સાયરસ મિસ્ત્રીનું મોત થયું એ સ્થળે એક વર્ષમાં રોડ અકસ્માતમાં 26નાં મોત થયા
મુંબઈ: ટાટા ઉદ્યોગ સમૂહના માજી અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું ગઈ તા. ચોથી સપ્ટેમ્બરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારોટી પાસે જે સ્થળે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું ત્યાં એક બ્લોક સ્પોટ બની ચૂક્યો છે. આ સ્થળે છેલ્લાં એક વર્ષમાં ૨૬ લોકોનાં મોત થયાં છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં સૂર્યા નદીના પુલ પાસે ત્રણ લેનનો રસ્તો અચાનક જ ટર્ન બાદ ટૂ લેનનો થઈ જાય છે.તેના લીધે મોટાભાગના ડ્રાઈવર થાપ ખાઈ જાય છે.
મુંબઈના થાણેના ઘોડબંદરથી પાલઘર જિલ્લાના દપચટ્ટી સુધીના ૧૦૦ કિમીના પટ્ટામાં આવાં અકસ્માતોમાં છેલ્લાં એક વર્ષમાં ૬૨ લોકોનાં મોત થયાં છે જ્યારે ૧૯૨ લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર હાઈવે પર કેટલાંય બ્લેક સ્પોટ બની ચૂક્યાં છે.
પોલીસ અધિકારીઓ માને છે કે મોટાભાગના અકસ્માત બેફામ ડ્રાઇવિંગને લીધે થયાં છે. જોકે, સંખ્યાબંધ બનાવોમાં ખામી ભરેલી રોડ ડિઝાઈન પણ જવાબદાર હોવાનું તેઓ કબૂલે છે.
ઉલ્લેખનીય છે કે ગઈ તા. ચોથીએ સાયરસ મિસ્ત્રીને નડેલા કાર અકસ્માતમાં તેમના ઉપરાંત જહાગીર પંડોળેનું મોત થયું હતું. જ્યારે ડેરિસય તથા તેમનાં કારચાલક પત્ની ડો. અનાહિતા પંડોળે ગંભીર રીતે ઘવાયા હતા.