14 વર્ષની દિકરીને દફનાવવા પિતાએ ખાડો ખોદ્યો અને પોલીસ પહોંચી ગઈ પછી…….
ઔદ્યોગિક એકમોથી ધમધમતા હજીરાની નાયકા કંપનીની પાછળ જંગલમાં ગત મોડી રાતે તરૂણીની બારોબાર દફનવિઘી કરવામાં આવી રહી હોવાની જાણ થતા હજીરા પોલીસ દોડ ગઇ હતી. પોલીસે દફનવિધી અટકાવી મૃતદેહનો કબ્જો લઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે પરિવારની હાથ ધરેલી પૂછપરછમાં તરૂણીએ આપઘાત કર્યાનું અને સામાજીક રીવાજ મુજબ દફનવિધી કરવા ખાડો ખોદયાની અને કાયદાથી અજાણ હોવાનું પિતાએ કબૂલાત કરી હતી.
હજીરા વિસ્તારની નાયકા કંપનીની પાછળ જંગલ ખાતાની જમીનમાં ઝાડીમાં ગત રાતે દસ વાગ્યાના અરસામાં કેટલાક લોકો ખાડો ખોડી રહ્યા હતા અને બાજુમાં મૃતદેહ હતો. સ્મશાન ભુમિને બદલે જંગલમાં ઝાડી વચ્ચે દફનવિધી માટે ખાડો ખોડવાની બાબતથી અચરજ પામેલા ટ્રક ડ્રાઇવર આફતાબ આલમે ટ્રાન્સપોર્ટ ઓફિસના મેનેજર સાજન શૈલેષ પટેલ (રહે. વાપર સ્ટ્રીટ, હજીરા, તા. ચોર્યાસી) ને જાણ કરી હતી. સાજને તુરંત જ હજીરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો નાયકા કંપનીની પાછળ જંગલમાં ઘસી ગઇ હતી.
પોલીસે વાંસ અને બાવળના લાકડાથી તૈયાર કરવામાં આવેલી થાથડી પર સફેદ કલરની ચુંદડી અને લાલ તથા કોફી કલરની સાડીમાં લપેટાયેલો તરૂણીનો મૃતદેહ કબ્જે લઇ મૃતક અંગેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મૃતક હજીરાના માતા ફળીયામાં રહેતા મૂળ બિહારના સેફુલ જિલ્લાના રહેવાસી શ્રમજીવી પરિવારની સારીકાદેવી (ઉ.વ. 14 નામ બદલ્યું છે) નો અને ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યાનું બહાર આવ્યું હતું.
સારીકાદેવીએ આપઘાત કર્યો હોવા છતા પોલીસને જાણ કર્યા વિના બારોબાર જંગલમાં દફનવિધી કરવાની બાબતને પગલે તરૂણી સાથે કોઇ અઘટિત ઘટના બની હોવાની આશંકા ગઇ હતી. જેથી પોલીસે સારીકાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા તેણીએ ફાંસો ખાઇ આપઘાત કર્યાનું તબીબોએ જણાવ્યું હતું.
જેથી પોલીસે તેના માતા-પિતા તથા પડોશીની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં બપોરના અરસામાં માતા-પિતા મજૂરીએ ગયા હતા અને નાની ત્રણ બહેન અને ભાઇ રહેણાંક ઝુંપડાની બહાર રમી રહ્યા હતા ત્યારે ફાંસો ખાઇ આપઘાત કર્યાની કબૂલાત કરી હતી. ઉપરાંત પોલીસને જાણ કર્યા વિના બારોબાર દફનવિધી બાબતે તેના પિતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે પોતાના સમાજમાં નાની વયે મૃત્યુ પામનારની દફનવિધી કરવામાં આવે છે અને ફાંસો ખાઇ આપઘાત કરે તો તે અંગે પોલીસને જાણ કરવા બાબતે અજ્ઞાન હોવાનું જણાવ્યું હતું.