બે યુવાનોએ હિંમતભેર મિત્રને મગરના જડબામાંથી છોડાવ્યો, લોકોના ઉડી ગયા હોંશ

વિસાવદર તાલુકાના માણંદિયાની સીમમાં આજે બપોરના ત્રણ યુવકો બળદને લઈ ગામ તરફ આવતા હતા ત્યારે આંબાજળ નદીમાં બળદને પાણી પીવડાવવા માટે ઉભા રાખ્યા હતા. ત્રણેય યુવકો ત્યાં ઉભા હતા તેવામાં અચાનક જ નદીમાંથી આવેલા મગરે યુવકનો પગ પકડી લીધો હતો. બાદમાં તેને પાણીમાં ખેંચવાનો પ્રયત્ન કરતા તેના બે મિત્રોએ મગરને હિંમતભેર પથ્થરો મારી પોતાના મિત્રને બચાવ્યો હતો. મગરના જડબામાં પગ આવી જવાથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વિસાવદર બાદ જુનાગઢ ખસેડાયો હતો.

માણંદિયા ગામમાંથી પસાર થતી આંબાજળ નદી આંબાજળ ડેમમાં ભળે છે. આંબાજળ ડેમ અને આંબાજળ નદીમાં સેકડો મગરો વસવાટ કરે છે. અનેકવાર મજરોએ ખેડૂતો, ખેતમજૂરો અને પશુઓનો શિકાર કરવાની ઘટનાઓ બની છે. આજે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ ત્વિક ભીખુભાઈ દાફડા, હનીશ અને ચંદુભાઈ નામના ત્રણેય યુવકો બળદને લઈ નદીમાં પાણી પીવડાવવા માટે આવ્યા હતા અને બળદ નદીમાં પાણી પીતા હતા તેવામાં ત્વિજ નામના ૨૦ વર્ષીય યુવકનો પગ મગરે પકડી લીધો હતો.

અચાનક જ પાણીમાંથી આવેલા મગરે ત્વિજનો પગ પકડતા તેણે રાડા રાડ કરી મૂકી હતી. જેથી તેની સાથે રહેલા હનીશ અને ચંદુભાઈ નામના બંને યુવકોએ હિંમતભેર મગર પર પથ્થરોનો ઘા શરૂ કર્યા હતા. તેથી મગરને પથ્થર લાગતા તેણે ત્વિકનો પગ મૂકી દીધો હતો. બાદમાં ત્વિકને પગના ભાગે ઈજા થતા તેને ખાનગી વાહન મારફતે વિસાવદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પગના ભાગે વધુ ઇજા જણાતા અને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે માણંદીયાના સરપંચે જણાવ્યું હતું કે, ત્વિક તેમનો ભત્રીજો થાય છે અને તેમને પગના ભાગે ૧૫ થી વધુ ટાંકા આવ્યા છે. અવારનવાર મગર આંબાજળ નદીમાં ખેડૂતોને પરેશાન કરે છે. આંબાજળ નદીમાં અનેક ઉંડા ઘુનાઓ આવેલા છે. મગરો અવારનવાર નદીના કાંઠે આવેલા ખેતરોમાં ચડી આવી ખેડૂતોને અને તેના માલઢોરને પણ હેરાન કરતી હોય જેથી તાત્કાલિક ખેતરોની આસપાસ વસવાટ કરતી મગરોને વનવિભાગ ત્યાંથી દૂર ખસેડે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *