રાજકોટના એક ઘરમાં દારૂડિયાઓ દારૂ મહેફિલ માણતાં હતા પછી……..
રાજકોટ : ગુજરાત સરકારના બણગા છતાં રાજયમાં અંગ્રેજી દારૃ છૂટથી વેચાઈ અને પીવાઈ રહ્યો છે તેની પ્રતિતી આજે વધૂ એક વખત રાજકોટવાસીઓને થઈ હતી. પોલીસ માટે શરમજનક એવી ઘટનામાં રૈયા રોડના હનુમાનમઢી પાસે આવેલા તિરૃપતીનગર શેરી નં. ૭માં સ્થિત એક મકાનમાં છેલ્લા છ મહિના છતાં વધુ સમયથી યોજાઈ રહેલી દારૃની મહેફિલ અને દારૃ પીવા આવતા શખ્સોની હરકતોથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓએ આજે જનતા રેડ પાડી હતી. મહેફિલ માણી રહેલા દારૃડિયાઓને મકાનમાં પુરી મહિલાઓએ પોલીસને જાણ કરતાં આખરે પોલીસે આવી ૪ દારૃડિયાઓને પકડી પોતાની આબરૂ બચાવી હતી.
સ્થાનિક મહિલાઓએ રોષભેર જણાવ્યું કે, જે મકાનમાં દારૃની મહેફિલ યોજાઈ છે તે કશ્યપ ઠાકરની માલિકીનું છે. જે મનપામાં ઓફીસર છે. અગાઉ તેને પત્ની અને સંતાનો સાથે માથાકૂટ થતી ત્યારે પાડોશીઓ વચ્ચે પડી છોડાવતા હતા. પત્નીના અવસાન બાદ તેણે પોતાના મકાનને બારમાં તબદિલ કરી દીધું હોય તેમ છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી મકાનમાં મહેફિલો યોજાઈ રહી છે.
આ મકાનમાં આખો દિવસ દારૃડિયાઓની અવરજવર રહે છે. દિવસ દરમિયાન દારૂડિયાઓ રિક્ષા અને વેનમાં આવતા હોય છે સાથે કાળા કલરના ઝબલામાં દારૃની બોટલો પણ લઈ આવે છે. સફેદ પાવડરનું પણ સેવન કરે છે. એટલું જ નહીં દારૃ પીધા બાદ છાકટા બની મોડી રાત્રે ડીંગલ કરતા રહે છે. ફૂલ વોલ્યુમથી ટેપ વગાડી નાચ-ગાન કરે છે. ઘણી વખત એરગનમાંથી ફાયરિંગ પણ કરે છે. પાડોશીઓના વાહનોમાં તોડફોડ કરે છે.
દારૃડિયાઓને પોતાના કપડાનું પણ ભાન રહેતું નથી. આસપાસની મહિલાઓને ખરાબ નજરે જોવે છે. જેને પરિણામે આસપાસની મહિલાઓ ઘરની બહાર પણ નીકળી શકતી નથી. અગાઉ અનેક વખત પોલીસને જાણ કરી છે, પોલીસે ચારેક વખત કેસ પણ કર્યા છે પરંતુ બીજા દિવસે છુટીને ફરીથી મહેફિલ માંડવા આવી જાય છે.
પરિણામે કંટાળીને સ્થાનિક મહિલાઓએ આજે દારૃડિયાઓને પુરી મકાનની બહાર તાળા મારી દીધા હતા. બાદમાં પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. જેણે મકાનમાં તપાસ કરતા નશામાં ધુત ચાર શખ્સો મળી આવતા રિક્ષામાં તમામને પોલીસ સ્ટેશને લઈ જઈ કાર્યવાહી કરી હતી.
સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો કે આઠેક દારૃડિયાઓ મકાનમાં હતા જેમાંથી કેટલાક ભાગી ગયા છે. મહિલાઓએ પોતાને કોઈપણ ભોગે આ ત્રાસમાંથી મુકિત અપાવવા અને મકાન માલીક સહિતનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.