નવું નામ મળ્યું, એ હતું પ્રમુખ સ્વામી… તેઓ પોતાના કાર્ય થકી વિશ્વ વંદનીય બની ગયા.
22 નવેમ્બર 1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોર શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને 10 જાન્યુઆરી 1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપી હતી. તેમાંથી મળ્યા યુગ પુરુષ એવા પ્રમુખ સ્વામી મહારાજ અને 1950માં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુક્ત કર્યા હતા.
પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ છે. પિતાનું નામ મોતીભાઈ અને માતાનું નામ દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારના જીવનમાં બીજું કોઈ ધ્યેય નહોતું, ચાણસદ ગામમાં ઘરમાં શાંતિલાલનો જન્મ થયો હતો. આ ઘરમાં બે ઓરડા છે, જેને હાલ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મારક બનાવવામાં આવ્યું છે. એક ઓરડો હાલ ખાલી છે. જ્યારે બીજા ઓરડામાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી છે. જ્યારે બહારની બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની દુર્લભ તસવીરો અને પેઈન્ટિંગ્સ રાખવામાં આવ્યાં છે. અહીં આવતા દરેક ભક્તને અનોખી શાંતિનો અનુભવ થાય છે. હાલ સમગ્ર ચાણસદ ગામને વિકસિત કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે બાપાનો પરિવાર કેમ ભુલાય? પ્રમુખ સ્વામી મહારાજનો પરિવાર હાલ વડોદરા શહેરમાં રહે છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી અક્ષર દર્શન બંગલોઝમાં રહેતા અશોકભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજના ભત્રીજા છે. બાપા જે પારણમાં ઝૂલ્યા હતા એ પારણું અશોકભાઈએ હજી પણ સાચવી રાખ્યું છે. આ ઉપરાંત બાપાનાં અસ્થિ પણ તેમની પાસે સચવાયેલાં છે.
બાપાના પરિવારમાં હાલ કોણ કોણ છે?
બાપાના મોટા ભાઈ સ્વ. ડાહ્યાભાઈના પુત્ર અશોકભાઈ અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને 2014થી મેડિકલ ઓક્સિજનનો બિઝનેસ કરે છે. તેમનાં પત્ની ગૃહિણી છે અને સત્સંગી કાર્યકર છે. આ ઉપરાંત હાલ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં પ્રમુખ સ્વામિનગરમાં મંડળના સંચાલકની જવાબદારી નિભાવી રહ્યા છે. અશોકભાઈના 26 વર્ષીય પુત્ર પરેશે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલનો અભ્યાસ કરેલો છે અને હાલ પિતાના વ્યવસાયમાં જોડાયેલો છે. અશોકભાઈની 20 વર્ષીય પુત્રી વિધિ કોમ્પ્યુટર સાયન્સ ડીગ્રીનો અભ્યાસ કરે છે.
બાપાએ સંસ્થાને વિશ્વ ફલક પર પહોંચાડી
પ્રમુખ સ્વામીના ભત્રીજા અશોકભાઈ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે મોતી દાદા અને દિવાળી બાએ ખૂબ રાજીખુશીથી ઘર સંસાર છોડવા માટે શાંતિલાલ(પ્રમુખ સ્વામી મહારાજ)ને આજ્ઞા આપી હતી. ખૂબ જ તેજસ્વી અને દિવ્ય પુરુષને પરિવારે સંન્યાસી થવા માટે વિદાય આપી હતી. પછી તો બધા જાણે છે કે પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાને વિશ્વ ફલક પર પહોંચાડી દીધી. તેઓ ખૂબ મહેનત કરતા, પરંતુ તેમની પ્રકૃતિ સરળ હતી. તેમના આશીર્વાદથી અમે પણ ખૂબ સુખી છીએ.
પરિવારમાં 3 ભાઈ અને 3 બહેનો હતાં
સ્વામી બાપાનાં ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓ હતાં. ડાહ્યાભાઇ, નંદુભાઈ અને શાંતિલાલ(પ્રમુખ સ્વામી મહારાજ). બહેનોમાં સૌથી મોટાં કમળાબેન પછી ગંગાબેન અને સવિતાબેન હતાં. બે બહેનોને ભાયલી ગામમાં પરણાવ્યા હતા અને એક બહેન ઉમરેઠના ઓડ ગામમાં પરણાવ્યા હતા અને બાપાના ધામમાં ગયા બાદ આણંદમાં રહેતાં ગંગાબેનનું નિધન થયું હતું. થોડા દિવસ પહેલાં જ મારાં માતા અને સ્વામી બાપાના ભાભી જશોદાબેનનું નિધન થયું હતું.
