GUJARAT

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બંધ પડેલી ટ્રક પાછળ કાર ઘૂસી ગઇ, 3 મિત્રોના મોત

આણંદ : મિત્રની બર્થ-ડે પાર્ટી ઉજવવા માટે વડોદરા જતા અમદાવાદના પાંચ યુવકોને વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ તાલુકાના વહેરાખાડી ગામની સીમમાં બંધ પડેલી ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત નડયો હતો. તેમાં બર્થ-ડે બોય સહિત ૩ યુવાનના મોત થતા બર્થ-ડેનો દિવસ માતમમાં છવાઈ ગયો હતો. પાંચ મિત્રો પૈકી બર્થ-ડે બોય સહિત બેના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ન્યુ મણીનગર વિસ્તારમાં પ્રતાપસિંહ ચંદ્રસિંહ નરવાણ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ટીફીન સેવાનો ધંધો કરે છે. તેઓના ૧૭ વર્ષીય પુત્ર અમનનો આજે જન્મદિવસ હોઈ રવિવારે મધ્યરાત્રિના બાર કલાકે પોતાના ઘરે કેક કટીંગ કર્યા બાદ અમન ફ્લેટના નીચેના ભાગે બેસવા ગયો હતો. જ્યાં તેણે હું મિત્રો સાથે જમવા જાઉં છું તેમ માતાને ફોન કરીને જણાવ્યું હતું. મધ્યરાત્રિએ અમનની માતાએ બેથી ત્રણ વખત તેનો ફોનથી સંપર્ક કરતા થોડી વારમાં આવું છું તેમ જણાવ્યું હતું.

અમન તેના સાથી મિત્રો માર્ક મેક્લીન ક્રિશ્ચિયન (ઉં.વ.૧૯, રહે. બાપુનગર), ધુ્રમીલ સમીરભાઈ બારોટ (ઉં.વ.૨૦ રહે. મણિનગર) તેમજ મંથન દવે અને અભિષેક લક્ષ્મણરાવ પવાર સાથે એક કારમાં સવાર થઈ બર્થ-ડેની ઉજવણી કરવા માટે વડોદરા તરફ નીકળ્યા હતા. દરમિયાન આજે વહેલી પરોઢના સુમારે તેઓની કાર વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેરાખાડી ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે માર્ગની સાઈડમાં ઉભેલ એક ટ્રકની પાછળના ભાગે કાર ધડાકાભેર અથડાઈ હતી.

કારની સ્પીડ વધુ હોવાના કારણે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર માર્ગની સાઈડમાં આવેલ રેલીંગ સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અમન તથા માર્ક ક્રિશ્ચિયનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. વહેલી પરોઢના સુમારે એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતને લઈ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો ત્યાં દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

બીજી તરફ આ અકસ્માત અંગે ખંભોળજ પોલીસને જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ધુ્રમીલ બારોટ, મંથન દવે અને અભિષેક પવારને તુરત જ ૧૦૮ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ધુ્રમીલ બારોટનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

બર્થ-ડેની ઉજવણી કરવા માટે નીકળેલ નવયુવાનોને માર્ગમાં મોતનો ભેટો થતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મૃતકના પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચી આક્રંદ કરતા સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે કાર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *