યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમતાં ઈ – સિગારેટના ધુમાડા કાઢતી યુવતી જોવા મળી
વડોદરા શહેરના જાણીતા યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં ચાલુ રાસ ગરબાએ ગરબામાં રમતા રમતા ઇ -સિગારેટના ધુમાડા કાઢતી યુવતીનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રી પર્વ દરમિયાન આ પ્રકારની હરકતથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ મામલે જાગૃત એડવોકેટે યુવતીને પાઠ ભણાવવા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.
એક તરફ વડોદરા કોર્પોરેશન વર્ષોથી વડોદરા વાસીઓની સેવા અને સુવિધાના નામે માત્ર પ્રતિદિન એક રૂપિયાના ભાડાપટ્ટે ગરબા આયોજકોને મેદાન ફાળવી કોમર્શિયલ ધંધાની છૂટ આપે છે. જેના કારણે પવિત્ર નવરાત્રી પર્વ કોમર્શિયલ સ્વરૂપે નજરે ચડે છે. કોર્પોરેશનને રૂપિયા નવ દિવસના એક રૂપિયા લેખે 09 દિવસ નું રૂ.9 ભાડું મળે છે. જેની સામે આયોજકો 300 રૂપિયાથી લઈને 01 હજાર રૂપિયા સુધીના પાસની કિંમત સાથે ખાણીપીણીના સ્ટોલ ઊભા કરે છે. તદુપરાંત ઘણા ગરબા સ્થળોએ તો પાસ બ્લેક થતા 5 હજાર સુધીની બોલી પણ બોલાય છે.
આ પરિસ્થિતિ વચ્ચે શાસકો મૌન બની તમાશો જોવે છે. ખાસ કરીને તાજેતરમાં યુનાઇટેડ વે ગરબા ભારે વિવાદમાં રહ્યા છે. શરૂઆતથી જ ખેલૈયાઓને મેદાનમાં કાકરા વાગતા યુનાઇટેડ વેના આયોજકો સામે બળાપો કાઢ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે પણ પરિસ્થિતિ યથાવત રહેતા ખેલૈયાઓએ કાંકરા સ્ટેજ ઉપર ફેંકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ત્યારબાદ ખેલૈયાઓના આઈકાર્ડ બ્લોક થતા પણ વિવાદ સર્જાયો હતો. તેવામાં હવે ગરબે ઘૂમતી યુવતી ઇ સિગારેટનો કસ મારી ધુમાડાના ગોટેગોટા મેદાનમાં છોડતા ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ મામલે પોલીસ કમિશનરે પણ લાલા આંખ કરી છે. તો બીજી તરફ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા બદલ શહેરના એડવોકેટ વિરાટસિંહ વાઘેલાએ માંજલપુર પોલીસ મથકે તેમજ પોલીસ કમિશનરની કચેરીએ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.