વડોદરામાં બોલિવુડના લોકપ્રીય ગાયક દર્શન રાવલના કોન્સર્ટમાં ભીડ કાબૂ બહાર થઈ, 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઈ ઢળી પડ્યા
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં ઓવર ક્રાઉડ થતાં ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઇ ઢળી પડ્યા હતા. જેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી પડી હતી. 15થી 20 વિદ્યાર્થીઓને તેમના ઘરે છોડવા યુનિવર્સિટીની ગાડીમાં જવું પડ્યુ હતું.
દર્શન રાવલના કાર્યક્રમ માટે 6 વાગ્યે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગેટ ખોલાયો ન હતો. જેમાં ધક્કામૂક્કીને પગલે વિદ્યાર્થીઓના બુટ-ચપ્પલ ખોવાઇ ગયા હતા. કેટલાંકને ઇજા પહોંચતાં વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢી જઇને ગેટ ખોલાવ્યો હતો.
એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં બોલિવુડના યુવાનોમાં લોકપ્રીય ગાયક દર્શન રાલવના કાર્યક્રમમાં ભારે ભીડ થઇ જતા સ્થિતી કાબુ બહાર પહોંચી હતી. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા 6 વાગ્યાથી ટેકનોલોજી ફેકલ્ટીના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રીત થઇ ગયા હતા. ગેટમાં સમયસર એન્ટ્રી નહિ આપવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચડી જઇને ગેટ ખોલાવ્યો હતો.
અડધા કિમી લાંબી લાઇનો વિદ્યાર્થીઓની લાગી હતી. બે થી ત્રણ વિદ્યાર્થીની બેભાન થઇ જવાની ઘટના પણ બની હતી. વિદ્યાર્થી આગેવાને જણાવ્યું હતું કે ભારે ભીડના પગલે વિદ્યાર્થીનીઓ ગૂંગળામણ થતાં બેહોશ થઇ જવા પામી હતી. જેથી 108ને બોલાવી હતી. ટેકનોલોજી ફેકલ્ટીના ગેટ પણ તૂટી ગયો હતો.
ધક્કામૂક્કીના પગલે વિદ્યાર્થીના બુટ,ચપ્પલ ખોવાઇ જવાના તથા વિદ્યાર્થીને ઇજાઓ પણ પહોંચી હોવાની ઘટનાઓ બની હતી. સમયસર ગેટ નહિ ખોલવામાં આવતા વિવાદ થયો હતો અને વિદ્યાર્થીઓને ધક્કામૂક્કીનો સામનો કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓના ફોન ખોવાઇ જવાની ફરીયાદો પણ કરી હતી. ફેકલ્ટીના પટાંગણમાં જયાં કાર્યક્રમ હતો ત્યાં પણ ભારે ભીડ થઇ જતા ગ્રાઉન્ડ પણ ગૂંગળામણ થાય તેવી સ્થિતી સર્જાય હતી.
ટેકનોલોજી ફેકલ્ટીના ગ્રાઉન્ડની ક્ષમતા 3500 પ્રેક્ષકોની હોવા છતાં 7થી 8 હજાર પાસ વહેંચાયા હતા. જેને પગલે ભારે ભીડમાં વિદ્યાર્થીઓના બુટ અને ચંપલો ખોવાઈ જવાની ઘટના બની હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના બુટ-ચંપલ વીખરાયેલા મળ્યા હતા. જોકે વિદ્યાર્થીઓએ વગર બુટ-ચંપલે કાર્યક્રમ નિહાળ્યો હતો.
ભીડને બાઉન્સરો સંભાળી શકે તેવી સ્થિતી રહી ન હતી. ઓવરક્રાઉડને કારણે ધક્કામુક્કી થઇ હતી. વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવા માટે વીજીલન્સ અને બાઉન્સરોએ ભારે જેહમત ઉઠાવવી પડી હતી.