GUJARAT

મેઘાડંબર અને વીજ કડાકા-ભડાકા સાથે અમદાવાદ પર વરસાદનું આક્રમણ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રવિવારે દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં આવેલા પલટાની સાથે સમગ્ર શહેરમાં ભારે વીજ કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી.સાંજે છથી આઠના બે કલાકની અંદર સમગ્ર શહેરમાં તીવ્ર ગતિથી વરસેલા વરસાદને પગલે મીઠાખળી અને મકરબા,પરિમલ અંડરપાસમાં પાણી ભરાતા મ્યુનિ.તંત્રને પાણી નિકાલ માટે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.

વાસણા બેરેજનું પાણીનું લેવલ જાળવવા માટે બેરેજના આઠ દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. શહેરના પાલડીમાં ૧૦ ઈંચ જ્યારે ઉસ્માનપુરા-બોડકદેવમાં ૮ ઈંચ વરસાદ જ્યારે અન્યત્ર સરેરાશ પાંચ ઈંચથી વધુ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ઉસ્માનપુરા વિસ્તારમાં અડધો કલાકની અંદર ત્રણ ઈંચ વરસાદ ખાબકયો હતો.

રવિવારે સાજે છ કલાકે વાતાવરણમાં આવેલા પલટાની સાથે શહેરના બોપલ, ચાંદખેડા, ગોતા ઉપરાંત સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં ભારે વીજ કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.એસ.જી.હાઈવે તથા મકરબા,ગોતા,સરખેજની સાથે સાબરમતી,ન્યૂ રાણીપ તથા આશ્રમરોડ,વાડજ અને ઉસ્માનપુરા,પાલડી,વાસણા વિસ્તારમાં જોતજોતામાં વરસાદી પાણી વિવિધ રોડ ઉપર ફરી વળ્યા હતા.

આ તરફ શહેરના બોપલ રિંગ રોડ, સિંધુ ભવન રોડ, થલતેજ અને વેજલપુરમાં પણ ગતિ સાથે વરસાદ વરસવાની શરુઆત થતા રવિવારની રજા માણવા નિકળેલા શહેરીજનો વરસાદથી બચવાના સ્તોત્ર શોધવા લાગેલા જોવા મળ્યા હતા.અમદાવાદ પૂર્વમાં આવેલા ઓઢવ ઉપરાંત વિરાટનગર,ચકુડીયા તથા નારોલ સહિતના મધ્યમાં આવેલા ખાડિયા,રાયપુર,માણેકચોક તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ દૂધેશ્વર વિસ્તારમાં સાંજે સાતથી આઠ સુધીના એક કલાકમાં ભારે વરસાદ વરસી પડતા સર્વત્ર પાણી-પાણી જોવા મળી રહ્યુ હતું.

ઝડપથી વરસી પડેલા વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા મ્યુનિ.અધિકારીઓને સુચના આપતા શહેરમાં આવેલા અખબારનગર અંડરપાસમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

વાસણા બેરેજ ખાતે પાણીનું લેવલ ૧૨૮.૫૦ ફૂટ જાળવી રાખવા માટે બેરેજના ગેટ નંબર-૧૭થી ૨૪ નંબરના ગેટ ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા.શહેરના પૂર્વમાં આવેલા નારોલ ઉપરાંત મણિનગર તથા ઓઢવમાં જે પ્રમાણે એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો એને લઈ વિવિધ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.શહેરના ઉત્તરમાં આવેલા મેમ્કો ઉપરાંત નરોડા અને કોતરપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદના પગલે નિચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ફાયર ડિપાર્ટમેન્ટને બોડકદેવ અને ઈસનપુરમાં વૃક્ષ પડયાની જાણ કરાઇ છે. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે વૃક્ષ ધરાશાઇ થવાનો આ સત્તાવાર આંક હજુ ઊંચે જાય તેવી સંભાવના છે.

મેઘરાજાની તોફાની બેટિંગથી અમદાવાદ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. અનેક ઓફિસ, સોસાયટી, એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ઘુસી જતાં વાહનો ડૂબ્યા હતા. આ ઉપરાંત અનેક રસ્તામાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

રવિવારે સાંજના સમયે શહેરના વિવિધ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે થલતેજમાં આવેલા વિહારધામ એપાર્ટમેન્ટમાં લોકોના ઘરમાં ગટરના પાણી ફરી વળતા આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાઈરલ થવા પામ્યો હતો.આ ઉપરાંત જીવરાજપાર્ક વિસ્તારમાં મેટ્રો રુટ ઉપર તેમજ કેશવબાગ સહિતના વિસ્તારમાં વિવિધ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક રહીશો પારાવાર હાલાકીમાં મુકાયેલા જોવા મળ્યા હતા.

શહેરમાં રવિવારે સાંજે પડેલા ભારે વરસાદના પગલે ઈસનપુર વિસ્તારમાં નિચાણવાળા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા નવરચના સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા.

શહેરમાં સતત ત્રીજા દિવસે પડેલા ભારે વરસાદને કારણે શહેરની સ્થિતિ દયનીય બની ગઇ હતી. જેમાં આશ્રમ રોડથી સરખેજ સુધી હજારો વાહનચાલકો પાણીમાં ફસાઇ ગયા હતા. જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ થઇ હતી. જ્યારે રીવરફ્રન્ટના બંને રસ્તાને પણ બંધ કરવાની ફરજ પડી હતી.

રવિવારે સાંજથી શરૃ થયેલા ધોધમાર વરસાદે રોદ્ર સ્વરૃપ ધારણ કરતા શહેરની સ્થિતિ ફરીથી વણસી હતી. જેમાં આશ્રમ રોડ પર પાલડીથી સરખેજ સુધી મોટા પ્રમાણમાં પાણી ભરાતા કલાકો સુધી લોકો ફસાયા હતા. જેમાં ૧૦૮ની એમ્બ્યુલન્સ પણ ફસાતા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *