GUJARAT

એક સમયે ધીરૂભાઈ અંબાણીની હાલત ગૌતમ અદાણીની જેવી થઈ હતી પછી…..

અદાણી મુશ્કેલીમાં છે. હિન્ડેનબર્ગનો અહેવાલ પબ્લિશ થયા પછી, તેમની કંપનીઓના શેર ઊંધેકાંધ પડ્યા. વિશ્વના અમીરોની યાદીમાં તે ત્રીજા નંબરથી 17મા નંબર પર આવી ગયા છે. લોકોના મનમાં એક જ સવાલ છે – અદાણી બાઉન્સ બેક કેવી રીતે કરશે. શેરબજારના ઈતિહાસને જોઇએ તો ખબર પડશે કે એક વખત ધીરુભાઈ અંબાણી પણ આવી જ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. જ્યારે કોલકાતાની બીયર કાર્ટેલે રિલાયન્સના શેરને નીચે લાવવા દિવસ-રાત એક કરી દીધા હતા. જાણીશું કે શું છે ધીરુભાઈ અંબાણી સાથે જોડાયેલા 1982નો કિસ્સો…

આ સ્ટોરીની મોટાભાગની વાતો ઓસ્ટ્રેલિયાના પત્રકાર હામિશ મેક્ડોનાલ્ડે લખેલા પુસ્તક ‘અંબાણી એન્ડ સન્સ’ અને ગીતા પીરામલના પુસ્તક ‘બિઝનેસ મહારાજાસ’માંથી લેવામાં આવી છે.

શેર બજારમાં અન્ટ્રી કરતાં જ અંબાણીએ 7 ગણો નફો કર્યો હતો
નવેમ્બર 1977ની વાત છે. ધીરુભાઈ અંબાણીએ તેમની કંપની રિલાયન્સને શેરબજારમાં રજીસ્ટર કરાવવાનું નક્કી કર્યું. આ સમયે રિલાયન્સે શેર દીઠ 10 રૂપિયાના દરે લગભગ 28 લાખ ઇક્વિટી શેર જાહેર કર્યા. શેરનું વેચાણ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO સાથે શરૂ થાય છે. આઈપીઓ બહાર પડતાંની સાથે જ રિલાયન્સના શેરમાં ધૂમ મચી ગઈ હતી.

તેમની કંપનીના શેરમાં લોકોની રુચિ જોઈને અંબાણીના ઈરાદા મજબૂત બન્યા. ટૂંક સમયમાં જ અંબાણીને શેરબજારની બારીકાઈ સમજાઈ ગઈ. કંપની અને બ્રોકર શેરબજારમાં જે રમત રમતા હતા તેની તેમને ખબર પડી.

એક વર્ષ પછી, 1978 માં, રિલાયન્સ કંપનીના શેરની કિંમત 5 ગણી વધીને 50 રૂપિયા થઈ ગઈ. પછી 1980માં એક શેરની કિંમત વધીને 104 રૂપિયા થઈ અને 1982 સુધીમાં તે 18 ગણી વધીને 186 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ. આ તે સમય હતો જ્યારે અંબાણી દેશ અને દુનિયાના સ્ટોક બ્રોકરોની નજરમાં ખટકવા લાગ્યા હતા. પછી કંઈક એવું બન્યું જેના પછી અંબાણી શેરબજારના મસીહા બની ગયા.

જ્યારે કોલકત્તામાં શેર દલાલોએ અંબાણીની હાલત અદાણી જેવી કરી નાંખી
શેરબજારના મોટા બ્રોકરો માટે આ બે શબ્દોનો વ્યાપક ઉપયોગ થાય છે. એક બીયર એટલે રીંછ અને બીજો બળદ એટલે બળદ. હવે પહેલાં જાણો આ બંને વિશે…
શેર બજારનું બિયર એટલે રીંછ: શેરોની કિંમત ઘટાડીને તેને બીજીવાર ખરીદીને નફો કમાય છે. તેને અંગ્રેજીમાં બિયર એટલે રીંછ કહે છે.
શેર માર્કેટનો બુલ એટલે બળદ: જે લોકો શેર ખરીદીને તેના ભાવ વધારે છે અને ફરી તેને ઊંચી કિંમતે વેંચીને નફો કમાય છે, તેને અંગ્રેજીમાં બુલ એટલે બળદ કહે છે.