બાપા જેવા પુરુષ અમને મળ્યા, અમારું જીવન ધન્ય થઈ ગયું
હું સ્વામી બાપાના મોટા ભાઈ ડાહ્યાભાઈનો દીકરો. મારા પિતા સહિત ત્રણ ભાઈમાં એકમાત્ર હું જ વારસદાર છું. બાપા પરિવારથી અલિપ્ત હતા. તેઓ દિવ્ય પુરુષ હતા. અમારું એટલું ભાગ્ય કે આ કુટુંબમાં અમને જન્મ મળ્યો. બાપા જેવા પુરુષ અમને મળ્યા. અમારું જીવન ધન્ય થઈ ગયું. બાપાના છેલ્લા સમયમાં અમને ખૂબ જ સેવા કરવાનો સમય મળ્યો અને અમે રાજીપો મેળવ્યો.
બાપા ઝૂલ્યા એ પારણું મેં સાચવી રાખ્યું છે
દિવાળીબા બાપાને ઝુલાવતા એ પારણું મારી પાસે છે, દિવાળીબાનાં સંતાનો, હું પોતે એમાં ઝૂલીને મોટો થયો અને મારાં સંતાનો પણ આ જ પારણામાં ઝૂલીને મોટા થયાં છે. બાપાનાં અસ્થિ, બ્રહ્મલીન થયાં બાદ જેની પર બાપાને સુવડાવ્યા હતા એ ચંદનની ગોટી, ચરણારવિંદ, મૂર્તિ, છડી અને લિવિંગ સર્ટિફિકેટ પણ મેં સાચવી રાખ્યાં છે.
બાપાને હંમેશાં ભગવાન સ્વરૂપે જ જોયા છે
બાપા દેવલોક પામ્યા એના આઠ માસ પહેલાં હું બાપાને મળ્યો હતો. હું અને મારા પરિવારજનો જ્યારે બાપાને મળતા હતા ત્યારે બાપા અન્ય હરિભક્તોની નજરે જ અમને જોતા હતા અને આશીર્વાદ આપતા હતા. જો કોઇ હરિભક્ત ભૂલથી બોલે કે બાપાનો ભત્રીજો આવ્યો છે તો તરત જ બાપા સ્થળ છોડીને ચાલ્યા જતા હતા. અમે પણ બાપાને ક્યારેય કાકાની દૃષ્ટિએથી જોયા નહોતા. અમે બાપાને ભગવાન સ્વરૂપે જ જોયા છે. આજે જે કંઈ છું એ બાપાના આશીર્વાદથી જ છું, એમ અશોકભાઇએ જણાવ્યું હતું.
બાપાએ મને ખોળામાં બેસાડીને મારું નામ પાડ્યું હતું
અશોકભાઈની પુત્રી નિધિએ જણાવ્યું હતું કે આજે અમે જેકંઈ છીએ એ બાપાના આશીર્વાદથી જ છીએ. અમે ઘણી વખત બાપાને સારંગપુરમાં મળવા માટે જતાં હતાં અને છેલ્લે તેમની અંતિમક્રિયામાં દર્શન થયાં હતાં. અમે બાપાના વારસદારો છીએ, એનું અમને ખૂબ ગર્વ છે. અશોકભાઈના પુત્ર પરેશે જણાવ્યું હતું કે બાપાએ મને ખોળામાં બેસાડીને મારું નામ પાડ્યું હતું. 2011માં જ્યારે હું ધો-10માં ભણતો હતો ત્યારે બાપાએ મને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે 5 માળા હું કરીશ, 5 માળા તું કરજે.
સ્વામી ‘બાપા’ની જીવન ઝરમર
– 16 મે 1929ના દિવસે તેમના ગામની શાળામાં શાંતિલાલને પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા હતા
– શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોશિયાર હતા. ઈતિહાસ અને ગણિત તેમના પ્રિય વિષયો હતા
– એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યા બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.
– 22-11-1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી.
– 10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. ત્યાર બાદ તેમનું નામ પડયું નારાયણસ્વરૂપ દાસ સ્વામી.
– પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃતના અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી બન્યા
– વર્ષ 1950માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદૃષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુકત કર્યા.
– ત્યારથી તેમને પ્રમુખ સ્વામીના હુલામણા નામથી ઓળખવામાં આવે છે.
– યુનોની ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌપ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું છે.
– 28 વર્ષની ઉંમરે સારંગપુરમાં કોઠારી સ્વામી તરીકે નિમાયા હતા
– BAPS તરીકે ઓળખાતી બોચાસણ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આદ્ય સંસ્થાપક સાધુયજ્ઞપુરુષ દાસજી એટલે કે શાસ્ત્રી મહારાજ હતા, તેમણે ઈ.સ. 1946માં આ યુવાન સ્વામીને 28 વર્ષની ઉમરે સારંગપુર મંદિરમાં કોઠારી સ્વામી તરીકે નીમ્યા.
– 1950માં નારાયણ સ્વરૂપદાસજી બન્યા પ્રમુખ સ્વામી