વડોદરાની યુવતી સાથે લગ્ન કરનાર દિલ્હીના ટ્રાન્સજેન્ડર પતિ ડો. વિરાજની ધરપકડ
વડોદરાઃ વડોદરાની પરિણીતા સાથે જાતિ છુપાવી લગ્ન કરનાર દિલ્હીના ડો.વિરાજની આખરે પોલીસે ધરપકડ કરી છે.આવતીકાલે તેને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરાની પરિણીતા સાથે મેટ્રોમોનિયલ સાઇટ પરથી લગ્ન કરનાર દિલ્હીનો ડો.વિરાજ કોલકત્તામાં ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવીને પુરૃષ બન્યો હોવાની જાણ થતાં પરિણીતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ગોત્રીના પીઆઇ કે કે જાદવ અને ટીમે દિલ્હીથી આરોપીની અટકાયત કરી હતી.
પોલીસ માટે સૌથી મોટો સવાલ એ ઉભો થયો હતો કે આરોપીને સ્ત્રી તરીકે કે પછી પુરૃષ તરીકે ગણવો.જેથી પોલીસ દ્વારા મેડિકલ અભિપ્રાય માટે બે દિવસથી સિવિલ હોસ્પિટલમાં પ્રોસિજર કરાવવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત પોલીસ દ્વારા વકીલોની પણ સલાહ લેવામાં આવી રહી છે.
આખરે પ્રાથમિક અભિપ્રાય બાદ ગોત્રી પોલીસે આજે ડો.વિરાજની સત્તાવાર રીતે ધરપકડ કરી છે.હાલ પુરતો તેને પુરૃષ તરીકે દર્શાવવામાં આવશે.ત્યારબાદ તબીબી અભિપ્રાયની કોર્ટને જાણ કરાશે.પોલીસ દ્વારા ટ્રાન્સજેન્ડર માટે સર્જરીની વિગતો મેળવવા તેમજ અન્ય સબંધીઓની તપાસ માટે રિમાન્ડની તજવીજ કરવામાં આવનાર છે.
વડોદરાની પરિણીતા સાથે છેતરપિંડી કરવાના બનાવમાં પોલીસે પકડાયેલો ટ્રાન્સજેન્ડર આરોપી સેક્સ્યુઅલ રિલેશન માટે સક્ષમ છે કે કેમ તે માટે તબીબી અભિપ્રાય માંગ્યો છે.
પોતે સ્ત્રી હોવા છતાં વડોદરાની મહિલા પાસે તે વાત છુપાવનાર દિલ્હીના ડો.વિરાજે જાતિય પરિવર્તન માટે કોલકત્તામાં સર્જરી કરાવી હોવાની વિગતો ખૂલતાં મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
આ બનાવમાં ગોત્રી પોલીસના પીઆઇ એમ કે ગુર્જર પણ તપાસમાં જોડાયા છે.તેમણે કહ્યું હતું કે,ડો.વિરાજે જેન્ડર ચેન્જ કરાવી તે માટે તબીબી અભિપ્રાય લેવાયો છે.આ ઉપરાંત તેણે પોતે કહ્યું છે કે,હંુ શારીરિક સબંધ રાખવા સક્ષમ નથી.પરંતુ પોલીસે આ માટે પણ તબીબી અભિપ્રાય માંગ્યો છે.
દિલ્હી પોલીસ પાસે મદદ ના મળી
વડોદરાની પરિણીતાએ તેની સાથે થયેલી છેતરપિંડી અંગે દિલ્હી પોલીસને જાણ કરી હતી.પરંતુ દિલ્હી પોલીસ પાસે કોઇ મદદ મળી નહતી.જેથી તેણે વડોદરા આવી પોલીસને ફરિયાદ કરી હતી.મે મહિનામાં ગોત્રી પોલીસને કરેલી અરજીની તપાસ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.