સગાઇ નક્કી કર્યા બાદ તોડી નાખી તો યુવક સગીરાને લઇ ભાગી ગયો
નિકોલમાં રહેતા પરિવારજનોએ સમાજની રૃહે પોતાની સગીર વાયની દિકરીની મેઘાણીનગરમાં રહેતા યુવક સાથે લગ્ન કરવા માટે અગાઉથી સગાઇ નકકી કરી હતી જો કે કોઇક કારણસર બાદમાં સગાઇ તોડી નાંખી હતી, બીજીતરફ પ્રેમમાં પાગલ યુવક સગીરાને લઇને ભાગી ગયો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાના માતા-પિતાએ મેઘાણીનગરમાં રહેતા પોતાના સમાજના યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કરીને સગાઇ કરી હતી.
જો કે કોઇક કારણસર તાજેતરમાં લગ્ન નહી કરવાનું નક્કી કરીને સગાઇ તોડી નાંખી હતી. તો બીજીતરફ સગીરાના પ્રેમમાં પાગલ યુવક ગઇકાલે સગીરાને ભગાડીને જતો રહ્યો હતો.
આ બનાવની જાણ થતાં સગીરાના પરિવારજનોએ સગા વ્હાલાના ત્યાં તપાસ કરવા છતાં સગીરા અને યુવકનો કોઇ પત્તો લાગ્યો ન હોવાથી અંતે નિકોલ પોલીસ સ્ટેશનમાં મેઘાણીનગરના યુવક સામે અપહરણ અને પોક્સોની કલમ મુંજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.