પ્રમુખ જિનપિંગને નજરકેદ કરાયા હોવાના અહેવાલથી આખા ચીનમાં ખળભળાટ
સોશિયલ મીડિયા પર અફવા છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગને હાઉસ અરેસ્ટ કરાયા છે. દાવો કરાઈ રહ્યો છે કે તાજેતરમાં જ શી જિનપિંગ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં એસસીઓ સમિટ માટે ગયા હતા ત્યારે જ તેમને સૈન્યના અધ્યક્ષપદેથી હટાવી દેવાયા હતા તેમ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું. જોકે, ચીની કમ્યુનિસ્ટ પાર્ટી અને ત્યાંના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે હજુ સુધી આ અફવાઓનું ખંડન કર્યું નથી. પરિણામે આ અટકળોને વધુ બળ મળ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર હેશટેગ શી જિનપિંગ પર હજારોની સંખ્યામાં ટ્વીટ કરાી રહી છે. ભાજપ નેતા અને રાજ્યસભામાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ ટ્વીટ કર્યા પછી ભારતમાં પણ આ સવાલો ઊઠી રહ્યા છે. જોકે, તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે આ અફવાની તપાસ કરવી જોઈએ કે શી જિનપિંગ બેઈજિંગમાં નજરકેદ છે કે નહીં.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ચીન અંગે એક નવી અફવા છે, તેની તપાસ કરાશે. શું શી જિનપિંગ નજરકેદ છે? માનવામાં આવે છે કે જિનપિંગ તાજેતરમાં સમરકંદમાં હતા ત્યારે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ સૈન્યના અધ્યક્ષપદેથી જિનપિંગને હટાવી દીધા હતા. ત્યાર પછી અફવાહ છે કે તેમને હાઉસ અરેસ્ટ કરાયા છે. આ ટ્વીટ સાથે જ તેમણે એક વીડિયો પણ શૅર કર્યો છે.
ચીનના કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી પણ દાવો કરાયો છે કે જિનપિંગને હાઉસ અરેસ્ટમાં રખાયા છે. આ સિવાય એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ શી જિનપિંગને પ્રમુખપદેથી હટાવી દીધા છે અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. કહેવાય છે કે હવે ચીનના નવા પ્રમુખ લી કિયાઓમિંગ છે.
ચીનની એક માનવાધિકાર એક્ટિવિસ્ટ જેનિફર ઝેન્ગે તેના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે પીએલએ બેઈજિંગ તરફ આગળ વધી રહી છે. તેણે વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, પીએલએના વાહનો ૨૨મી સપ્ટેમ્બરે બેઈજિંગ તરફ રવાના થયા છે. બેઈજિંગ નજીક હુઆનલાઈ કાઉન્ટીથી હેબેઈ પ્રાંતના ઝાન્ગજિઆકોઉ શહેર સુધી ૮૦ કિ.મી. લાંબુ સરઘસ છે. દરમિયાન અફવાઓ છે કે સીસીપીના સિનિયર્સે શિ જિનપિંગની પીએલએના વડા તરીકે હકાલપટ્ટી કર્યા પછી તેમને હાઉસ અરેસ્ટ કરાયા છે.
ચીનના લેખક ગોર્ડન ચાંગ, જે હવે અમેરિકામા રહે છે તેમણે પણ એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું, આ વીડિયો બેઈજિંગ તરફ આગળ વધતા સૈન્ય વાહનોનો છે. દેશમાં કેટલાક સિનિયર અધિકારીઓને જેલમાં ધકેલાયા અને ૫૯ ટકાથી વધુ ફ્લાઈટ્સને ગ્રાઉન્ડેડ કરાયા પછી આ વીડિયો બહાર આવ્યો છે. ઘણો બધો ધુમાડો જોવા મળે છે, તેનો અર્થ છે કે સીસીપીમાં ક્યાંક કંઈક રંધાઈ રહ્યું છે. ચીન અસ્થીર છે.
જોકે, હાલ આવા સમાચારોની કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. આંતરરાષ્ટ્રીય ડેસ્કના પત્રકારોનું માનવું છે કે આવી અફવાઓ માત્ર કોરી ચર્ચા છે. ચીનના સમાચારો આપનારા સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ, સીએનએન અથવા બીબીસી જેવી ચેનલોએ પણ આ વાતની પુષ્ટી કરી નથી. એવામાં અત્યાર સુધીની હકીકત એ જ છે કે શી જિનપિંગને હાઉસ અરેસ્ટ કરાયા નથી અને ચીનમાં કોઈ તખ્તાપલટો થયો નથી.
હકીકતમાં ચીનમાં આ સપ્તાહે બે પૂર્વ મંત્રીના મોત અને ચાર અધિકારીઓને ઉમરકેદની સજા સંભળાવાઈ હતી. જણાવાય છે કે તેઓ એક રાજકીય જૂથનો ભાગ હતા. અત્યારે કમ્યુનિસ્ટ પાર્ટીનું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. માનવામાં આવે છે કે આ અધિકારીઓ અને પૂર્વ મંત્રી જિનપિંગના વિરોધી હતા. તેથી જિનપિંગ વિરોધી જૂથ તરફથી આ અફવા ફેલાવાઈ છે.