ચેતવણીરૂપ કિસ્સો – ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટતાં 7 વર્ષીય બાળકનું મૃત્યુ
મુંબઈ પાસે વસઈમાં ઘરમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ચાર્જ થઈ રહી હતી ત્યારે વિસ્ફોટ થતા સાત વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. માણિકપુર પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે. બેટરી ઓવર ચાર્જ થતા કે શોર્ટ સર્કિટને લીધે વિસ્ફોટ થયો હોવાની શંકા છે.
હાલમાં પેટ્રોલ, ડિઝલની કિંમત વધી જતા લોકો ઈલેક્ટ્રિક વાહનોને પસંદ કરી રહ્યા છે. જો કે ઈલેક્ટ્રિક વાહનોની બેટરીને કારણે આગ લાગવાની ઘટનાને લીધે ચિંતાનો વિષય બની ગયો છે.
વસઈ (પૂર્વ)માં રામદાસ નગરમાં રહેતા શાહનવાઝ અંસારીએ રાતે પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ચાર્જિંગ માટે ઘરના હોલમાં રાખી હતી પરંતુ વહેલી સવારે ૫.૩૦ વાગ્યે બેટરીમાં સ્ફોટ થયો હતો. હોલમાં સૂઈ રહેલા સાત વર્ષીય પુત્ર શબ્બીર અને તેની માતા રૂકસાનાને ઈજા થઈ હતી.
માસૂમ શબ્બીર ૭૦થી ૮૦ ટકા દાઝી ગયો હતો. બેટરીના સ્ફોટને કારણે ઘરમાં ભીષણ આગ લાગી હતી. ઘરમાં સામાન સળગીને ખાત થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત શબ્બીરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સ્કૂટરની કંપનીની બેદરકારીને લીદે આ ઘટના બની હોવાનો આરોપ મૃતક બાળકને પરિવારે કર્યો છે.