1982માં રિલાયન્સના શેરના ભાવમાં તેજી જોવા મળી હતી. રિલાયન્સ કંપનીમાં 24 લાખથી વધુ રોકાણકારો જોડાયા હતા. તે જ સમયે રિલાયન્સે રોકાણકારો પાસેથી નાણાં ઉછીના લેવા માટે ડિબેન્ચર જાહેર કર્યા હતા. વાસ્તવમાં, ડિબેન્ચર્સ એ કંપનીઓ માટે વ્યાજ થકી મૂડી એકત્ર કરવાનો એક રસ્તો છે. જેઓ ડિબેન્ચર ખરીદે છે તેમને ધિરાણના બદલામાં તેમના નાણાં પર નિશ્ચિત વ્યાજ મળે છે.

આ રીતે જેમ જેમ ધંધો વધતો ગયો, રિલાયન્સના શેરની કિંમત તેટલી વધતી ગઈ, રોકાણકારો પાસેથી લીધેલી લોન ઓછી થઈ. ધીરુભાઈ અંબાણીને અપેક્ષા હતી કે આગામી કેટલાક વર્ષો સુધી તેમના શેર આ જ રીતે વધતા રહેશે, પરંતુ ત્યારે જ કોલકાતામાં બેઠેલા શેરબજારના કેટલાક દલાલોએ રિલાયન્સના શેરને નીચે પાડવાનો નિર્ણય કર્યો.

18 માર્ચ, 1982ના રોજ અચાનક રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડો થવા લાગ્યો. શેરબજારના દલાલોના પૂર્વ આયોજિત કાવતરાંને કારણે આ બધું થઈ રહ્યું હતું. તે રિલાયન્સના શેરની કિંમત ઘટાડીને નફો મેળવવા માંગતા હતા. આ કરવા માટે, બિયર્સે રિલાયન્સના શેરોનું શોર્ટ સેલિંગ શરૂ કરી દીધું.

અંબાણીના શેરને નીચે લાવવા માટે શોર્ટ સેલિંગ રીત કઈ છે?
શૉર્ટ સેલિંગ એ શેરની ખરીદી અથવા વેચાણ દ્વારા નફો મેળવવાનો એક માર્ગ છે. રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડો કરવા માટે બ્રોકર્સ શોર્ટ સેલિંગ કરી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શેરબજારના દલાલોએ બ્રોકરેજ દ્વારા અન્ય લોકો પાસેથી ઉધાર લઈને બજારમાં રિલાયન્સના શેર વેચવાનું શરૂ કર્યું હતું. આ કારણે કંપનીના શેરની કિંમત ઝડપથી ઘટવા લાગી. બ્રોકરોની એવી યોજના હતી કે તેઓ બ્રોકરેજ પાસેથી ઉછીના લીધેલા શેર બજારમાંથી ઓછા ભાવે ખરીદીને પરત કરશે અને નફો કમાશે.

આ પદ્ધતિમાં એક નિયમ એવો પણ છે કે જો ઉછીના લીધેલા શેરો સમયસર પરત ન થાય તો વળતર તરીકે શેર દીઠ રૂ. 50 ચૂકવવા પડે છે.18 માર્ચ, 1982ના રોજ શેરબજાર ખુલ્યાના અડધો કલાક બાદ જ બિયર્સ શોર્ટ સેલિંગ દ્વારા રૂ. લાખ શેર વેચ્યા. એકસાથે આટલા શેરના વેચાણને કારણે રિલાયન્સના એક શેરની કિંમત 131થી ઘટીને 121 રૂપિયા થઈ ગઈ હતી. કોલકાતાના બ્રોકરોએ વિચાર્યું હતું કે શેરબજારનો કોઈ મોટો દલાલ ડૂબતો સ્ટોક ખરીદશે નહીં.

આ રીતે, શેરના ભાવમાં સતત ઘટાડો થશે અને બજારમાં ગભરાટના કારણે શેરની કિંમત સંપૂર્ણપણે તૂટી જશે. હિંડનબર્ગ અત્યારે અદાણીની કંપની સાથે જે કરી રહ્યું છે તેના જેવું જ આ હતું. આવી સ્થિતિમાં રિલાયન્સનું ડૂબવું નિશ્ચિત જણાતું હતું.

પછી ધીરૂભાઈ અંબાણીએ બિયર્સને દાવને ઊંધો પાડી દીઘો
ધીરુભાઈ અંબાણીને ખબર પડી હતી કે કોલકાતામાં બેઠેલા શેરબજારના દલાલો રિલાયન્સના શેરના ભાવ તોડી રહ્યા છે. આ પછી, વિલંબ કર્યા વિના, અંબાણીએ વિશ્વભરના ટોચના બુલ બ્રોકરોનો સંપર્ક કર્યો.

