ટ્રાન્સજેન્ડર ડો. વિરાજના હાડકાં પરથી તે પહેલાં સ્ત્રી હોવાનું તબીબોનું અનુમાન
વડોદરાઃ દિલ્હીના ટ્રાન્સજેન્ડર ડો.વિરાજ પહેલાં સ્ત્રી હોવાનો પોલીસને પ્રાથમિક તબીબી અભિપ્રાય મળ્યો હોવાની વિગતો જાણવા મળી છે.
વડોદરાની પરિણીતા સાથે મેટ્રિમોનિયલ સાઇટ પરથી લગ્ન કરનાર દિલ્હીનો ડો.વિરાજ શારીરિક સબંધોથી દૂર રહેતો હોવાથી પત્નીને શંકા ગઇ હતી. તેણે તપાસ કરતાં વિરાજ સ્ત્રીમાંથી પુરૃષ બન્યો હોવાની વિગતો બહાર આવી હતી. આ ઉપરાંત વિરોજે પરિણીતાના નામે રૃ. ૯૦ લાખની લોન પણ લઇ લીધી હતી.
પરિણીતાની ફરિયાદને પગલે ગોત્રીના પીઆઇ એમ કે ગુર્જર અને કે કે જાદવે વિરાજની પૂછપરછ કરતાં તેણે જાતિ બદલાવી હોવાની અને તેની સર્જરી ફેલ ગઇ હોવાથી તે સેક્સ્યુઅલ રિલેશન રાખી શકે તેમ નહીં હોવાની કબૂલાત કરી હતી.
વિરાજ સામે ગંભીર આક્ષેપો કરનાર પરિણીતાની ફરિયાદને આધારે ગોત્રી પોલીસે સયાજી હોસ્પિટલના ડોક્ટરો પાસે વિરાજનું મેડિકલ ચેકઅપ કરાવી તેનો અભિપ્રાય માંગ્યો હતો. ડોક્ટરોના પ્રાથમિક અભિપ્રાય મુજબ હાડકાંના અભ્યાસ પરથી વિરાજ પહેલાં સ્ત્રી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.આમ છતાં ફોરેન્સિક લેબોરેટરીનો સત્તાવાર રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.