પત્નિએ જ પતિ સહિત સાસરીવાળાઓ સામે કરી ફરિયાદ, કારણ જાણી નવાઈ લાગશે
રાજકોટ, : શહેરના યુનિર્વસિટી રોડ ઉપર ગંગોત્રી પાર્ક મેઈન રોડ નજીકના મેકસીકન પામ બિલ્ડીંગમાં રહેતી અમીષાબેન નામની 35 વર્ષની પરિણીતાએ પતિ કેતન, સસરા કમલેશભાઈ ચંદ્રકાન્તભાઈ દોશી, સાસુ હર્ષાબેન (રહે. ત્રણેય 201 શિવમ એપાર્ટમેન્ટ, જલારામ પ્લોટ નં.1, શેરી નં.6, પારસધામ જૈન દેરાસરની સામે, યુનિવર્સિટી રોડ) અને કાકાજી સસરા મુકેશભાઈ ચંદ્રકાન્તભાઈ દોશી (રહે. બી-1901 સિલ્વર હાઈટસ, 150 ફૂટ રીંગ રોડ) વિરૂધ્ધ ત્રાસ આપ્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં અમીષાબેને જણાવ્યું છે કે, તે ગ્રેજયુએટ છે. 2008માં લગ્ન કર્યા હતા. લગ્નજીવનથી બે પુત્રી અને પુત્રની પ્રાપ્તી થઈ હતી. છેલ્લા આઠ માસથી પતિથી અલગ રહે છે. લગ્ન બાદ એક વર્ષ સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. બાદમાં પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાની તેને જાણ થઈ ગઈ હતી. આ બાબતે પતિ અને સાસુને પૂછતાં બંને કહેતા કે આજકાલ બધા પુરૂષો આવા જ હોય છે, બધાને આવું હોય છે. આમ કહી સાસુ પતિને સપોટ કરતા હતા.
સસરા પણ ગાળો બોલતા હતા. પતિને બધી બાબતે સાસરિયા પક્ષના સભ્યો સપોટ કરતા હતા. સસરા એમ કહેતા કે મારો દિકરો સુધરી જશે, ફરીવાર આવું કરશે નહીં. બાળકોના ભવિષ્યને ખાતર તેણે બધું જતું કર્યું હતું પરંતુ થોડા દિવસો પછી પતિએ અન્ય મહિલા સાથે ફરીથી વાત-ચીત શરૂ કરી દીધી હતી.
આખરે તેના ભાઈ પ્રતિક અને પિતા જયંતભાઈએ કાકાજી સસરાને વાત કરતા તેણે હવે આવું થશે નહીં, અમારો દિકરો સુધરી જશે તેવી ખાત્રી આપતા જતુ કર્યું હતું. તેના કાકાજી સસરા સાસરિયા પક્ષને તેના વિરૂધ્ધ ચડામણી કરી ઘરમાં ડખલગીરી કરતા તેનો ઘરસંસાર બગડયો હતો.
તે જયાર પ્રેગનન્ટ હતી ત્યારે પતિ સંબંધ બનાવવા બાબતે ટોર્ચર કરતો હતો. આ બાબતે સાસુ-સસરાને વાત કરતા કહેતા કે તારે સ્ત્રી થઈને આ બધું સહન કરવું પડશે, તારે અમારી સામે જવાબ આપવાનો નથી, વધારે પડતું બોલવાનું નથી. તેનો પતિ અવારનવાર તેને મારકૂટ પણ કરતા હતા. પ્રેગનન્ટ હતી ત્યારે ઢસડીને લઈ ગયો હતો. પતિ અવાર- નવાર તેની ઉપર મોબાઈલનો ઘા કરતો હતો, અગાઉ તેની અને પુત્રી ઉપર બેગનો ઘા કરી ગાળો ભાંડી હતી, એટલું જ નહીં તેનું ગળું પકડી ઈજા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગઈ તા. 10માર્ચના રોજ પતિએ તેને ધકકો મારી ઘરમાંથી કાઢી મુકી હતી. એકાદ વર્ષ પહેલાં પતિએ પિયરમાં આવીને મારામારી પણ કરી હતી. આમ છતાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સાસરે જતી રહી હતી. સાતથી આઠ વખત સમાધાનના પ્રયાસો કર્યા હતા પરંતુ પતિ સુધર્યો ન હતો. તેના સોનાના દાગીના પણ સાસરિયા પાસે છે. પતિએ સોનાના દાગીના ચોરી ગયાનો પણ આરોપ મૂકયો હતો. એટલું જ નહીં ચારિત્ર્ય ઉપર પણ શંકાઓ કરી માનસિક ત્રાસ આપતા આખરે ફરિયાદ નોંધાવી હતી.