હવે અંબાણીના પક્ષમાંથી ઘણા ટોચના બુલ બ્રોકરોએ પણ શેરબજારમાં ઝંપલાવ્યું હતું. હવે એક બાજુ કોલકાતામાં બેઠેલા બિયર્સ દલાલો આડેધડ શેર વેચી રહ્યા હતા. બીજી તરફ અંબાણીના સમર્થકો બુલ દલાલના શેર ખરીદી રહ્યા હતા.

18 માર્ચની સાંજે દિવસના અંતે શેર રૂ.125 પર બંધ થયો હતો. ધીરુભાઈને ઈનપુટ મળ્યું હતું કે કોલકાતાનો એક દલાલ એક અઠવાડિયાના વાયદા પર શેરનું શોર્ટ સેલિંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, અંબાણીએ એ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે કોઈ પણ રીતે શેરની કિંમત એક અઠવાડિયા સુધી વધુ ન ઘટે. જો આવું થયું તો કોલકાતાના બ્રોકરોને કાં તો ઊંચા ભાવે શેર ખરીદીને લોનની ચુકવણી કરવી પડશે કાં પછી ઉછીના લીધેલા શેર પર નુકસાની વેઠવી પડશે. શેરના ભાવ ડાઉન થાય તો નુકસાન બંને બાજુ હતું.

ત્રણ દિવસમાં રિલાયન્સના 11 લાખ શેર વેચાયા હતા અને તેમાંથી લગભગ 8.5 લાખ શેર અંબાણીના જ બ્રોકર્સે ખરીદ્યા હતા. આ જાણીને કોલકાતાના દલાલોના હોશ ઉડી ગયા. તેમની અપેક્ષાથી વિપરીત, શેરના ભાવમાં રૂ.131થી વધુનો વધારો થયો. હવે બિયર્સને શેરની ચૂકવણી કરવા માટે ઊંચા ભાવે શેર ખરીદવા પડત. જો તેણે આમ ન કર્યું હોત તો તેણે પ્રતિ શેર 50 રૂપિયા ચૂકવવા પડ્યા હોત.

સમજૂતી કરાવવા માટે ત્રણ દિવસ શેર માર્કેટ બંધ રાખવું પડ્યું
બિયર્સ સંપૂર્ણપણે ધીરુભાઈ અંબાણીની જાળમાં ફસાઈ ગયા હતા. તેણે આ મામલો થાળે પાડવા માટે બુલ્સ પાસે સમય માંગ્યો હતો, પરંતુ અંબાણીના બ્રોકર બુલ્સે સમય આપવાનો ઇનકાર કરી દીધો. આ પછી મામલો થાળે પાડવા માટે ખુદ શેરબજારના અધિકારીઓએ વચ્ચે આવવું પડ્યું હતું.

પરિણામ એ આવ્યું કે શેરબજાર 3 દિવસ સુધી બંધ રહ્યું. અંબાણી કોલકાતામાં બેઠેલા બિયર્સને પાઠ ભણાવવા માંગતા હતા, એટલા માટે તેઓ 3 દિવસ સુધી પોતાની જીદ પર અડગ રહ્યા. 10 મે, 1982ના રોજ, રિલાયન્સના શેરે શેરબજારમાં આસમાની શરૂઆત કરી.

હવે અંબાણી શેરબજારના મસીહા બની ગયા હતા. ગીતા પીરામલે તેમના પુસ્તક ‘બિઝનેસ મહારાજાઝ’માં લખ્યું છે કે રિલાયન્સમાં રોકાણ કરનારા રોકાણકારોને આનો સૌથી વધુ ફાયદો મળ્યો.

અંબાણીના શેર ખરીદનારા ‘શાહ’ કોણ, હજી ખબર પડી નથી
શેરબજાર ખુલ્યા પછી ઘણા દિવસો સુધી રોકાણકારો અંબાણીના શેરમાં પૈસા રોકતા રહ્યા, જેના કારણે શેરની કિંમત ઊંચી રહી. આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે આ સંકટમાંથી અંબાણીને બચાવનાર બુલ્સ કોણ હતા?

બાદમાં, તત્કાલિન નાણામંત્રી પ્રણવ મુખર્જીએ સંસદમાં જવાબ આપ્યો હતો કે 1982 અને 1983 વચ્ચે, એક NRIએ તેનું નામ જાહેર કર્યા વિના અંબાણીના શેરમાં 22 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તે સમયે આ મોટી રકમ હતી.

થોડા દિવસો પછી ખબર પડી કે પૈસાનું રોકાણ ફિકાસો અને લોટા નામની કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કંપનીઓનો માલિક ‘શાહ’ નામની વ્યક્તિ હતી. આ શાહ કોણ હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, બાદમાં આરબીઆઈએ તેની તપાસમાં રિલાયન્સને ક્લિનચીટ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *