આમિર ખાનના ભાઈ ફૈસલનો આરોપ – સુશાંત સિંહની હત્યા જ થઈ હતી
મુંબઈ : અભિનેતા આમિર ખાનના ભાઈ ફૈસલે આરોપ મુક્યો છે કે અભિનેતા સુશાંત સિંહની હત્યા જ થઈ છે પરંતુ બધી એજન્સીઓએ સાથે મળીને સત્યને દબાવી દીધું છે.
સુશાંત સિંહ રાજપૂતનાં શંકાસ્પદ સંજોગોમાં મોતને બે વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી તેને લગતો વિવાદ શાંત થતો નથી. હવે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના ભાઈ ફૈસલે જણાવ્યું છે કે સુશાંત સિંહની હત્યા જ થઈ હતી એ નક્કી છે, તેણે આત્મહત્યા કરી નથી.
ફૈસલના જણાવ્યા અનુસાર આ કેસ ક્યારે ખુલશે તેની ખબર નથી. આમાં બહુ બધી એજન્સીઓ સંકળાયેલી છે. પરંતુ કેટલીય વાર સત્ય સામે નથી આવતું. હું પ્રાર્થના કરી રહ્યો છું કે આ કેસમાં સત્યની બધાને જલ્દીથી જાણ થાય.
ફૈસલે પોતાના પરિવાર પર પણ આક્ષેપો કર્યા છે. તેના જણાવ્યા અનુસાર મને પાગલ ઠેરવી દેવામાં આવ્યો હતો. ઘરમાં નજરકેદ કરી દેવાયો હતો. મને જાતભાતની દવાઓ આપવામાં આવતી હતી. મારી પાસેથી ફોન પણ આંચકી લેવામાં આવ્યો હતો.
તેના દાવા અનુસાર તેને સલમાન ખાનની બિગ બોસની ઓફર મળી છે જોકે ત્યાં લડાઈ ઝઘડા જ વધારે થતા હોવાથી પોતે તેમાં ભાગ લેવા ઈચ્છતો નથી.
ફૈસલને મદહોશ ફિલ્મથી બ્રેક મળ્યો હતો. જોકે, તે અભિનેતા તરીકે ચાલ્યો ન હતો અને બોલિવૂડની રેસમાંથી બહાર ફેંકાઈ ગયો હતો.