GUJARAT

જાન્યુઆરીથી ભારતમાં કોરોનાનું ત્રીજું મોજું ફરી વળશે તેવું અનુમાન

નવી દિલ્હી : ચીનમાં કોરોના વાયરસે વરસાવેલા હાહાકાર પછી ભારતમાં પણ ચિતાજનક ખબરો મળી રહી છે. આધારભૂત સાધનોના જણાવ્યા મુજબ આગામી ૪૦ દિવસ ભારત માટે મુશ્કેલીભર્યા બની રહેવાના છે. કારણ કે જાન્યુઆરીમાં કોરોના કેસો વધવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. દેશમાં કોરોનાનું ત્રીજું મોજું ફરી વળવાની શક્યતા છે.

વાસ્તવમાં પૂર્વ એશિયામાં કોવિદ ફેલાયા પછી ૩૦- ૩૫ દિવસે ભારતમાં કોવિદનું મોજું આવ્યું હતું. આ એક ટ્રેન્ડ બની ગયો છે જેના આધારે આ અનુમાન કરવામાં આવ્યું છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ચીનમાં ફેલાયેલા કોવિદ- મોજાનું કારણ ઑમિક્રોનનું સબ વેરિયન્ટ બી-એફ-૭ છે. આ પ્રકારના બધા જ સબ-વેરિયન્ટ ઝડપભેર સંક્રમણ ફેલાવે છે અને એકી સાથે ૧૬ લોકોને સંક્રમિત કરી શકે છે.

જો કે, આરોગ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, આ વખતે સંક્રમણ બહુ ગંભીર નહી રહે તેવામાં કોઈ મોજું આવે તો પણ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની સંખ્યા તેમજ કોવિદ-થી થતા મૃત્યુદર પણ ઓછો રહેશે.

નવા વેરિયન્ટ બીએફ-૭ ઉપર દવાઓ અને વેક્સિન કેટલા અસરકારક નીવડે છે તે અંગે પણ આરોગ્ય મંત્રાલય અભ્યાસ કરી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં ૬ હજાર આંતરરાષ્ટ્રીય યાત્રીઓની તપાસ થઈ ચૂકી છે તેમાં ૩૯ કોરોના પોઝિટીવ મળ્યા છે આ અંગે કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા જાત તપાસ કરવા ગુરૂવારે દિલ્હી એરપોર્ટ પર જશે અને તલસ્પર્શી માહિતી મેળવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *